સવારે ૮.૩૫ વાગ્યે આગ કાબૂમાં આવી હતી. આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હોવાનું ફાયર-બ્રિગેડે જણાવ્યું હતું. આગ શેના કારણે લાગી એની તપાસ ફાયર-બ્રિગેડ દ્વારા થઈ રહી છે.
આગમાં બળતું હિન્દુસ્તાન નાકા નજીક આવેલું કમર્શિયલ બિલ્ડિંગ.
બુધવારે વહેલી સવારે ૫.૦૯ વાગ્યે કાંદિવલી-વેસ્ટના હિન્દુસ્તાન નાકા પાસે ચારકોપ રોડ પર ૫૦૦૦ સ્ક્વેર ફુટમાં ફેલાયેલા એક કમર્શિયલ બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની હતી. અહીં સંધ્યા બાર નજીક પ્લૉટ-નંબર 118/Dમાં આવેલા બિલ્ડિંગમાં આગ લાગતાં ઇલેક્ટ્રિક સિસ્ટમ, ઑફિસનું ફર્નિચર, ડૉક્યુમેન્ટ્સ, મશીનો તથા આસપાસ પાર્ક કરાયેલાં ઇલેક્ટ્રિક બાઇક સહિતનાં વાહનો અને વરસાદથી બચવા લગાવાયેલી તાડપત્રી સહિતનો સામાન બળી ગયો હતો. સવારે ૮.૩૫ વાગ્યે આગ કાબૂમાં આવી હતી. આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હોવાનું ફાયર-બ્રિગેડે જણાવ્યું હતું. આગ શેના કારણે લાગી એની તપાસ ફાયર-બ્રિગેડ દ્વારા થઈ રહી છે.
ગોરેગામમાં અમૂલ અને ગોકુળ દૂધમાં ભેળસેળ કરતા બે લોકો ઝડપાયા
ADVERTISEMENT
ગોરેગામ-વેસ્ટના પ્રેમનગરમાં ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ના ઑફિસરોએ ક્રાઇમ બ્રાન્ચ યુનિટ ૧૧ના પોલીસ-ઑફિસરો સાથે મળીને રેઇડ પાડી હતી. આ સંયુક્ત કાર્યવાહી હેઠળ ક્રિષ્ના લિંગમપલ્લી અને રવિ પટ્ટીપકાને ઝડપી લેવાયા હતા. તેઓ બન્ને અમૂલ અને ગોકુળ દૂધની થેલીમાંથી કેટલુંક દૂધ કાઢી લઈને એટલું જ પાણી ભેળવતા હતા. બન્ને આરોપીઓએ કબૂલ કર્યું હતું કે તેઓ સારું દૂધ કાઢીને બાકીના દૂધમાં પાણી ભેળવતા હતા અને એ દૂધ ગોરેગામ-વેસ્ટના તેમના ગ્રાહકો અને ચાના સ્ટૉલ્સ ધરાવનારાઓને વેચતા હતા. તેમની પાસેથી ૫૫૮ લીટર દૂધ, ૨૨૪ ભેળસેળ કરાયેલાં દૂધનાં પાઉચ અને દૂધમાં ભેળસેળ કરવા વપરાતાં સાધનો, એક ફોન એમ કુલ મળીને ૫૦,૩૦૪ રૂપિયાનો માલ હસ્તગત કર્યો હતો.
નાશિક-ગુજરાત હાઇવે પર ગોઝારો અકસ્માત: ચારનાં મોત, એક ગંભીર
મૂળ સિલવાસાનો પરિવાર મહારાષ્ટ્રના સપ્તશૃંગી માતાનાં દર્શન કરીને સિલવાસા પાછો ફરી રહ્યો હતો ત્યારે મંગળવારે સાંજે નાશિક-ગુજરાત હાઇવે પર સાવલ ઘાટમાં તેમની જીપનો અકસ્માત થયો હતો. બે ટ્રકની વચ્ચે એમની જીપ આવી જતાં જીપનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ દુર્ઘટનામાં ૧ મહિલા અને બે પુરુષોના ઑન ધ સ્પૉટ મૃત્યુ થયાં હતાં, જ્યારે અન્ય એક ગંભીર પ્રવાસીને હૉસ્પિટલ લઈ જવામાં આવતો હતો ત્યારે તેણે રસ્તામાં જ છેલ્લા શ્વાસ લીધા હતા. અન્ય એક ઘાયલને સારવાર આપવામાં આવી રહી છે. પેઠ પોલીસે આ કેસની તપાસ ચાલુ કરી હતી. એવી માહિતી મળી રહી હતી કે એ જીપને પહેલાં એક ટ્રકે અડફેટે લીધી હતી અને એથી એ આગળ રહેલી ટ્રક સાથે પણ જોશભેર અથડાઈ હતી. પોલીસે નાસી ગયેલા એક ટ્રકના ડ્રાઇવરની શોધ ચાલુ કરી છે.
ચલે જૈસે હવાએં સનન-સનન

વરસાદની ભીની-ભીની મોસમ અને એમાં પણ માળશેજ ઘાટમાં ફૂંકાતા સુસવાટા મારતા પવનને કારણે વાહનો હલી જતાં હોવાનું સાંભળ્યું હતું, પણ હવે સોશ્યલ મીડિયામાં એક વિડિયો વાઇરલ થયો છે જેમાં માળશેજ ઘાટના એક ચડાવ પરના ટર્નિંગ પર જ્યાં વાહનો બહુ ધીમી સ્પીડે ચલાવવાં પડે છે ત્યાં એક સ્પૉટ પર તેજ પવનને કારણે ટૂ-વ્હીલર સાઇડ પર ઢળી પડતાં હોવાનું દેખાય છે. વળી એ સુસવાટા મારતા પવનમાં ઊભા રહેવાનું જોખમી જણાતાં સ્થાનિકોની સલાહ મુજબ અમુક લોકો નીચે બેસી ગયા હતા.
વિરાર-દહાણુ ક્વૉડ્રપ્લિંગ પ્રોજેક્ટ હેઠળ વૈતરણા બ્રિજ બનીને તૈયાર

વિરાર અને દહાણુ વચ્ચે ૪ લેનનો ટ્રૅક શરૂ કરવા માટેના ક્વૉડ્રપ્લિંગ પ્રોજેક્ટ હેઠળ વૈતરણા નદી પરનો વૈતરણા બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે. ૬૨૮ મીટર લાંબા આ રેલ બ્રિજનું કામ પૂરું થતાં હવે આ પ્રોજેક્ટનું ૬૦ ટકા કામ પૂરું થઈ ગયું છે. આ પ્રોજેક્ટ હેઠળ વધુ એક બ્રિજ તૈયાર થઈ રહ્યો છે જેનું કામ આ વર્ષે ડિસેમ્બર મહિના સુધીમાં પૂરું થઈ જવાનો અંદાજ છે. આ ઉપરાંત વૈતરણા અને કેલવે રોડ ખાતે નવા સ્ટેશન બિલ્ડિંગનું કામ પણ પૂરું થઈ ચૂક્યું છે.
જોતા રહેજો રાજ : રાજ ઠાકરેના ઘરની બહારનું ઝાડ જોખમી જાહેર

આ ચોમાસા દરમ્યાન મુંબઈમાં વૃક્ષ તૂટી પડવાની અનેક ઘટના બની હતી, જેમાં લોકોએ જીવ ગુમાવવાનો વારો પણ આવ્યો હતો. એવામાં હવે BMC દ્વારા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના અધ્યક્ષ રાજ ઠાકરેના બંગલાની બહારનું ઝાડ પણ જોખમી જાહેર કરવામાં આવ્યું છે. આ ઘટાદાર ઝાડ પર BMC દ્વારા એ જોખમી હોવાનું પોસ્ટર ચીપકાવીને લોકોને એની નીચે ઊભા ન રહેવાની સૂચના અપાઈ હતી.
ટિટવાલામાં બ્રેક ફેલ થયા પછી પ્રાઇવેટ બસ દુકાનમાં ઘૂસી ગઈ
ટિટવાલા વિસ્તારમાં મંગળવારે એક મોટી રોડ-દુર્ઘટના સહેજ માટે ટળી ગઈ હતી. બ્રેક ફેલ થવાના કારણે ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં એક ખાનગી બસ પૂરપાટ ઝડપે રસ્તાકિનારે આવેલી એક દુકાનમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માત ટિટવાલા વિસ્તારના સ્વ. આનંદ દીઘે માર્ગ પર બન્યો હતો. બસ આ રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક અેની બ્રેક ફેલ થઈ ગઈ હતી. ડ્રાઇવરે બસ પર કાબૂ મેળવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો, પરંતુ બસ રસ્તા પરથી ફંટાઈને બાજુમાં આવેલા શુભમ ડાયગ્નૉસ્ટિક સેન્ટરની નજીકની એક દુકાન સાથે અથડાઈ હતી. બસની ટક્કર એટલી જોરદાર હતી કે દુકાનના માળખાને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. જોકે રાહતની વાત એ છે કે અકસ્માત સમયે દુકાનની અંદર કે અેની આસપાસના ભાગમાં કોઈ હાજર ન હોવાથી મોટી હોનારત કે જાનહાનિ ટળી હતી.
નવી મુંબઈ ઍરપોર્ટ હવે ઇન્ટરનૅશનલ બન્યું, અબુ ધાબી માટે ડાયરેક્ટ સર્વિસ લૉન્ચ
નવી મુંબઈ ઇન્ટરનૅશનલ અૅરપોર્ટ (NMIA)એ બુધવારથી ઇન્ટરનૅશનલ ફ્લાઇટ સર્વિસનો પ્રારંભ કર્યો છે. અૅર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા નવી મુંબઈ અને અબુ ધાબી વચ્ચે ડાયરેક્ટ સર્વિસ શરૂઆત કરવામાં આવી છે. નવી મુંબઈ અૅરપોર્ટ પરથી પચીસ ડિસેમ્બરે ડોમેસ્ટિક સર્વિસ શરૂ થયાના ૨૦૦ દિવસથી પણ ઓછા સમયમાં આ ઇન્ટરનૅશનલ રૂટ ઑપરેશનલ કરી દેવામાં આવ્યો છે. ડિસેમ્બરમાં શરૂઆત થયા બાદથી અત્યાર સુધીમાં નવી મુંબઈ અૅરપોર્ટ ૨૩ લાખથી વધુ મુસાફરોની અવરજવર સફળતાપૂર્વક સંભાળી ચૂક્યું છે અને દેશનાં ૪૬ લોકલ શહેરો સાથે કનેક્ટિવિટી સ્થાપિત કરી ચૂક્યું છે.
એન. એલ. દાલમિયા સ્કૂલમાં વિકરાળ આગ, સદ્ભાગ્યે વિદ્યાર્થીઓ અને સ્ટાફ હેમખેમ લાઇબ્રેરી, લૅબોરેટરી, ઑડિટોરિયમ અને ક્લાસરૂમો બળ્યાં
મીરા રોડમાં ઇસ્કૉન મંદિર નજીક આવેલી એન. એલ. દાલમિયા સ્કૂલના સૌથી ઉપરના ફ્લોર પર બુધવારે વહેલી સવારે ૬ વાગ્યાની આસપાસ શૉર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. છઠ્ઠા માળે સ્કૂલના ઑડિટોરિયમમાં હૉલમાં લાગેલી આગ પછીથી લાઇબ્રેરી, લૅબોરેટરી અને અન્ય ક્લાસરૂમમાં પણ ફેલાઈ હતી. જોકે આ ઘટનામાં કોઈ પણ વિદ્યાર્થી કે સ્કૂલના સ્ટાફ-મેમ્બરને ઈજા થઈ નહોતી. આગ એટલી ભયંકર હતી કે એમાંથી નીકળતો ધુમાડો આખા વિસ્તારમાં ફેલાયો હતો અને દૂરથી પણ જોઈ શકાતો હતો. ફાયર-બ્રિગેડે સ્કૂલમાં હાજર વિદ્યાર્થીઓ અને સ્ટાફ-મેમ્બર્સને બહાર કાઢ્યા હતા. ૯૦ મિનિટમાં જ ફાયર-બ્રિગેડે આગને કાબૂમાં લીધી હતી.
બોરીવલીમાં ભારત પેટ્રોલિયમનું ટૅન્કર ડિવાઇડર પર ચડ્યું, ઘાત ટળી
બોરીવલી-ઈસ્ટમાં ઓવરીપાડા મેટ્રો સ્ટેશન નજીક વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર બુધવારે ભારત પેટ્રોલિયમ કંપનીનું ટૅન્કર ડિવાઇડર પર ચડી ગયું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ રસ્તો બ્લૉક થઈ જવાના કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થતાં વાહનવ્યવહાર ખોટકાયો હતો. પોલીસ ઉપરાંત અન્ય ઇમર્જન્સી ટીમે ઘટનાસ્થળે જઈને ટૅન્કરને રસ્તા વચ્ચેથી હટાવવાની કામગીરી હાથ ધરી હતી.
હવે AC બંધ થયું તો આગલા સ્ટેશને જ લોકલ ટ્રેન ટર્મિનેટ કરી દેવામાં આવશે
ટિટવાલા-છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) વચ્ચે દોડતી સવારે ૮.૩૩ વાગ્યાની ઍર-કન્ડિશન્ડ (AC) લોકલમાં AC બંધ થઈ જતાં પ્રવાસીઓની તબિયત લથડવાનો બનાવ બન્યા બાદ સેન્ટ્રલ રેલવે AC લોકલ માટે નવો નિયમ અમલમાં લાવી છે. નવા નિયમ મુજબ કોઈ પણ AC લોકલની કૂલિંગ સિસ્ટમ બંધ થઈ જાય તો એને આગલા સ્ટેશને જ ટર્મિનેટ કરીને બધા પ્રવાસીઓને ઉતારી દેવામાં આવશે જેથી સોમવારે બનેલી ઘટનાનું પુનરાવર્તન ન થાય અને કોઈ પણ પ્રવાસીના જીવ સામે જોખમ ઊભું ન થાય. ઉલ્લેખનીય છે કે સોમવારે ટિટવાલા-CSMT વચ્ચેની AC લોકલની કૂલિંગ સિસ્ટમ બંધ થઈ જતાં ગભરામણને કારણે પ્રવાસીઓને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ હતી. એક પ્રવાસીને હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
