બે યુવકોએ બાઇક પર આવીને ગોળીઓ વરસાવી, પકડાઈ ગયા
બ્લાસ્ટ-કેસનો આરોપી બન્ટી જહાંગીરદાર અને CCTVમાં કૅપ્ચર થયેલા હુમલાખોરો.
૨૦૧૨ના પુણે સિરિયલ બ્લાસ્ટના મુખ્ય આરોપી બન્ટી જહાંગીરદારની અહિલ્યાનગર જિલ્લાના શ્રીરામપુર શહેરમાં હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી. કૉલેજ રોડ પરના એક કબ્રસ્તાનમાંથી મિત્ર સાથે ટૂ-વ્હીલર પર જઈ રહેલા અસલમ શબ્બીર શેખ ઉર્ફે બન્ટી જહાંગીરદાર પર બાઇક પર આવેલા બે યુવકોએ ગોળીઓ વરસાવી હતી. પોલીસે આપેલી માહિતી અને ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ પરથી મળેલી માહિતી મુજબ સેન્ટ લ્યુક હૉસ્પિટલના OPD ગેટ પાસે પહેલેથી જ રાહ જોઈ રહેલા બે હુમલાખોરોમાંથી એકે અચાનક બન્ટીને પથ્થર માર્યો હતો. પથ્થર વાગતાં બન્ટી બાઇક પરથી નીચે ઊતર્યો અને તેણે પથ્થર પાછો ફેંક્યો એ વખતે હુમલાખોરોએ પોતાની પિસ્તોલ કાઢીને ગોળીબાર કર્યો હતો. હુમલાખોરોએ નજીકથી ગોળીબાર કર્યો હોવાથી બન્ટીને પેટ, પગ અને પીઠમાં ગોળી વાગી હતી.
એ પછી બન્ટીને હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, પણ સારવાર દરમ્યાન તેણે જીવ ગુમાવ્યો હતો. અહિલ્યાનગર પોલીસે જણાવ્યું હતું કે ‘આ કેસની તપાસ માટે પાંચ ટીમ બનાવવામાં આવી હતી. બન્ને હુમલાખોરોને પકડી લેવાયા છે. આ હુમલો રાજકીય અદાવતને પગલે થયો હોવાની શંકા હોવાથી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.’
ADVERTISEMENT
૨૦૧૨માં પુણેમાં બાલગંધર્વ થિયેટર, દેના બૅન્ક, મૅક્ડોનલ્ડ્સ આઉટલેટ અને ગરવારે બ્રિજ નજીકનાં સ્થળોએ ચાર બૉમ્બબ્લાસ્ટ થયા હતા જેનો મુખ્ય આરોપી બન્ટી ૨૦૨૩થી જામીન પર બહાર ફરી રહ્યો હતો.


