આજની ત્રણ મૅચ - વેસ્ટ ઇન્ડીઝ vs ઇટલી, શ્રીલંકા vs ઝિમ્બાબ્વે, અફઘાનિસ્તાન vs કૅનેડા
વેસ્ટ ઇન્ડીઝનો કૅપ્ટન શાઇ હૉપ, ઇટલીનો કૅપ્ટન વેઇન મૅડસન
વેસ્ટ ઇન્ડીઝ vs ઇટલી : સવારે ૧૧ વાગ્યે, કલકત્તા
મેન્સ T20 વર્લ્ડ કપ 2026ના લીગ રાઉન્ડના સેકન્ડ લાસ્ટ દિવસની પ્રથમ ટક્કર વેસ્ટ ઇન્ડીઝ અને ઇટલી વચ્ચે કલકત્તાના ઈડન ગાર્ડનમાં જામવાની છે. બે વખતની ચૅમ્પિયન વેસ્ટ ઇન્ડીઝ ઘણા સમય બાદ એક ટીમ તરીકે ચમકારો બતાવી રહી છે અને સ્કૉટલૅન્ડ, ઇંગ્લૅન્ડ અને નેપાલને હરાવીને એણે વટથી સુપર 8માં પ્રવેશ કર્યો છે. પ્રથમ વાર આ ટુર્નામેન્ટ રમનારા અને ફાઇટિંગ સ્પિરિટનો પરચો આપનારા ઇટલી સામે આજે તેઓ સુપર 8ના જંગ પહેલાં વધુ કૉન્ફિડન્સ મેળવવા મેદાનમાં ઊતરશે. પહેલી જ મૅચમાં ઇન્જરીને લીધે કૅપ્ટન ગુમાવનાર ઇટલીએ નેપાલને ૧૦ વિકેટે હરાવીને બધાને ચોંકાવી દીધા હતા અને ઇંગ્લૅન્ડ જેવી ટીમને પણ છેલ્લી ઓવર સુધી હંફાવી હતી. હવે ઘરે પાછા રવાના થતાં પહેલાં તેઓ આજે કૅરિબિયન ટીમ સામે પણ કમાલ કરવા તત્પર હશે. T20 ફૉર્મેટમાં બન્ને વચ્ચે આજે પહેલી વાર ટક્કર જામશે.
ADVERTISEMENT
શ્રીલંકા vs ઝિમ્બાબ્વેઃ બપોરે ૩ વાગ્યે, કોલંબો

શ્રીલંકાનો કૅપ્ટન દસુન શનાકા, ઝિમ્બાબ્વેનો કૅપ્ટન સિકંદર રઝા
કોલંબોમાં આજે બપોરે ૩ વાગ્યે ગ્રુપ Bની ટક્કરમાં સહયજમાન શ્રીલંકા અને સરપ્રાઇઝ પૅકેજ ઝિમ્બાબ્વે વચ્ચે ટક્કર જામવાની છે. બન્ને ટીમ સુપર 8માં ક્વૉલિફાય થઈ ગઈ હોવાથી આજની મૅચનું રિઝલ્ટ ગ્રુપ-ટૉપર નક્કી કરવા પૂરતું મર્યાદિત રહી ગયું છે. ઘણા સમય બાદ દમ બતાવી રહેલા ઝિમ્બાબ્વેએ આ ટુર્નામેન્ટનો સૌથી મોટો અપસેટ સર્જતાં ઑસ્ટ્રેલિયાને પછાડીને બધાને ચોંકાવી દીધા છે. મંગળવારે આયરલૅન્ડ સામેની મૅચ વરસાદને લીધે ધોવાઈ જતાં ઝિમ્બાબ્વેએ સુપર 8માં સ્થાન પાકું કરી લીધું હતું અને કાંગારૂઓનું પૅક-અપ થઈ ગયું હતું. બીજી તરફ દાસુન શનાકાના નેતૃત્વમાં શ્રીલંકા ધીમે-ધીમે લયમાં આવી રહ્યું છે અને છેલ્લી મૅચમાં ઑસ્ટ્રેલિયા સામેના દમદાર વિજયને લીધે લોકો એને ચૅમ્પિયન બનવાના દાવેદાર ગણવા લાગ્યા છે. T20 ફૉર્મેટમાં અત્યાર સુધી બન્ને ટીમ ૯ વાર ટકરાઈ છે જેમાંથી ઝિમ્બાબ્વેની બે જીત સામે ૭ જીત સાથે શ્રીલંકાનો હાથ ઉપર રહ્યો છે. T20 વર્લ્ડ કપમાં બન્ને અત્યાર સુધી બે વાર ટકરાયા છે અને બન્ને વાર શ્રીલંકાનો જ વિજય થયો છે. ૨૦૧૦માં ૧૪ રનથી અને ૨૦૧૨માં ૮૨ રનની શ્રીલંકાએ જીત મેળવી હતી.
અફઘાનિસ્તાન vs કૅનેડા, સાંજે ૭ વાગ્યે, ચેન્નઈ

અફઘાનિસ્તાનનો કૅપ્ટન રાશિદ ખાન, કૅનેડાનો કૅપ્ટન દિલપ્રીત બાજવા
ચેન્નઈમાં આજના દિવસની છેલ્લી મૅચ અફઘાનિસ્તાન અને કૅનેડા વચ્ચે રમાશે. બન્ને ટીમો સુપર 8ની રેસમાંથી બહાર થઈ ગઈ હોવાથી માનભેર વિદાય લેવા આજે જીત માટે જોર લગાવશે. આ ટુર્નામેન્ટના સૌથી ટફ ગ્રુપ Dમાં અફઘાનિસ્તાને ન્યુ ઝીલૅન્ડ સામે હાર બાદ સાઉથ આફ્રિકા સામે હાર પહેલાં બે-બે સુપર ઓવર સુધી ફાઇટ આપી હતી. છેલ્લે UAE સામે પાંચ વિકેટે જીત સાથે ટીમે આખરે જીતનું ખાતું ખોલ્યું હતું અને આજે કૅનેડા સામે મસમોટી જીત સાથે વિદાય લેવાના મૂડમાં હશે. કૅનેડાએ એની ત્રણેય મૅચમાં ૧૫૦+ રન કરવા છતાં હારનો સામનો કરવો પડ્યો છે. છેલ્લે ન્યુ ઝીલૅન્ડ સામે એના યુવા ઓપનર યુવરાજ સામરાએ સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચી દીધો હતો. T20 ઇન્ટરનૅશનલમાં બન્ને ટીમ વચ્ચે અત્યાર સુધી બે વાર ટક્કર થઈ છે, બન્ને વાર અફઘાનિસ્તાનની જ જીત થઈ છે. T20 વર્લ્ડ કપમાં બન્ને આજે પહેલી વાર એકબીજા સામે રમશે.
