મૂર્તિની પાછળની બાજુએ એકમાત્ર પ્લેટ સપોર્ટ તરીકે રાખવામાં આવી હતી
ભુલેશ્વરચા રાજાની શનિવારે રાતે બનેલી દુર્ઘટનામાં નિમિત્ત બનેલા આગ્રીપાડા પોલીસ-સ્ટેશનથી સહેજ આગળ આવેલા સ્પીડબ્રેકરને રવિવારે હટાવી લેવામાં આવ્યું હતું
ભુલેશ્વરચા રાજાની દુર્ઘટનામાં બે યુવાનોનાં મોત થયાં છે અને પાંચ જેટલા લોકો ઘાયલ થયા છે ત્યારે પોલીસે આ ઘટનાની ઝીણવટભરી તપાસ ચાલુ કરી છે. પોલીસ દ્વારા મૂર્તિની બનાવટ અને સ્ટ્રક્ચરલ ઇન્સ્ટૉલેશનની તપાસ કરાઈ રહી છે. તપાસ પૂરી થયા બાદ કોને જવાબદાર ગણવો એ નક્કી થશે અને એની સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કરાશે. જોકે ગઈ કાલ સુધીની તપાસમાં પ્રાથમિક દૃષ્ટિએ એવું જણાઈ રહ્યું છે કે ફૉલ્ટી વેલ્ડિંગને કારણે આ દુર્ઘટના બની હોઈ શકે.
ઝોન-બેના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ રાગાસુધા આર. મેડમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રાથમિક દૃષ્ટિએ ફૉલ્ટી વેલ્ડિંગ એ માટેનું કારણ હોઈ શકે કારણ કે મૂર્તિની પાછળની બાજુએ એકમાત્ર પ્લેટ સપોર્ટ તરીકે રાખવામાં આવી હતી. જોકે અમારી તપાસ હજી ચાલુ જ છે. મૂર્તિકાર અને અન્યો વિશે ઘણી સ્ટોરીઓ ચર્ચાઈ રહી છે. અમે અમારી તપાસ પૂરી કર્યા બાદ નક્કી કરીશું કે કોની સામે FIR નોંધવો.’
ADVERTISEMENT
મુખ્યત્વે તપાસની દિશા મૂર્તિના સપોર્ટિંગ સ્ટ્રક્ચર, મૂર્તિને સેફ રાખવા શું પગલાં લેવાયાં હતાં એના પર ફોકસ કરાઈ છે. આ માટે મૂર્તિકાર સહિત અેના ફેબ્રિકેશન અને ઇન્સ્ટૉલેશન સાથે સંકળાયેલા કર્મચારીઓનાં સ્ટેટમેન્ટ લેવામાં આવશે.
ભુલેશ્વરચા રાજાની મૂર્તિ તૈયાર નહોતી
ભુલેશ્વરચા રાજાની મૂર્તિ મૂળમાં ૨૯ ઑગસ્ટે મંડપમાં પધારવાની હતી પણ મંડપમાં ડેકોરેશન કરવા ઇન્દોરથી ખાસ ડેકોરેટર બોલાવવામાં આવ્યો હતો જે ૨૯મીએ આવવાનો હતો. તે આવે એ પહેલાં મૂર્તિ લાવવી જરૂરી હતી એથી મૂર્તિ બાવીસમીએ લાવવાનો જ નિર્ણય લેવાયો હતો, એવી ચર્ચા છે. એવું કહેવાય છે કે મૂર્તિકાર અનિકેત દેસાઈએ મંડળને કહ્યું પણ ખરું કે મૂર્તિ હજી સુકાઈ નથી અને વેલ્ડિંગનું કામ પણ બાકી છે એથી હજી ૧૦ દિવસ પછી લઈ જાઓ. એમ છતાં મૂર્તિ મંડપમાં લઈ જવાઈ હતી. જોકે આ બાબતની કોઈ સત્તાવાર પુષ્ટી મળી નથી. આ બાબતે તપાસ ચાલી રહી છે.
ભુલેશ્વરચા રાજાના રસ્તામાં આડા આવેલા સ્પીડબ્રેકરને નેસ્તનાબૂદ કરી નખાયું
ભુલેશ્વરચા રાજાની શનિવારે રાતે બનેલી દુર્ઘટનામાં નિમિત્ત બનેલા આગ્રીપાડા પોલીસ-સ્ટેશનથી સહેજ આગળ આવેલા સ્પીડબ્રેકરને રવિવારે હટાવી લેવામાં આવ્યું હતું. ભાયખલાના બકરી અડ્ડામાંથી ભુલેશ્વરચા રાજાની મૂર્તિ શનિવારે લઈ જવાતી હતી ત્યારે એમની ટ્રૉલી આ સ્પીડબ્રેકર પર ચડી ત્યારે જ પહેલો ઝટકો લાગ્યો હતો અને મૂર્તિને સપોર્ટ આપતી ફ્રેમની પ્લેટનું વેલ્ડિંગ તૂટી ગયું હતું. એથી અેનું ત્યાં ને ત્યાં જ રિપેરિંગ કરાયું હતું. વેલ્ડિંગ ફરી કરાયું હતું અને પ્લેટ મૂર્તિ સાથે જોડી દેવાઈ હતી. જે કરવામાં બે કલાકનો સમય નીકળી ગયો હતો. મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિના એક સભ્યએ કહ્યું હતું કે એ સ્પીડબ્રેકર બીજા દિવસે રવિવારે સવારે તોડી પાડીને હટાવી લેવાયું હતું.
