રાજ ઠાકરેએ એકનાથ શિંદેને BMCના સભાગૃહના કામમાં MNSના સહયોગની ખાતરી આપી હતી.
રાજ ઠાકરે, એકનાથ શિંદે
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણી પછી શિવસેનાના અધ્યક્ષ એકનાથ શિંદે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના અધ્યક્ષ રાજ ઠાકરે ગઈ કાલે એકનાથ શિંદેના થાણેના નંદનવન બંગલા પર મળ્યા હતા. પચીસ મિનિટ ચાલેલી તેમની આ મુલાકાત શુભેચ્છા-મુલાકાત હતી એવું તેમના તરફથી જણાવવામાં આવ્યું હતું, પણ રાજકીય વર્તુળોમાં ફરી પાછું કશું નવું થવાની અટકળો ચર્ચાવા લાગી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ આ મુલાકાત દરમ્યાન કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં MNSના કોર્પોરેટરો દ્વારા શિવસેનાને આપવામાં આવેલા સમર્થન બદલ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રાજ ઠાકરેનો આભાર માન્યો હતો તો રાજ ઠાકરેએ એકનાથ શિંદેને BMCના સભાગૃહના કામમાં MNSના સહયોગની ખાતરી આપી હતી.
