દાદરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને માતૃશક્તિ દુર્ગાવાહિની દ્વારા આયોજિત માનવંદના કાર્યક્રમમાં સાધ્વી ઋતુંભરાએ કહ્યું...
દાદરમાં આયોજિત માનવંદના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઊમટેલી મહિલાઓ અને યુવતીઓ અને સાધ્વી ઋતુંભરાએ છત્રપતિ શિવાજી મહારાજના પૂતળાની ફૂલોથી વંદના કર્યા બાદ ભાષણની શરૂઆત કરી હતી.
રાણી દુર્ગાવતીની ૫૫૦મી અને અહિલ્યાબાઈ હોળકરની ૩૩૦મી જન્મજયંતી નિમિત્તે ગઈ કાલે વિશ્વ હિન્દુ પરિષદ અને માતૃશક્તિ દુર્ગાવાહિની દ્વારા દાદરમાં માનવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૫૦૦૦ મહિલા અને યુવતીઓ સામેલ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. દાદર-ઈસ્ટમાં ચાર વાગ્યાથી મહિલા અને યુવતીઓએ પથ-સંચલન કર્યું હતું અને બાદમાં તેઓ રાજા શિવાજી વિદ્યાલયમાં આયોજિત સભાસ્થળે પહોંચી હતી.
આ સભામાં સાધ્વી ઋતુંભરાએ મહિલા અને યુવતીઓને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘મહર્ષિ ધોંડો કેશવ કર્વેએ મહિલાઓના સક્ષમીકરણ માટે એસએનડીટી યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. આજે માતૃશક્તિ દુર્ગાવાહિની મહિલાઓના ઉત્થાન માટે કામ કરી રહી છે. નવી શિક્ષાનીતિથી ભારતની ગૌરવશાળી પરંપરા અને વીરાંગનાઓના ઇતિહાસ સ્કૂલ-કૉલેજના પાઠ્યપુસ્તકમાં સામેલ કરવામાં આવી રહ્યા છે એ આપણા માટે ગૌરવની વાત છે. તૈમુર અને ઔરંગઝેબને જન્મ આપનારી મહિલા ભારતની આદર્શ ક્યારેય ન થઈ શકે. પુણ્યશ્લોક અહિલ્યાદેવી હોળકર, રાણી દુર્ગાવતી જેવી અસંખ્ય વીરાંગના જ આદર્શ હતી અને કાયમ રહેશે. આજે આપણી સનાતન શ્રદ્ધા બીજા ધર્મના હાથમાં જઈ રહી છે, જેને લીધે આપણા ધર્મનું વિઘટન થઈ રહ્યું છે એ આજની મહિલાઓ માટે સૌથી મોટો પડકાર છે. હું તમામ મહિલાઓને આગ્રહ કરું છું કે તે લવ જેહાદનો શિકાર ન બને. આ દેશની મહિલાઓમાં વિધર્મીઓ અને લવ જેહાદ સામે લડવાની તાકાત છે.’
ADVERTISEMENT
મંદિરોને સરકારમુક્ત કરવા માટેના અભિયાનની શરૂઆત
હિન્દુઓનાં મંદિરોને સરકારના હાથમાંથી મુક્ત કરાવવા માટે લોકોમાં જાગૃતિ લાવવા માટે ગઈ કાલે આંધ્ર પ્રદેશના વિજયવાડામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાંચ લાખ હિન્દુઓ સામેલ થયા હતા.