Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > News In Shorts: મિલન સબવે પાસે BMCની ગેરકાયદે ફેરિયાઓ અને સ્ટૉલ સામે કાર્યવાહી

News In Shorts: મિલન સબવે પાસે BMCની ગેરકાયદે ફેરિયાઓ અને સ્ટૉલ સામે કાર્યવાહી

Published : 01 September, 2026 08:54 AM | Modified : 01 September, 2026 09:42 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

BMCનાં અસિસ્ટન્ટ કમિશનર ઝોન 4 ડૉક્ટર ભાગ્યશ્રી કાપસે અને અસિસ્ટન્ટ કમિશનર ચક્રપાણી અલ્લેની દોરવણી હેઠળ કરવામાં આવી હતી.

 અતિક્રમણવિરોધી કાર્યવાહી

અતિક્રમણવિરોધી કાર્યવાહી


બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ એના K-વેસ્ટ વૉર્ડ અંતર્ગત સાંતાક્રુઝ અને વિલે પાર્લે વચ્ચે આવેલા મિલન સબવેથી એસ. વી. રોડ પર ગેરકાયદે બેસેલા ફેરિયાઓ અને ત્યાં ગેરકાયદે ઊભા કરી દેવાયેલા સ્ટૉલ સામે અતિક્રમણવિરોધી કાર્યવાહી કરીને સ્ટૉલ તોડી પાડ્યા હતા. આ તોડકામ કાર્યવાહી  BMCનાં અસિસ્ટન્ટ કમિશનર ઝોન 4 ડૉક્ટર ભાગ્યશ્રી કાપસે અને અસિસ્ટન્ટ કમિશનર ચક્રપાણી અલ્લેની દોરવણી હેઠળ કરવામાં આવી હતી.

ગોંડલ સંપ્રદાયનાં મધુરવક્તા પૂ. સરલાબાઈ મહાસતીજી કાળધર્મ પામ્યાં : ધોરાજીમાં ગુણાનુવાદ સભા




શ્રી સ્થાનકવાસી જૈન સંઘ (ગોંડલ સંપ્રદાય) સંચાલિત પ્રભુલાલ મૂળજી મહેતા – જૈન ઉપાશ્રય, સ્ટેશન પ્લૉટ, ધોરાજી ખાતે પૂ. સમજુબાઈ મ.સ.નાં સુશિષ્યા મધુરવક્તા પૂ. સરલાબાઈ મ.સ. ૮૬ વર્ષની વયે ૫૯ વર્ષના દીક્ષાપર્યાય સહિત સોમવારે ૩૧ ઑગસ્ટે બપોરે ૧૧.૪૫ વાગ્યે સમાધિભાવે કાળધર્મ પામ્યાં હતાં. ગઈ કાલે સાંજે પાંચ વાગ્યે તેમની પાલખીયાત્રા નીકળી હતી આમરાપરમાં ચલાલાનિવાસી માતા સવિતાબહેન અને પિતા મગનભાઈ મૂળચંદ લાખાણીનાં પુત્રી સરલાબહેનને ૧૫-૦૫-૧૯૬૭ના દિવસે તપસમ્રાટ પૂ. રતિલાલજી મ.સા.એ દીક્ષામંત્ર અર્પણ કર્યો હતો. આજે પહેલી સપ્ટેમ્બરે સવારે ૧૦ વાગ્યે ગુણાનુવાદ સભા ધોરાજી ખાતે યોજાશે. આમ્બિવૅલીમાં બિરાજિત પૂ. શ્રી ધીરગુરુદેવે તેમને ગુણાંજલિ અર્પણ કરી હતી. ચાતુર્માસમાં વૈયાવચ્ચનો લાભ પ્રમુખ શરદ દામાણી વગેરેએ લીધેલો.

સાળંગપુર હનુમાન મંદિરમાં શિવલિંગ થીમ પર આધારિત શિવસ્વરૂપ શણગાર


વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં આવેલા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં ગઈ કાલે શ્રાવણના સોમવારે શિવલિંગ થીમ પર આધારિત શિવસ્વરૂપ શણગાર કરવામાં આવ્યો હતો. હનુમાનજીદાદાને રુદ્રાક્ષની માળાઓ, વાઘામ્બર, ત્રિશૂળ અને ડમરુ તેમ જ નમઃ શિવાય લખેલા વિશેષ વાઘા સાથે શિવજીના રૂપમાં દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. મંદિરના ગર્ભગૃહને શિવલિંગ અને ત્રિપુંડના દૃશ્યમાન આકાર તેમ જ ત્રિશૂળોની આકૃતિઓથી સજાવવામાં આવ્યું હતું. 

રુદ્રાક્ષથી મઢેલા કોલાબાચા સમ્રાટ

‘કોલાબાચા સમ્રાટ’ની રુદ્રાક્ષની મૂર્તિને પરેલની વર્કશૉપમાંથી રવિવારે મંડપમાં લઈ જતી વખતે મંડળના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આખી મૂર્તિને હજારો રુદ્રાક્ષથી મઢી લેવાઈ છે. કાળા અને બ્રાઉન રુદ્રાક્ષને કારણે મૂર્તિ અલગ ભાત પાડતી હતી. દેવી પાર્વતીના વિરહમાં શંકર ભગવાનનાં આંસુ જ્યાં પડ્યાં ત્યાં રુદ્રાક્ષનું વૃક્ષ ઉત્પન્ન થયું અને એથી રુદ્રાક્ષમાં દૈવી શક્તિ અને પવિત્ર હોવાની સનાતન ધર્મમાં માન્યતા છે. કાર્યકરોએ ગણપતિબાપ્પા મોરયાના જયજયકાર સાથે મૂર્તિને મંડપમાં પધરાવી હતી.

મુંબઈ પોર્ટ પર કાર્ગો ક્રેનમાં આગ લાગી, બે ઑપરેટરને ઈજા

મુંબઈ પોર્ટ પર રવિવારે સાંજે કાર્ગો અનલોડિંગ દરમ્યાન એક ક્રેનમાં અચાનક આગ લાગતાં બે ક્રેન ઑપરેટરને ઈજા થઈ હતી. રવિવારે સાંજે ૭.૩૦ વાગ્યે બાર્બેડોઝનો ધ્વજ ધરાવતા વિયેના નામના જહાજમાંથી બરકત નામની ખાનગી કંપનીની બે ક્રેન દ્વારા ૧૪૦ ટનનો ભારે કાર્ગો ઉતારવામાં આવી રહ્યો હતો. આ પ્રક્રિયા દરમ્યાન સંતુલન બગડતાં એક ક્રેનની લિફ્ટિંગ સ્ટ્રેપ લપસી ગઈ હતી, જેને લીધે આખું વજન અચાનક બીજી ક્રેન પર આવી ગયું હતું. એકાએક વજન વધતાં બીજી ક્રેન જમીન પરથી ઊંચકાઈ ગઈ હતી અને એનો ટેલિસ્કોપિક બૂમ જહાજ સાથે જોરથી અથડાયો હતો. આ ઇમ્પૅક્ટને કારણે ક્રેનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનાની જાણ થતાં જ મુંબઈ પોર્ટ ફાયર-બ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ અકસ્માતમાં બરકત કંપનીમાં કામ કરતા બે ક્રેન ઑપરેટર રણજિત સિંહ અને નિશાંત સિંહ ઈજાગ્રસ્ત થયા હતા, જેમને મુંબઈની સેન્ટ જ્યૉર્જ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

01 September, 2026 09:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK