અજિત પવારના પ્લેન-ક્રૅશ મુદ્દે દેવેન્દ્ર ફડણવીસ પર રોહિત પવારે કરેલા આરોપો મુદ્દે BJPએ શરદ પવાર અને સુપ્રિયા સુળેને પક્ષની સત્તાવાર ભૂમિકા સ્પષ્ટ કરવા જણાવ્યું
નવનાથ બન
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી-શરદચંદ્ર પવાર (NCP-SP)ના વિધાનસભ્ય રોહિત પવારે ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન તથા પ્લેન-ક્રૅશમાં મૃત્યુ પામેલા અજિત પવાર સાથે થયેલી દુર્ઘટના મુદ્દે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર મૂકેલા આરોપોના મુદ્દે NCP-SP પ્રમુખ શરદ પવારને ભારતીય જનતા પાર્ટી (BJP)એ પ્રશ્ન પૂછ્યો છે. BJPના વિધાનસભ્ય પ્રસાદ લાડે પત્ર લખીને દેવેન્દ્ર ફડણવીસ VSR વેન્ચર્સ એવિયેશન કંપનીને બચાવતા હોવાના રોહિત પવારે કરેલા આરોપોનું શરદ પવાર સમર્થન કરે છે કે નહીં એવો પ્રશ્ન કર્યો છે તેમ જ BJPએ પક્ષની સત્તાવાર ભૂમિકા આ મુદ્દે શું છે એ વિશે સ્પષ્ટતા માગી છે. આ મુદ્દે NCP-SPનાં સંસદસભ્ય તથા શરદ પવારનાં પુત્રી સુપ્રિયા સુળેને પણ BJPએ તેમની ભૂમિકા સ્પષ્ટ કરવા કહ્યું છે. પ્રસાદ લાડે જણાવ્યું હતું કે જો રોહિત પવારે કરેલી ટિપ્પણી તેના વ્યક્તિગત વિચારો દર્શાવે છે તો પક્ષે એ સ્પષ્ટ કરવું જોઈએ અને જો પાર્ટી એના વલણને સમર્થન આપે છે તો પછી આ વાતનું પાર્ટીએ જાહેરમાં એનું સમર્થન કરવું જોઈએ.
