અદાણી ગ્રુપ અને GMR માટે રસ્તો સાફ થવાની શક્યતા; ઇન્ડિગો અને ઍર ઇન્ડિયાના ૯૦ ટકા વર્ચસ્વને તોડવાની યોજના
પ્રતીકાત્મક તસવીર
ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઍરપોર્ટ ઑપરેટર્સને પોતાની ઍરલાઇન શરૂ કરવાની મંજૂરી આપવા નીતિગત ફેરફાર વિશે વિચારણા શરૂ કરી છે. આ પૉલિસી મંજૂર થતાં અદાણી ગ્રુપ અને ગ્રાંધી મલ્લિકાર્જુન રાવ ઍરપોર્ટ્સ લિમિટેડ (GMR) માટે પોતાની ઍરલાઇન્સ શરૂ કરવાનો માર્ગ મોકળો થઈ શકે છે. હાલના નિયમ મુજબ દિલ્હી અને મુંબઈ ઍરપોર્ટના સંચાલકો કોઈ પણ ઍરલાઇનમાં ૧૦%થી વધુ હિસ્સેદારી રાખી શકતા નહોતા. આ છૂટછાટ માટે કાયદા મંત્રાલય અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી કૅબિનેટની મંજૂરી મેળવવી પડશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ બજારમાં ૯૦% હિસ્સો ધરાવતી ઇન્ડિગો અને ઍર ઇન્ડિયાની મૉનોપોલી તોડીને સ્પર્ધા વધારવાનો છે.
અનંતનાગ ટેરર-અટૅકમાં પોલીસજવાન શહીદ
ADVERTISEMENT
જમ્મુ-કાશ્મીરના અનંતનાગ શહેરમાં બુધવારે બપોરે ૧૨.૩૦ વાગ્યે આતંકવાદીઓએ પોલીસટીમ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં અમરનાથ યાત્રાની સુરક્ષા-ડ્યુટીમાં તૈનાત હેડ કૉન્સ્ટેબલ આશિક હુસૈન કુરેશી ગંભીર રીતે ઘવાયા હતા. તેમને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પાકિસ્તાન સ્થિત આતંકી જૂથ લશ્કર-એ-તૈયબા (LeT) ના પ્રૉક્સી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.
ડોનલ્ડ ટ્રમ્પની જાહેરાતઃ જેનેરિક દવાઓ પર બે વર્ષ માટે કોઈ ટૅરિફ નહીં, પછી ૧૦૦ ટકા અને ૨૦૦ ટકા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે મંગળવારે જણાવ્યું હતું કે પહેલી ઑગસ્ટથી શરૂ થતાં બે વર્ષ માટે એટલે કે ૨૦૨૮ના ઑગસ્ટ સુધી અમેરિકામાં લાવવામાં આવતી બધી જેનેરિક દવાઓ પર શૂન્ય ટકા ટૅરિફ ચાલુ રહેશે, ત્યાર બાદ ટૅરિફ એક વર્ષ માટે ૧૦૦ ટકા અને ૨૦૨૯થી ૨૦૦ ટકા ટૅરિફ લાગુ થશે. ટ્રમ્પે કહ્યું હતું કે તબક્કાવાર પગલાંનો હેતુ ફાર્માસ્યુટિકલ કંપનીઓને અમેરિકામાં જેનેરિક દવાઓનું ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. પેટન્ટ, બ્રૅન્ડેડ અથવા નવીન દવાઓ અંગેની નીતિ યથાવત રહેશે. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશનના જણાવ્યા અનુસાર અમેરિકામાં વેચાતી ૯૦ ટકાથી વધુ દવાઓ જેનેરિક છે.
