Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રેન્ટ અ ગરબા પાર્ટનરની વિવાદાસ્પદ જાહેરાત સામે પોલીસ એક્શનમાં

રેન્ટ અ ગરબા પાર્ટનરની વિવાદાસ્પદ જાહેરાત સામે પોલીસ એક્શનમાં

Published : 23 September, 2026 09:54 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બોરીવલીના વિધાનસભ્ય સંજય ઉપાધ્યાયની ફરિયાદ પછી તમામ પોલીસ-સ્ટેશનોની સાઇબર ટીમોએ તપાસ શરૂ કરી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બોરીવલીના વિધાનસભ્ય સંજય ઉપાધ્યાયે નવરાત્રિના તહેવાર પહેલાં સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહેલી ‘રેન્ટ અ ગરબા પાર્ટનર’ નામની વિવાદાસ્પદ જાહેરાતો સામે કડક વિરોધ નોંધાવ્યો છે. વિધાનસભ્ય સંજય ઉપાધ્યાયે પોતે જ આ વિશેની સંપૂર્ણ માહિતી આપતાં જણાવ્યું હતું કે મેં મુંબઈના પોલીસ-કમિશનર તેમ જ બોરીવલી અને દહિસર વિભાગના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (DCP) સહિત સ્થાનિક પોલીસ-સ્ટેશનોને લેખિત પત્ર મોકલીને આ પ્રકારના ગેરકાયદે અને અનૈતિક ઉપક્રમ સામે તાત્કાલિક કાનૂની કાર્યવાહી કરવાની સત્તાવાર માગણી કરી છે.’ 
આ ફરિયાદ બાદ ગઈ કાલે સવારથી DCPના આદેશ બાદ તમામ પોલીસ-સ્ટેશનોની સાઇબર ટીમોએ આ જાહેરાત આપનાર વ્યક્તિ વિશે વધુ માહિતી મેળવવા માટે તપાસ તેજ કરી છે.
સંજય ઉપાધ્યાયે કહ્યું હતું કે ‘સોશ્યલ મીડિયાના માધ્યમથી સિલ્વર, ગોલ્ડ અને પ્લૅટિનમ જેવા જુદા-જુદા પૅકેજના નામે ૧૦૦૦ રૂપિયાથી લઈને ૫૦૦૦ રૂપિયા સુધીના ભાવે ગરબા રમવા માટે પાર્ટનર પૂરા પાડવાની જાહેરાતો કરવામાં આવી રહી છે. નવરાત્રિ સનાતન સંસ્કૃતિ અને શ્રદ્ધાનો પવિત્ર ઉત્સવ છે ત્યારે આવાં આયોજનો દ્વારા હિન્દુ તહેવારોને બદનામ કરવાનું અને અનૈતિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. ગરબામાં ભાગ લેવા માટે કોઈ પાર્ટનર સાથે લાવવો ફરજિયાત હોતો નથી એટલે આવા ગેરમાર્ગે દોરતા પૅકેજથી મહિલાઓની સુરક્ષા સામે જોખમ ઊભું થઈ શકે છે.’

આ ગંભીર ફરિયાદ મળ્યા બાદ બોરીવલી વિભાગનાં તમામ પોલીસ-સ્ટેશનોની સાઇબર ટીમો તાત્કાલિક ઍક્શન મોડમાં આવી ગઈ છે અને વિગતવાર તપાસ શરૂ કરી દીધી છે. બોરીવલી વિભાગના એક સિનિયર પોલીસ-અધિકારીએ કહ્યું હતું કે ‘સંજય ઉપાધ્યાયની ફરિયાદના આધારે સાઇબર ટીમો દ્વારા આ વાઇરલ જાહેરાતો આપનારા મુખ્ય લોકો અને આયોજકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સાઇબર વિંગ હાલમાં સોશ્યલ મીડિયા પર દર્શાવવામાં આવેલા સંપર્ક-નંબરો, IP ઍડ્રેસ અને અકાઉન્ટ્સ કોના નામે નોંધાયેલાં છે તથા આ આખી સિસ્ટમ કઈ રીતે ઑપરેટ થઈ રહી છે એની ઝીણવટપૂર્વક અને ટેક્નિકલ તપાસ કરી રહી છે.’



પોલીસે ખાતરી આપી છે કે જો આ ઉપક્રમમાં મહિલાઓની છેતરપિંડી, અનૈતિક વ્યાપાર કે કાયદાનું કોઈ પણ પ્રકારનું ઉલ્લંઘન જણાશે તો આયોજકો અને જાહેરાત આપનારાઓ સામે ગુનો નોંધીને સખત કાનૂની પગલાં લેવામાં આવશે. બીજી તરફ સંજય ઉપાધ્યાયે પણ સામાન્ય નાગરિકો, યુવકો અને યુવતીઓને અપીલ કરી છે કે તેઓ આવી કોઈ પણ લોભામણી કે અસામાજિક જાહેરાતોનો ભોગ ન બને અને ઉત્સવની પવિત્રતા તથા પોતાની સુરક્ષા જાળવી રાખવા માટે આવી પ્રવૃત્તિઓથી દૂર રહે.


Whatsapp-channel Whatsapp-channel

23 September, 2026 09:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK