Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ન્યૂઝ શોર્ટમાં: જોગેશ્વરીમાં બાળકચોર ધારીને ટોળાએ ૪ સાધુઓને ઘેરી લીધા, પોલીસે બચાવ્યા

ન્યૂઝ શોર્ટમાં: જોગેશ્વરીમાં બાળકચોર ધારીને ટોળાએ ૪ સાધુઓને ઘેરી લીધા, પોલીસે બચાવ્યા

Published : 24 June, 2026 08:48 AM | Modified : 24 June, 2026 11:03 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાધુઓને પોલીસ-સ્ટેશનમાં લઈ જવાયા પછી ખબર પડી હતી કે તેઓ મૂળ મધ્ય પ્રદેશના છે અને ત્યાંના મઠમાં રહે છે.

દુર્ગાનગરમાં સાધુની થયેલી મારઝૂડ.

દુર્ગાનગરમાં સાધુની થયેલી મારઝૂડ.


જોગેશ્વરી-ઈસ્ટના દુર્ગાનગરમાં બાળકચોરીની આશંકા અને અફવાઓને કારણે સ્થાનિક લોકોના ટોળાએ ગઈ કાલે બપોરે ૪ સાધુઓને પકડી લીધા હતા અને તેમની સાથે ઝપાઝપી તથા મારઝૂડ કરી હતી. જોકે MIDC પોલીસને ઘટનાની માહિતી મળતાં એ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ચારેય શંકાસ્પદ વ્યક્તિઓને તાબામાં લીધી હતી જેને કારણે પાલઘર જેવી મોટી ઘટના ટળી ગઈ હતી. પાલઘર જિલ્લામાં ૨૦૨૦માં સાધુઓની ઘાતકી હુમલાની ઘટના બની હતી ત્યાર બાદ રાજ્યમાં ભારે વિવાદ સર્જાયો હતો. સાધુઓને પોલીસ-સ્ટેશનમાં લઈ જવાયા પછી ખબર પડી હતી કે તેઓ મૂળ મધ્ય પ્રદેશના છે અને ત્યાંના મઠમાં રહે છે.

BMCએ વર્સોવામાં ૧૭ ગેરકાયદે દુકાનો તોડી પાડી




વર્સોવા-વેસ્ટના જે. પી. રોડ પર આવેલા આરામનગરમાં ગઈ કાલે સવારે BMC દ્વારા સપાટો બોલાવતી કાર્યવાહી કરવામાં આવી હતી. અહીં ઓપન સ્પેસનો સર્વિસ એરિયા તરીકે ઉપયોગ કરનારી, ગેરકાયદે શેડ કે આવરણો ઊભાં કરનારી અને ફુટપાથ પર અવરોધ પેદા કરનારી ૧૭ દુકાનો સામે તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત જાહેર આરોગ્યને નુકસાન પહોંચાડતાં અને નિયમોનું ઉલ્લંઘન કરતાં ૮ જાણીતા ફૂડ-આઉટલેટ્સનાં ગેરકાયદે ડ્રેનેજ-કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યાં હતાં. 

જગન્નાથ મંદિરની ટોચ પર લહેરાતી ધજા સાથે સૂર્યનો ખૂબસૂરત સંગમ


ઓડિશાના પ્રખ્યાત જગન્નાથ મંદિરની ટોચ પર લહેરાતી ધજા સાથે સૂર્યનો સુંદર સંગમ થતો હોય એવું દુર્લભ દૃશ્ય હાલમાં જોવા મળ્યું હતું. મંદિરના શિખર પરની પવિત્ર ધજા અને સૂર્યનો આકાશની પાર્શ્વભૂમિમાં થયેલો આ સંગમ ભાવિકોમાં વિશેષ આકર્ષણ ઠર્યો હતો. આ દૃશ્ય શ્રદ્ધા અને કુદરતના અનોખા મિલન જેવું દેખાતું હતું. આ અદ્ભુત ક્ષણનો ફોટો અને વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. ઘણા લોકોએ આને આધ્યાત્મિક અને નેત્રદીપક અનુભવ ગણાવ્યો હતો.

શ્રી માતા વૈષ્ણોદેવી યાત્રામાં નવો ઐતિહાસિક રેકૉર્ડ, ૫૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યાં દર્શન

જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ શ્રી માતા વૈષ્ણોદેવી મંદિરની યાત્રાએ ચાલુ વર્ષે એક નવો ઐતિહાસિક માઇલસ્ટોન સ્થાપિત કર્યો છે. ૨૦૨૬માં અત્યાર સુધીમાં ૫૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માતાનાં દર્શન કર્યાં છે. મંદિરની તમામ વ્યવસ્થાઓ સંભાળતા શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ (SMVDSB)ના જણાવ્યા મુજબ બાવીસ જૂને જ યાત્રાળુઓનો આંકડો ૫૦ લાખને વટાવી ગયો હતો. ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં આ વખતે ભક્તોના ધસારામાં અભૂતપૂર્વ વધારો નોંધાયો છે. ૨૦૨૫માં આ સમયગાળા દરમ્યાન આશરે ૩૯.૮૪ લાખ શ્રદ્ધાળુઓએ મુલાકાત લીધી હતી. 

લખનઉના અગ્નિકાંડ પછી કાનપુરમાં ૩૦ કોચિંગ ક્લાસ સીલ કરી દેવામાં આવ્યા, રાજ્યભરમાં કાર્યવાહી

ઉત્તર પ્રદેશના લખનઉમાં કોચિંગ ક્લાસમાં આગ લાગ્યા બાદ ૧૫ જણે જીવ ગુમાવ્યા પછી કાનપુર ડેવલપમેન્ટ ઑથોરિટી (KDA)ના અધિકારીઓએ ગઈ કાલે કાનપુરમાં સાર્વત્રિક દરોડા પાડ્યા હતા. નિરીક્ષણ દરમ્યાન ભવનનિર્માણ અને ફાયર-સેફ્ટીના જરૂરી માપદંડોનું ઉલ્લંઘન કરવા બદલ પ્રખ્યાત ફિઝિક્સવાલા સહિત ૪૮ જેટલી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સને તાત્કાલિક ખાલી કરાવીને સીલ કરી દેવામાં આવી છે. બીજી તરફ રાજ્યના હાપુડ, રાયબરેલી, કાનપુર ગ્રામીણ, વારાણસી અને મથુરામાં પણ પ્રશાસન ઍક્શનમાં આવી ગયું છે.

લોકોએ તૃણમૂલ કૉન્ગ્રેસના નેતાને જૂતાંનો હાર પહેરાવીને પરેડ કરાવી, કાન પકડીને ઊઠબેસ કરાવી

પશ્ચિમ બંગાળમાં ભ્રષ્ટાચારના આરોપસર તારકેશ્વર નગરપાલિકાના ભૂતપૂર્વ અધ્યક્ષ અને તૃણમૂલ કૉન્ગ્રેસના નેતા સપન સામંતાને જૂતાંનો હાર પહેરાવીને લોકોએ ભરરસ્તે પરેડ કરાવી હતી. લોકોએ તેમને કાન પકડીને ઊઠબેસ કરાવી હતી અને તેમના પર ઈંડાં અને ટમેટાં ફેંક્યાં હતાં. સપનનો લોકોની સામે ઊઠબેસ કરતો એક વિડિયો વાઇરલ થયો છે. નેતા જ્યારે ઊઠબેસ કરી રહ્યા હતા ત્યારે લોકો રેકૉર્ડિંગ કરતા હતા. તેઓ રસ્તે ચાલતા જતા હતા અને સ્કૂટર પર બેઠા ત્યાં સુધી લોકો રેકૉર્ડિંગ કરતા હતા.

તેલંગણના ઐતિહાસિક બસરા સરસ્વતી મંદિરમાં મોટી ચોરી

૬ સુરક્ષાકર્મીઓ નાઇટ-ડ્યુટી પર હોવા છતાં તસ્કરોએ હાથફેરો કર્યો. તેલંગણના નિર્મલ જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ અને ઐતિહાસિક બસરા જ્ઞાન સરસ્વતી મંદિર પરિસરમાં એક મોટી ચોરીની ઘટનાથી સુરક્ષાવ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. તસ્કરોએ મંદિર કૅમ્પસમાં જ આવેલા મહાકાલી દેવીના મંદિરનાં તાળાં તોડીને ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો હતો. ચોરો ત્યાંથી દેવી માતાનો કીમતી ચાંદીનો મુગટ અને મંદિરની હૂંડી (દાનપેટી) ચોરીને ફરાર થઈ ગયા હતા. આ ચોરી એટલા માટે આશ્ચર્યજનક છે કારણ કે ઘટના સમયે પરિસરમાં ૬ સુરક્ષાકર્મીઓ રાતે ફરજ પર હાજર હતા. 

હવે પ્લેનની મુસાફરી થશે સસ્તી, ક્રૂડની કિંમત ઘટી, ફ્યુઅલ સરચાર્જ હટાવવામાં આવશે

વૈશ્વિક બજારમાં ક્રૂડ ઑઇલના ભાવમાં ઘટાડો થતાં ભારતીય ઍરલાઇન્સ આગામી મહિનાઓમાં હવાઈ મુસાફરોને ભાડામાં મોટી રાહત આપવાની યોજના બનાવી રહી છે. અહેવાલ મુજબ વિવિધ વિમાન-કંપનીઓ દ્વારા ફ્યુઅલ સરચાર્જ સંપૂર્ણપણે હટાવવા અથવા તબક્કાવાર પાછો ખેંચવા માટે વિચારણા ચાલી રહી છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની સરખામણીએ ઘરેલુ (ડોમેસ્ટિક) રૂટ્સ પરથી ફ્યુઅલ સરચાર્જ વહેલો હટાવવામાં આવી શકે છે, કારણ કે ઇન્ટરનૅશનલ રૂટ્સ પર ઈંધણનો ખર્ચ અને ઑપરેટિંગ ઇકૉનૉમિક્સ વધુ પડકારજનક છે. 

Whatsapp-channel Whatsapp-channel

24 June, 2026 11:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK