Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ન્યૂઝ શોર્ટમાં: ત્રણ વર્ષમાં આખા મહારાષ્ટ્રમાં ૧૪૫ ફ્લાયઓવર બનાવવામાં આવશે

ન્યૂઝ શોર્ટમાં: ત્રણ વર્ષમાં આખા મહારાષ્ટ્રમાં ૧૪૫ ફ્લાયઓવર બનાવવામાં આવશે

Published : 13 July, 2026 07:40 AM | Modified : 13 July, 2026 09:03 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહારાષ્ટ્રને રેલવે લેવલ ક્રૉસિંગથી મુક્ત બનાવવા માટે આવતાં ત્રણ વર્ષમાં ૧૪૫ ફ્લાયઓવર બનાવવાના પ્રસ્તાવને રાજ્ય સરકારે મંજૂરી આપી

નાગપુરમાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં મહારેલના પ્રોજેક્ટ્સ ખુલ્લા મુકાયા હતા.

નાગપુરમાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં મહારેલના પ્રોજેક્ટ્સ ખુલ્લા મુકાયા હતા.


મહારાષ્ટ્રને રેલવે લેવલ ક્રૉસિંગથી મુક્ત બનાવવા માટે આવતાં ત્રણ વર્ષમાં ૧૪૫ ફ્લાયઓવર બનાવવાના પ્રસ્તાવને રાજ્ય સરકારે મંજૂરી આપી હોવાનું મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું. નાગપુરમાં મહારાષ્ટ્ર રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કૉર્પોરેશન (મહારેલ) દ્વારા તૈયાર કરાયેલા ચાર રેલ ઓવરબ્રિજ, ચાર અન્ડરપાસ અને એક રેલ અન્ડરપાસના ઉદ્ઘાટન વખતે દેવેન્દ્ર ફડણવીસે આ જાહેરાત કરી હતી. આ દરમ્યાન તેમની સાથે કેન્દ્રીય પરિવહનપ્રધાન નીતિન ગડકરી પણ હાજર હતા. દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે દર વર્ષે રેલવે લેવલ ક્રૉસિંગ પાર કરતી વખતે દેશમાં ૨૧,૦૦૦ લોકો મૃત્યુ પામે છે જેને પગલે મહારાષ્ટ્રને રેલવે લેવલ ક્રૉસિંગ મુક્ત બનાવવાના લક્ષ્યથી ત્રણ વર્ષમાં ૧૪૫ ફ્લાયઓવર બનાવવાનો પ્રસ્તાવ મંજૂર કરાયો છે. 

લોકો સિગ્નલ પર ઊભેલી ટ્રેનમાં ન ચડી જાય એટલે સેન્ટ્રલ રેલવે કલવા નજીક કારશેડનો ગેટ બંધ કરશે



અનેક લોકો કલવા કારશેડ નજીક આવેલા ગેટમાંથી ગેરકાયદે ટ્રેનમાં ચડી જતા હોવાથી ત્યાં આવેલો ગેટ બંધ કરવાનો નિર્ણય સેન્ટ્રલ રેલવેએ લીધો છે. અહીંથી ટ્રેનમાં ચડવા જતાં જીવનું જોખમ ઊભું થઈ શકે છે અને સુરક્ષાનો પ્રશ્ન પણ ઊભો થઈ શકે એમ હોવાથી આ ગેટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે અધિકારીઓએ જણાવ્યા અનુસાર દરરોજ સવારે આઠથી સાડાઆઠ વાગ્યા દરમ્યાન લોકો શેડ નજીક આવેલા ગેટમાંથી આવીને યાર્ડ પાસે આવેલી સિગ્નલ પર ઊભી રહેતી ટ્રેનમાં ચડી જતા હોય છે. જો લોકો ટ્રેનમાં ચડતા હોય ત્યારે સિગ્નલ ક્લિયર થઈ જાય તો તેમને ઈજા પહોંચી શકે તથા તેમનો જીવ પણ જઈ શકે જેને પગલે આ ગેટ હંમેશાં બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. 


વિદ્યાવિહાર ફ્લાયઓવર ૩૧ ઑગસ્ટ સુધીમાં પૂરો કરવાનો ટાર્ગેટ

વિદ્યાવિહાર ઈસ્ટ-વેસ્ટને જોડતા ફ્લાયઓવરનું કામ હવે પૂર્ણતાના આરે છે અને ૩૧ ઑગસ્ટ સુધીમાં એનું કામ પૂરું કરીને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવે એવા ટાર્ગેટ સાથે હવે કામ ચાલી રહ્યું છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના ઍડિશનલ કમિશનર અભિજિત બાંગરે શનિવારે એ ફ્લાયઓવરની મુલાકાત લઈ કેટલું કામ પત્યું એનો અંદાજ લીધો હતો. તેમણે ઑફિસરોને વધારાના માણસો અને મશીનરી તહેનાત કરીને પણ ૩૧ ઑગસ્ટના નિર્ધારિત સમયમર્યાદામાં બ્રિજ પ્રોજેક્ટ પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો હતો. લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ અને રામચંદ્ર ચેમ્બુરકર માર્ગને જોડતા વિદ્યાવિહાર ફ્લાયઓવરમાં કુલ ચાર લેનવાળા બે કૅરેજ-વે છે. ૬૫૦ મીટર લાંબા ફ્લાયઓવરમાંથી રેલવે ટ્રૅક પર ૧૦૦ મીટરનો પોર્શન બનાવવામાં આવી રહ્યો છે, અેની ઈસ્ટ સાઇડ ૨૨૦ મીટરનો અપ્રોચ રોડ અને વેસ્ટ સાઇડ ૩૩૦ મીટરનો અપ્રોચ રોડ બનાવવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટમાં વિદ્યાવિહાર રેલવે સ્ટેશન પર ફ્લાયઓવરથી ફુટઓવર બ્રિજ સુધી કનેક્ટિંગ એક્સેસનો પણ સમાવેશ થાય છે.


BMC દ્વારા મૅનહોલનાં ઢાંકણાં બેસાડવાને હવે પ્રાયોરિટી

થોડા દિવસો પહેલાં જ સાકીનાકાના ખૈરાની રોડ પર મૅનહોલ પર ઢાંકણું ન હોવાથી એક જણ એમાં પડીને મૃત્યુ પામ્યો હતો. આ ઘટનાને લઈ BMCની બહુ જ ટીકા થઈ હતી. એથી હવે BMC મૅનહોલ પરનાં ઢાંકણાં ગોઠવવા પર વધુ ધ્યાન આપી રહ્યું છે. આ બાબતે ૪૪ કૉર્પોરેટરોએ ૧૧ કલાકની મૅરેથૉન મીટિંગ યોજી હતી. ૨૦૨૩થી BMC મૅનહોલ પર ઢાંકણાં ગોઠવી રહ્યું છે. જોકે એમ છતાં ઘણી વખત એ ચોરાઈ જતાં હોય છે જે ફરી લગાડવામાં આવતાં હોવાનું BMCએ જણાવ્યું હતું. સાથે જ આ વર્ષે મૉન્સૂનના પહેલા જ તબક્કામાં અનેક ઝાડ પડી ગયાં હોવાથી એ ઝાડને માટે શું કાળજી લેવી, કઈ રીતે અેને મેઇન્ટેઇન કરવા, ટ્રિમિંગ કરતી વખતે શું કાળજી લેવી એ નક્કી કરવા એક્સપર્ટ કમિટીનું ગઠન કરવામાં આવશે. 

વસઈના વરસાદમાં તણાઈ ગયેલી કાર ૧૨ દિવસે મળી

વસઈમાં પહેલી જુલાઈએ પડેલા ભારે વરસાદને કારણે વસઈ-વિરાર અને પાલઘરમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયાં હતાં અને એને કારણે નાગરિકોએ હાલાકી તો ભોગવવી જ પડી હતી, પરંતુ સાથે-સાથે મોટું નુકસાન પણ એક કે બીજી રીતે વેઠવું પડ્યું હતું. આ જ રીતે વસઈના વાઘરાળપાડામાં એક કાર પણ પૂરના પાણીમાં વહીને નાળામાં ગરકાવ થઈ ગઈ હતી. આશરે ૧૨ દિવસ બાદ એને બહાર કાઢવામાં આવી ત્યારે એની દશા કંઈક આવી હતી. પોતાની કારની આ દશા જોઈને કારના માલિકે શું અનુભવ્યું હશે એની કલ્પના કરી શકાય છે. 

મુલુંડમાં મેઇન્ટેનન્સના કામ દરમ્યાન ગૅસ લીકેજને કારણે આગ, ત્રણ જણ દાઝ્યા

મુલુંડના અમરનગરના ખીંડીપાડામાં રવિવારે ગૅસ લીકેજ થતાં આગ લાગવાની ઘટના બની હતી. સાંજે સાડાચાર વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનામાં ત્રણ જણ દાઝી ગયા હોવાની માહિતી BMCએ આપી હતી. પ્રાથમિક માહિતી મુજબ ટેક્નિશિયન દ્વારા મેઇન્ટેનન્સનું કામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે ગૅસ લીક થયો હતો. દાઝી ગયેલાઓનાં નામ પ્રેમિલા વિશ્વકર્મા, આરાધના વિશ્વકર્મા અને મોહમ્મદ હોવાનું BMCએ જણાવ્યું હતું. બધાને જ મુલુંડની અગરવાલ હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ખરેખર આગ શેના કારણે લાગી અેની તપાસ કરવામાં આવી રહી છે. 

યાત્રાળુઓની સેવા કરીને બનાવ્યો વર્લ્ડ રેકૉર્ડ

પિંપરી-ચિંચવડની યોગ વિદ્યા ધામ સંસ્થાએ પગપાળા ચાલીને પંઢરપુરની યાત્રાએ જઈ રહેલા વારકરી સમુદાયના યાત્રાળુઓની સેવા કરીને વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. એક જ દિવસમાં ૩૨૬૪ વારકરી યાત્રાળુઓના પગને મસાજ કરીને તેમણે વર્લ્ડ રેકૉર્ડ્‍સ બુક ઑફ ઇન્ડિયામાં નામ નોંધાવ્યું હતું. ૧૧ જુલાઈએ દિવેઘાટ પર ઝેન્ડેવાડી ખાતે તેમણે પગપાળા જતા યાત્રાળુઓની સેવા કરવા માટે તેમના પગે મસાજ કરવાનો કાર્યક્રમ યોજ્યો હતો. ઉલ્લેખનીય છે કે વારકરી સમુદાય દ્વારા અષાઢી વારી યોજાય છે ત્યારે અનેક સંસ્થાઓ તેમની સેવામાં કાર્યરત હોય છે.

અંધેરીની હોટેલમાંથી શંકાસ્પદ હાલતમાં મહિલાનો મૃતદેહ મળ્યો

મધરાતે હોટેલમાં આવી, પરોઢિયે લોહીની ઊલટી થઈ અને મહિલાનું મૃત્યુ થયું

અંધેરી-ઈસ્ટની એક હોટેલના રૂમમાંથી રવિવારે સવારે ૩૦ વર્ષની પૂજા પાગડેલનો મૃતદેહ મળી આવ્યો હતો. પૂજા પાગડેલે બી.એમ. બિશ્ત સાથે શનિવારે મધરાત બાદ ૧.૩૦ વાગ્યે હોટેલમાં એન્ટ્રી લીધી હતી. અંધેરી પોલીસે અૅક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (ADR)નો કેસ નોંધ્યો હતો. અંધેરી પોલીસ-સ્ટેશનના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ‘મોતનું ચોક્કસ કારણ ઑટોપ્સી રિપોર્ટના આધારે જાણી શકાશે. પ્રાથમિક દૃષ્ટિએ દારૂ પીધા પછી લોહીની ઊલટી થવાથી મહિલાનું મૃત્યુ થયું હોવાની શંકા છે. હોટેલના રૂમ-સર્વિસ બૉયે લાશ જોઈ હતી જેણે હોટેલના અધિકારીઓને જાણ કરી હતી અને પોલીસને ફોન કર્યો હતો.’ પોલીસે જણાવ્યું હતું કે સવારે ૪.૩૦ વાગ્યે પૂજા પાગડેલને લોહીની ઊલટી થઈ હતી અને તે બેભાન થઈ ગઈ હતી, પરંતુ તે હોશમાં આવી નહોતી. પોલીસે જણાવ્યું કે બી.એમ. બિશ્ત પોતાના પગમાં ગૅન્ગ્રીનની સારવાર કરાવવા માટે હોટેલ છોડીને ગયા હતા અને હોટેલ સ્ટાફને જાણ કરી હતી અને ઉમેર્યું હતું કે સારવાર બાદ તે હોટેલ પરત ફર્યો હતો. 

Whatsapp-channel Whatsapp-channel

13 July, 2026 09:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK