ફાયર-બ્રિગેડના જવાનો ત્યાં પહોંચી ગયા હતા અને તેમણે વાંદરાઓને ભગાવવાના પ્રયાસો કર્યા હતા.
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
દાદરના શિવાજી પાર્ક વિસ્તારમાં ગઈ કાલે વાંદરાઓનું એક ટોળું આવી ચડ્યું હતું. એ પહેલાં ત્યાં એક ઝાડથી બીજા ઝાડ પર ધમાચકડી મચાવી રહ્યું હતું. એ પછી એ વાંદરાઓ આજબાજુનાં મકાનોમાં લોકોના ઘરે જવા માંડ્યા હતા. એમાં રાજ ઠાકરેના નિવાસસ્થાન શિવતીર્થનો પણ નંબર લાગી ગયો હતો. વાંદરાઓએ તેમના બંગલાની બાલ્કનીઓ અને બારીમાં જમાવટ કરી હતી. બંગલામાં વાંદરાઓ ચડી આવ્યાની જાણ તરત જ સ્થાનિક પોલીસ અને ફાયર-બ્રિગેડ ડિપાર્ટમેન્ટને કરવામાં આવી હતી. ફાયર-બ્રિગેડના જવાનો ત્યાં પહોંચી ગયા હતા અને તેમણે વાંદરાઓને ભગાવવાના પ્રયાસો કર્યા હતા.
ગૃહપ્રધાન અમિત શાહ આજે રાજ્યસભામાં બિલ રજૂ કરશેવંદે માતરમ્ના અપમાન પર ત્રણ વર્ષની જેલની સજા
ADVERTISEMENT
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સંસદના મૉન્સૂનસત્ર દરમ્યાન આજે રાજ્યસભામાં ‘વંદે માતરમ્’ બિલ રજૂ કરશે. આ પ્રસ્તાવિત બિલનો ઉદ્દેશ રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ને રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ દ્વારા પ્રાપ્ત થતી કાનૂની અને ન્યાયિક સુરક્ષા આપવાનો છે. જો આ બિલ પાસ થશે તો રાષ્ટ્રીયગીતના ‘વંદે માતરમ્’નું અપમાન સજાપાત્ર ગુનો બનાવશે, જે કાનૂની રક્ષણની દૃષ્ટિએ એને રાષ્ટ્રગીતની સમકક્ષ બનાવશે. પ્રસ્તાવિત કાયદા હેઠળ જે કોઈ પણ વ્યક્તિ ઇરાદાપૂર્વક રાષ્ટ્રગાનનું અપમાન કરે છે અથવા એના ગાવામાં અવરોધ ઊભો કરે છે તેને ૩ વર્ષ સુધીની જેલ, દંડ અથવા બન્ને થઈ શકે છે. હાલમાં રાષ્ટ્રીયગીતનું સન્માન ફરજિયાત કરે છે જેને કારણે લોકોએ એના ગાન દરમ્યાન ઊભા રહેવું જરૂરી છે.
મૉન્સૂનસત્ર પહેલાંની ઑલ પાર્ટી મીટિંગમાં TMCના વિદ્રોહી સંસદસભ્યો હાજર રહેતાં વિરોધ પક્ષોએ પહેલાં કર્યું વૉકઆઉટ
આજથી શરૂ થનારા મૉન્સૂનસત્ર પહેલાં ગઈ કાલે સંસદભવનમાં તમામ પક્ષોની બેઠક થઈ હતી. આ બેઠકમાં તૃણમૂલ કૉન્ગ્રેસ (TMC)માંથી છૂટા પડેલા વિદ્રોહી સંસદસભ્યો પણ હાજર રહ્યા હતા અને તેઓ TMCની બેઠકોથી અલગ જગ્યાએ જઈને બેઠા હતા. આ સંસદસભ્યોના જૂથને હજી સ્પીકર ઓમ બિરલા દ્વારા માન્યતા આપવામાં ન આવી હોવાથી તમામ વિરોધ પક્ષોએ વૉકઆઉટ કર્યું હતું. જોકે થોડી વાર પછી તેઓ પાછા આવતાં બેઠક શરૂ થઈ હતી. ૩ કલાક ચાલેલી બેઠકની અધ્યક્ષતા રાજનાથ સિંહે કરી હતી. આ બેઠકમાં કુલ ૪૦ પાર્ટીના સભ્યો હાજર રહ્યા હતા. આ બેઠકમાં વિવિધ બિલો પર ચર્ચા કરવા માટેનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. મૉન્સૂનસત્ર આજથી શરૂ થઈને ૧૩ ઑગસ્ટ સુધી ચાલશે. આ દરમ્યાન ૧૯ બેઠકો થશે.
કેળાંની ટોપલીમાં ઉંદરના કૂદકા, લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં

બોરીવલી (વેસ્ટ)ની માર્કેટમાં ફ્રૂટ માર્કેટમાં એક ફ્રૂટ વેચનારા પાસે રાખવામાં આવેલી કેળાંની ટોપલીમાં ઉંદર કેળું ખાતો હોવાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. ઉંદરના યુરિનના કારણે જીવને જોખમમાં મૂકતી લેપ્ટોસ્પાઇરોસિસ જેવી ગંભીર બીમારી થઈ શકે છે ત્યારે આવાં ફ્રૂટ્સ લોકોને વેચવામાં આવતાં હોવાથી લોકોના સ્વાસ્થ્ય સામે ગંભીર જોખમ ઊભું થાય છે.
રાજ્યમાં વાઘની સંખ્યા ૬૦૦ને પાર: મહારાષ્ટ્રમાંથી વાઘ રાજસ્થાન અને ઓડિશામાં મોકલવામાં આવશે
દેશમાં ચાલી રહેલી વાઘની વસ્તીગણતરીમાં રાજ્યમાં વાઘની સંખ્યા વધી હોવાની માહિતી પ્રાથમિક રિપોર્ટ પરથી મળી છે. ૨૦૨૬ની વાઘની વસ્તીગણતરી મુજબ મહારાષ્ટ્રમાં વાઘની સંખ્યા ૬૦૦થી ૬૨૫ જેટલી થઈ હોવાનું જણાયું છે. જોકે ડીટેલ્ડ રિપોર્ટ ૨૦૨૭ના જુલાઈ મહિનામાં પ્રસિદ્ધ થશે. ૨૦૨૨ની ગણતરી મુજબ મહારાષ્ટ્રમાં વાઘની સંખ્યા ૪૪૪ હતી. વિદર્ભમાં આવેલા તાડોબા-અંધારી ટાઇગર રિઝર્વમાં વાઘની સંખ્યા ૧૦૦ની આસપાસ સ્થિર રહી છે. એમ છતાં તાડોબા અને અન્ય જંગલ વિસ્તારમાં વાઘની સંખ્યા વધી જવાથી હવે માનવવસ્તીમાં એ આવી ચડે અને એના હુમલા થવાના ચાન્સિસ છે એટલે એમના કેટલાક વાઘ હવે અન્ય રાજ્યોમાં સ્થળાંતરિત કરવામાં આવશે. કેન્દ્ર સરકારે પાંચ વાઘ રાજસ્થાન મોકલવાની મંજૂરી આપી છે. ઓડિશા સરકારે પણ બે વાઘ મોકલવા માટે રજૂઆત કરી છે. જોકે તેમની માગણી હજી કેન્દ્ર સરકાર પાસે પેન્ડિંગ છે.
વાશિમમાં વીજળી કંપનીની ઑફિસ સામે જ લોકોએ સૂઈને આંદોલન કર્યું: રોજ સાંજે અચાનક જતી રહેતી વીજળીથી ત્રાસેલા ગામલોકોએ આંદોલનનો રસ્તો અપનાવ્યો
વાશિમ જિલ્લાના મનોરા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી દરરોજ સાંજે સાતથી રાતના ૧૧ વાગ્યા સુધી કોઈ સૂચના વગર જ મહાવિતરણ દ્વારા વીજળીની સપ્લાય અટકાવી દેવાતી હતી. વારંવારની આ ઘટનાથી ગામવાસીઓ ત્રાસી ગયા હતા. પમ્પ ન ચાલતા હોવાથી ખેતીને પણ એનાથી અસર થતી હતી. લોકોને પણ ઘરમાં વીજળી વગર સખત તકલીફ પડી રહી હતી. એથી તેમણે અનોખું આંદોલન કર્યું હતું. મહાવિતરણની સ્થાનિક ઑફિસ સામે જઈને તેઓ રાતના સૂઈ ગયા હતા. નવાઈની વાત એ હતી કે આખા ગામમાં વીજળીની સપ્લાય ન થતી હોવાથી અંધારું હતું, પણ વીજ-કંપનીની ઑફિસમાં લાઇટ ચાલુ હતી. મોટી સંખ્યામાં લોકોએ ત્યાં સૂઈને કરેલા આંદોલનની દખલ સ્થાનિક પોલીસે પણ લીધી હતી. એ પછી મહાવિતરણના સ્થાનિક અધિકારીઓએ ગામવાસીઓના પ્રતિનિધમંડળ સાથે આ બાબતે ચર્ચા કરી સમસ્યાનો ઉકેલ લાવીશું એવું આશ્વાસન આપ્યું હતું.
