વિધાનસભ્યના પુત્ર સહિત ૧૨ ગોવિંદાઓની ધરપકડ; કુલ ૧૫ જણ પકડાયા
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
પાલઘરની હૉસ્પિટલમાં તોડફોડ અને હિંસાના કેસમાં પોલીસે મહત્ત્વની કાર્યવાહી કરીને શુક્રવારે વિધાનસભ્ય રાજન ગાવિતના પુત્ર રોહિત ગાવિત અને ૧૨ ગોવિંદાઓ સહિત વધુ ૧૪ લોકોની ધરપકડ કરી છે. આ સાથે જ આ ચકચારી કેસમાં પકડાયેલા કુલ આરોપીઓની સંખ્યા વધીને ૧૫ પર પહોંચી છે.
દહીહંડી કાર્યક્રમ દરમ્યાન ઈજાગ્રસ્ત થયેલા ગોવિંદાઓના મેડિકલ બિલ મામલે ૬ સપ્ટેમ્બરે વહેલી સવારે શિવસેનાના પદાધિકારીઓ અને સમર્થકોના ટોળાએ પાલઘરની રિલીફ હૉસ્પિટલમાં ધસી જઈને હોબાળો મચાવ્યો હતો. ટોળાએ રિસેપ્શનિસ્ટ અને ડૉક્ટર સાથે ગાળાગાળી કરી મારપીટ કરી હતી.
ADVERTISEMENT
શુક્રવારે પકડાયેલા ૧૪ આરોપીઓમાં પાલઘરના વિધાનસભ્ય રાજેન્દ્ર ગાવિતના પુત્ર રોહિત ગાવિતનો સમાવેશ થાય છે જેમને શનિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યારે ધરપકડ કરાયેલા ૧૨ ગોવિંદાઓને સ્થાનિક કોર્ટે ૧૩ સપ્ટેમ્બર સુધી પોલીસ-કસ્ટડીમાં મોકલી આપ્યા છે.
પોલીસે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજના આધારે બાવીસથી વધુ લોકોની ઓળખ કરી છે. આ કેસમાં શિવસેનાના પાલઘર શહેરપ્રમુખ રાહુલ ઘરતની ૭ સપ્ટેમ્બરે જ ધરપકડ કરવામાં આવી હતી જે બાદ તેમને અને અન્ય ૭ લોકોને પક્ષમાંથી નિલંબિત કરવામાં આવ્યા હતા.
