૨૯ દિવસમાં ૪૯૦ કિલોમીટરની પદયાત્રા કરીને મુંબઈ-ગોવા હાઇવેની ૫૯ ખામીઓની યાદી બનાવી અને હાઇવેઝ મિનિસ્ટર નીતિન ગડકરીને મોકલી
ચૈતન્ય પાટીલ
મુંબઈ-ગોવા હાઇવે (NH-66) પ્રોજેક્ટમાં સતત વિલંબ થઈ રહ્યો છે અને આ હાઇવે પ્રોજેક્ટ ક્યારે પૂરો થશે એ વિશે લોકોમાં રોષ વધી રહ્યો છે ત્યારે રાયગડ જિલ્લાના ૨૮ વર્ષના એન્જિનિયર ચૈતન્ય પાટીલે આ હાઇવે પરના જોખમી વિસ્તારોની જાણકારી મેળવવા માટે સમગ્ર હાઇવે પર ૪૯૦ કિલોમીટરની પદયાત્રા કરી હતી. ૯ ઑગસ્ટે શરૂ કરેલી પદયાત્રા ૨૦ ઑક્ટોબરે પૂરી થઈ હતી. પદયાત્રામાં તેની તબિયત ખરાબ થતાં બ્રેક લેવો પડ્યો હતો છતાં ૨૯ દિવસમાં આ યુવાને આખા હાઇવેમાં ક્યાં ખરાબી છે અને શું કરવાની જરૂર છે એનો વિસ્તૃત અહેવાલ તૈયાર કર્યો છે.
રાયગડના કાસુ ગામના રહેવાસી ચૈતન્ય પાટીલે પોતાના આ અભિયાનને ‘રસ્તા સત્યાગ્રહ’ ગણાવ્યો હતો. તેની ૨૯ દિવસની પદયાત્રામાં તેણે ખાડા, અકસ્માતગ્રસ્ત વિસ્તારો, અધૂરાં કામો, ગુમ થયેલા રસ્તાનાં ચિહ્નો અને મુસાફરોના જીવનને જોખમમાં મૂકતાં અન્ય જોખમોની નોંધ લીધી હતી. પદયાત્રા પૂરી કર્યા પછી તેણે ૫૯ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ ઓળખી લીધા હતા અને સંસદસભ્ય અરવિંદ સાવંત દ્વારા કેન્દ્રીય માર્ગ પરિવહનપ્રધાન નીતિન ગડકરીને વિગતવાર અહેવાલ સુપરત કર્યો હતો. પોતાના અભિયાન વિશે ચૈતન્ય પાટીલે કહ્યું હતું કે ‘મારું એકમાત્ર ધ્યેય મુંબઈ-ગોવા હાઇવેને સલામત, અકસ્માતમુક્ત અને સારી ગુણવત્તાવાળો બનાવવાનો છે, જેથી લોકો ભય વગર મુસાફરી કરી શકે. ખરાબ રસ્તાઓને કારણે લોકોનાં જીવન જોખમમાં ન હોવાં જોઈએ.’
કચરો પણ ભેગો કર્યો
પદયાત્રા દરમ્યાન ચૈતન્ય પાટીલે ૧.૫ કિલોથી વધુ કાટમાળ પણ એકઠો કર્યો; જેમાં લોખંડની વસ્તુઓ, તૂટેલી કાચની બૉટલો, હોર્ડિંગ્સ અને અન્ય કચરો સામેલ હતાં. એને કારણે હાઇવે પર અકસ્માતો અથવા ટાયર પંક્ચર થયાં હતાં અને કાટમાળનો સુરક્ષિત રીતે નિકાલ કર્યો હતો.


