રોહિત પવાર ગઈ કાલે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેને મળ્યા હતા અને અજિત પવારના આકસ્મિક મૃત્યુ અંગે ચર્ચા કરી હતી
રોહિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ
રોહિત પવાર ગઈ કાલે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેને મળ્યા હતા અને અજિત પવારના આકસ્મિક મૃત્યુ અંગે ચર્ચા કરી હતી. ત્યાર બાદ તેઓ વિધાનસભામાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પણ મળ્યા હતા. રાજ્ય સરકારનું બજેટસત્ર ચાલી રહ્યું હોવાથી વિધાનસભ્યો, પ્રધાનો અને દિગ્ગજ નેતાઓ વિધાનસભામાં છે. એથી રોહિત પવારે ફરીથી અજિત પવારના અકસ્માતનો મુદ્દો ઉઠાવ્યો હતો. રોહિત પવારે કહ્યું હતું કે ‘મુખ્ય પ્રધાનને મળવાનું કારણ એ હતું કે મેં તેમની સમક્ષ મારો કેસ રજૂ કર્યો હતો અને મારા અને મહારાષ્ટ્રની દરેક વ્યક્તિના મનમાં જે શંકાઓ છે એ જણાવી હતી. બધા રિસર્ચ પેપર અને દસ્તાવેજો મારી પાસે આવ્યા છે. મેં એ મુખ્ય પ્રધાનને આપ્યા છે. આજે દેશમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની સરકાર છે એટલે મુખ્ય પ્રધાને દેશના ગૃહપ્રધાન અથવા કોઈ વરિષ્ઠ નેતા સમક્ષ રજૂઆત કરવી જોઈએ. મેં દેવેન્દ્ર ફડણવીસ પાસેથી આ તપાસમાં પારદર્શિતાની માગણી કરી છે. ઉપરાંત તેમણે મારી પાસેથી કેટલાક વધુ દસ્તાવેજોની માગણી કરી હતી.’
રોહિત પવારે એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેઓ એ દસ્તાવેજો સાથે ગૃહપ્રધાન અમિત શાહને પણ મળશે.
ADVERTISEMENT
આજે એ દુર્ઘટનાને એક મહિનો થઈ રહ્યો છે ત્યારે રોહિત પવારે આ સંદર્ભે વધુમાં કહ્યું હતું કે ‘આ રિપોર્ટ કેન્દ્ર સરકાર તરફથી આવી રહ્યો છે. એવી અપેક્ષા છે કે આ રિપોર્ટ આજ સુધીમાં આવી જશે. અમને ઉપર-ઉપરનો રિપોર્ટ નહીં પણ વિગતવાર રિપોર્ટ જોઈએ છે. હું સોમવારે સવારે ૧૧ વાગ્યે વિગતવાર પ્રેસ-કૉન્ફરન્સ કરીશ અને કેટલીક વધુ બાબતો સામે લાવીશ.’
આ દરમ્યાન મુખ્ય પ્રધાને કહ્યું હતું કે તેઓ ગુનો નોંધવા અંગે કેટલાક પોલીસ-અધિકારીઓ સાથે ચર્ચા કરશે અને ટેક્નિકલ મુશ્કેલીઓ શું છે એ સમજશે.
દેવગિરિ બંગલામાં સ્મારક બનાવવું જોઈએ : રોહિત પવાર
અજિત પવાર છેલ્લાં બાવીસ વર્ષથી મુંબઈના દેવગિરિ બંગલામાં રહેતા હતા. રોહિત પવારે માગણી કરી છે કે અજિતદાદાનું સ્મારક અહીં બનાવવામાં આવે. રોહિત પવારે માહિતી આપી કે મુખ્ય પ્રધાન સમક્ષ વિવિધ માગણીઓ કરવામાં આવી છે.
