૧૨૬૨ કિલો કાંદા વેચ્યા પછી માત્ર એક રૂપિયો બચ્યો એથી વ્યથા ઠાલવવા અપનાવ્યો આ રસ્તો
પૈઠણના ખેડૂત પ્રકાશ ગલધર અને દેવેન્દ્ર ફડણવીસને પાર્સલમાં મોકલાયેલો કાંદો અને એક રૂપિયો.
ખેડૂતોની દયનીય પરિસ્થિતિનો તાજેતરમાં જ પૈઠણના એક ખેડૂતને મળેલા કાંદાના ભાવથી ખ્યાલ આવી શકે છે. પૈઠણના ખેડૂત પ્રકાશ ગલધર ૧૨૬૨ કિલો કાંદા વેચવા ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)માં ગયા હતા. આખી સીઝન મજૂરી કરીને પાક ઉગાડ્યા બાદ બજાર સુધી લાવવા માટે હમાલી, તોલમાપ અને ટ્રાન્સપોર્ટેશન એ બધાની ગણતરી કરતાં ૧૨૬૨ રૂપિયા ખર્ચ્યા હતા. તેને પ્રતિ કિલો કાંદાનો માત્ર એક રૂપિયો મળ્યો હતો, જેને કારણે ખર્ચો બાદ કરતાં તેના હાથમાં ફક્ત એક રૂપિયો બાકી રહ્યો હતો. નિરાશ થયેલા ખેડૂતે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને તેમને નફાનો એક રૂપિયો અને એક કાંદો મોકલાવીને કહ્યું કે ‘નફો રૂપિયો એક’.
જોકે આ પરિસ્થિતિ માત્ર પૈઠણના આ ખેડૂતની જ નહીં, આખા રાજ્યના કાંદાના ખેડૂતોની છે. માત્ર એક રૂપિયે કિલો કાંદા વેચાતાં ખેડૂતોને પડતરકિંમત પણ મળતી નથી.
