કલ્યાણમાં રૅપિડો બાઇક ટૅક્સીના ડ્રાઇવર દ્વારા પૅસેન્જર યુવતીની છેડતી કરવાની ઘટના બહાર આવી છે.
પ્રતીકાત્મક તસવીર
કલ્યાણમાં રૅપિડો બાઇક ટૅક્સીના ડ્રાઇવર દ્વારા પૅસેન્જર યુવતીની છેડતી કરવાની ઘટના બહાર આવી છે. શનિવારે સાંજે ૨૬ વર્ષની યુવતીએ કલ્યાણ સ્ટેશન પાસે આવેલા જિમ્નેશ્યમમાં જવા રૅપિડો બાઇક ટૅક્સી કરી હતી. રૅપિડોનો ૧૯ વર્ષનો ડ્રાઇવર સિદ્ધેશ પરદેશી તેને લઈને કલ્યાણ સ્ટેશન જવા નીકળ્યો હતો. જોકે તે તેનું સ્કૂટી સિન્ડિકેટ એરિયાની પોલીસ કૉલોનીના ઓછી અવરજવર ધરાવતા વિસ્તારમાં લઈ ગયો હતો. યુવતીએ તેને એ વિસ્તારમાં સ્કૂટી કેમ લીધું એમ વારંવાર પૂછવા માંડ્યું ત્યારે તેણે સ્કૂટી ઊભું રાખી દીધું હતું. પછી તેણે યુવતીનો હાથ પકડીને તેની સાથે જીભાજોડી કરી હતી અને તેના પર્સમાંથી ૧૦૦૦ રૂપિયા લઈ લીધા હતા. યુવતીએ ત્યાર બાદ બૂમાબૂમ કરતાં લોકો દોડી આવ્યા હતા. તેમણે રૅપિડો બાઇકના ડ્રાઇવરને ઝડપી લઈ, તેની ધોલધપાટ કરીને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસને તેની પાસેથી ચાકુ પણ મળી આવ્યું હતું. પોલીસે તેની સામે કેસ નોંધીને કોર્ટમાં હાજર કરતાં કોર્ટે તેને ૧૮ ડિસેમ્બર સુધીની પોલીસ-કસ્ટડી આપી હતી.


