Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ‘બત્રીસ પૂતળીની વેદના’ સહિતની અનેક નવલકથાઓ આપનાર ગુજરાતીનાં જાણીતાં નવલકથાકાર ઇલા આરબ મહેતાનું અવસાન

‘બત્રીસ પૂતળીની વેદના’ સહિતની અનેક નવલકથાઓ આપનાર ગુજરાતીનાં જાણીતાં નવલકથાકાર ઇલા આરબ મહેતાનું અવસાન

Published : 07 October, 2026 08:56 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

જાણીતા  સાહિત્યકાર ગુણવંતરાય આચાર્યના પુત્રી અને જાણીતા લેખિકા વર્ષા અડાલજાનાં મોટાં બહેન Ila Arab Mehtaએ ગઇકાલે અંતિમ શ્વાસ લીધા છે.

ઇલા આરબ મહેતા

ઇલા આરબ મહેતા


ગુજરાતી સાહિત્ય જગત શોકમાં ગરકાવ થયું છે. જાણીતાં નવલકથાકાર ઇલા આરબ મહેતા (Ila Arab Mehta)નું ગઈકાલે મુંબઈમાં નિધન થયું છે. ગુજરાતી ભાષાનાં સુપ્રસિદ્ધ નવલકથાકાર અને વાર્તાકાર ઇલા આરબ મહેતાની વિદાયથી સાહિત્યજગતમાં શોકની લહેર પ્રસરી ગઈ છે. જાણીતા  સાહિત્યકાર ગુણવંતરાય આચાર્યના પુત્રી અને જાણીતા લેખિકા વર્ષા અડાલજાનાં મોટાં બહેન ઇલા આરબ મહેતાએ ગઇકાલે અંતિમ શ્વાસ લીધા છે.

ઇલા આરબ મહેતા (Ila Arab Mehta)નો જન્મ ૨૩ જૂન ૧૯૩૮ના રોજ મુંબઈ ખાતે થયો હતો. તેઓ મૂળ જામનગરનાં હતાં. તેમણે રૂઇયા કૉલેજમાંથી બી.એ. અને ગુજરાતી તથા સંસ્કૃત વિષયો સાથે એમ.એ. સુધીનો અભ્યાસ કર્યો હતો. ઇલા આરબ મહેતાએ ઘણા વખત સુધી મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં અધ્યાપક તરીકેની સેવા બજાવી હતી. પિતા ગુણવંતરાય આચાર્ય પાસેથી તેઓને સાહિત્યવારસો ગળથૂથીમાં જ મળ્યો હતો. તેઓએ પિતાના સાહિત્યસર્જનના વારસાને આગળ ધપાવતાં ૨૦થી વધુ નવલકથાઓ અને વાર્તાસંગ્રહો આપ્યા છે. તેમની જાણીતી કૃતિઓમાં ‘ત્રિકોણની ત્રણ રેખાઓ’, ‘રાધા’, ‘થીજેલો આકાર’, ‘એક હતા દીવાનબહાદુર’, `બત્રીસ લક્ષો`, ‘બત્રીસ પૂતળીની વેદના’, ‘પાંચ પગલાં પૃથ્વી પર’, ‘પરપોટાની પાંખ’, `વારસદાર`, `આવતી કાલનો સૂરજ`, `મૃત્યુ`, `દરિયાનો માણસ`, `વસંત છલકે`, `નાગ પરીક્ષા`, `ધ ન્યૂ લાઇફ`, `ઝીલી મેં કુંપળ હથેળીમાં` અને વાર્તાસંગ્રહ ‘એક સિગારેટ, એક ધૂપસળી’ મુખ્ય છે.



તેમની (Ila Arab Mehta) `વાડ` નામની નવલકથા રીટા કોઠારી દ્વારા અંગ્રેજીમાં ફેન્સ નામે અનુવાદ થઈ છે. મોટે ભાગે નારીવાદી અભિગમ તેમના લખાણોમાં છલકાતો હતો. તેમણે બહેન વર્ષા અડાલજાની વાર્તાઓનું સંપાદન `વર્ષા અડાલજાની શ્રેષ્ઠ વાર્તાઓ`માં આપ્યું છે અને જીવો અને જીવવા દો તેમનું પ્રેરક વાક્ય હતું. તેઓને ગુજરાત રાજ્ય સરકાર, ગુજરાતી સાહિત્ય અકાદમી, મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ સહિતની અનેક સંસ્થાઓ દ્વારા વિવિધ પુરસ્કારોથી સન્માનિત કરાયાં હતાં.


પરિવાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર તેમની અંતિમયાત્રા અને વિધિ આજે બુધવાર, ૭ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ બપોરે ૧૨:૩૦ વાગ્યે સાંતાક્રુઝ હિન્દુ શ્મશાનગૃહ (દત્તાત્રેય રોડ, શાસ્ત્રી નગર, સાંતાક્રુઝ વેસ્ટ, મુંબઈ) ખાતે યોજાશે. તેમના (Ila Arab Mehta) પરિવારમાં પુત્ર ડૉ. સલિલ, પુત્રી સોનાલી તથા પૌત્ર-પૌત્રીઓનો સમાવેશ થાય છે. તેમના નિધનથી ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે ક્યારેય ન પુરાય તેવી ખોટ પડી છે.


Whatsapp-channel Whatsapp-channel

07 October, 2026 08:56 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK