જંગલના રસ્તે ચાલીને બહેનના ઘરે તો પહોંચી, પણ પછી તેની તબિયત લથડી : બાળક પેટમાં મૃત્યુ પામ્યું એના થોડા સમય પછી બ્લડ-પ્રેશર વધી જવાથી તેણે પણ દમ તોડ્યો
જીવ ગુમાવનાર આશા કિરંગા
ગડચિરોલી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ૯ મહિનાની ગર્ભવતી મહિલાનું કરુણ પરિસ્થિતિમાં મૃત્યુ થયું હોવાની ઘટના સામે આવી છે. જીવ ગુમાવનાર મહિલાની ઓળખ આશા કિરંગા તરીકે થઈ હતી. ૨૪ વર્ષની આ મહિલા એટાપલ્લી તાલુકાના આલદંડી ટોલા ગામની રહેવાસી હતી.
અહેવાલો પ્રમાણે ગામમાં ડિલિવરી કરવા માટે કોઈ મેડિકલ ફૅસિલિટી ન હોવાને કારણે મહિલા અને તેનો પતિ પહેલી જાન્યુઆરીએ જંગલના રસ્તે મહિલાની બહેનના ઘરે જવા ચાલતાં નીકળ્યાં હતાં. ૬ કિલોમીટરનો રસ્તો પગપાળા કાપીને બન્ને ત્યાં પહોંચ્યાં તો હતાં, પણ ત્યાં જઈને મહિલાની તબિયત વધારે ખરાબ થઈ ગઈ હતી. બીજી જાન્યુઆરીએ સવારે મહિલાને ઍમ્બ્યુલન્સથી હૉસ્પિટલમાં લઈ જવામાં આવી ત્યારે બાળક ગર્ભમાં જ મૃત્યુ પામ્યું હતું અને બ્લડ-પ્રેશર વધી જવાને કારણે થોડા સમય પછી મહિલાનું પણ મૃત્યુ થઈ ગયું હતું.
ADVERTISEMENT
આ બાબતે તાલુકા હેલ્થ-ઑફિસર પાસેથી રિપોર્ટ માગવામાં આવ્યો હોવાની જાણકારી મળી હતી.


