ફુગ્ગો ગળી ગયેલા છોકરાને લઈ જતી ઍમ્બ્યુલન્સ બે કલાક ટ્રાફિકમાં ફસાઈ ગઈ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
રાયગડના અલીબાગ તાલુકામાં રસ્તાના સમારકામને કારણે સર્જાયેલા ભારે ટ્રાફિક જૅમે ૨૦ મહિનાના માસૂમ બાળકનો જીવ લીધો હતો. બામણગાવ નાકા પર શાકભાજી વેચીને ગુજરાન ચલાવતા પરિવારનો નાનો ૨૦ મહિનાનો પુત્ર આરાંશ ઠાકુર સોમવારે બપોરે દોઢ વાગ્યે ઘરના આંગણામાં રમતી વખતે અચાનક ફુગ્ગો ગળી ગયો હતો. ફુગ્ગો ગળામાં ફસાઈ જવાથી બાળકનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો જેથી ગભરાયેલાં માતા-પિતા તેને તાત્કાલિક સારવાર માટે ઍમ્બ્યુલન્સ મારફત અલીબાગની હૉસ્પિટલ લઈ જવા નીકળ્યાં હતાં. જોકે બેલકડે-અલીબાગ માર્ગ પર રસ્તાનું કામ ચાલુ હોવાથી વાહનોની લાંબી કતારો લાગી હતી અને ઍમ્બ્યુલન્સ દોઢથી બે કલાક સુધી ભારે ટ્રાફિક જૅમમાં ફસાઈ રહી હતી. ‘મારા દીકરાનો શ્વાસ રૂંધાય છે, કોઈ રસ્તો આપો’ એવા હૈયાફાટ આક્રંદ સાથે લાચાર માતા-પિતા ઍમ્બ્યુલન્સમાં મદદ માટે પોકાર કરતાં રહ્યાં, પરંતુ સાઇરન વાગવા છતાં ટ્રાફિકના અવ્યવસ્થિત આયોજનને કારણે સમયસર રસ્તો મળી શક્યો નહોતો. અંતે બપોરે ચાર વાગ્યે જ્યારે ઍમ્બ્યુલન્સ હૉસ્પિટલ પહોંચી ત્યારે ફરજ પરના ડૉક્ટરોએ આરાંશને મૃત જાહેર કર્યો હતો. સમયસર સારવાર ન મળતાં માસૂમે માતા-પિતાના ખોળામાં જ દમ તોડતાં સ્થાનિકોમાં વહીવટીતંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
