તેને માનસિક ત્રાસ આપનારા લોકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માગણી સાથે તેમણે આ આંદોલન છેડ્યું છે.
પુત્રને ન્યાય અપાવવા માટે અને ગુનેગારોની તાત્કાલિક ધરપકડ થાય એ માગણી સાથે સાહિલ વાકોડેનાં પપ્પા રવીન્દ્ર અને મમ્મી સોનાલી વાકોડેએ ગઈ કાલે આઝાદ મેદાનમાં ભૂખહડતાળ શરૂ કરી હતી. તસવીર: આશિષ રાજે
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT)-બૉમ્બેના વિદ્યાર્થી સાહિલ વાકોડેની આત્મહત્યા બાદ તેનાં માતા-પિતાએ ગુરુવારે મુંબઈના આઝાદ મેદાન ખાતે ભૂખહડતાળ શરૂ કરી દીધી છે. પુત્રના મોત માટે જવાબદાર અને તેને માનસિક ત્રાસ આપનારા લોકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માગણી સાથે તેમણે આ આંદોલન છેડ્યું છે.
સાહિલના પિતા રવીન્દ્ર વાકોડેએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ‘મારા દીકરાને ત્રાસ આપનારા તમામ લોકોને જેલના સળિયા પાછળ ધકેલવા જોઈએ. સાહિલે અગાઉ અમને જણાવ્યું હતું કે ઇન્સ્ટિટ્યૂટમાં તેની સાથે વારંવાર જાતિગત ભેદભાવ કરવામાં આવતો હતો.’
આ ભૂખહડતાળ શરૂ કરતાં પહેલાં રવીન્દ્ર વાકોડે અને તેમનાં પત્ની સોનાલી વાકોડેએ મુંબઈમાં નૅશનલ કમિશન ફૉર શેડ્યુલ્ડ કાસ્ટ્સના અધ્યક્ષ સાથે મુલાકાત કરી હતી. તેમણે આયોગને એક આવેદનપત્ર સુપરત કરીને સમગ્ર મામલાની ઝડપી અને નિષ્પક્ષ તપાસ કરાવવાની માગણી કરી હતી.
IIT-બૉમ્બેએ મિડ-સેમેસ્ટર પરીક્ષાઓ ઑક્ટોબર સુધી મુલતવી રાખી દીધી
સાહિલ વાકોડેની આત્મહત્યાને પગલે કૅમ્પસમાં ફાટી નીકળેલા ઉગ્ર વિરોધ-પ્રદર્શનને ધ્યાનમાં રાખીને IIT-બૉમ્બેએ મિડ-સેમેસ્ટર પરીક્ષાઓ મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. અગાઉ ૨૬ અને ૨૭ સપ્ટેમ્બરે યોજાનારી આ પરીક્ષાઓ હવે ૧૦ અને ૧૧ ઑક્ટોબરે લેવામાં આવશે.
ADVERTISEMENT
IIT-બૉમ્બેની બહાર વિરોધ-પ્રદર્શન કરવા પહોંચેલાં કૉન્ગ્રેસનાં સંસદસભ્ય વર્ષા ગાયકવાડ અને NSUIના કાર્યકરોની અટકાયત
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT)-બૉમ્બેના BTechના વિદ્યાર્થી સાહિલ વાકોડેના કથિત આપઘાતના મામલે રાજકીય માહોલ ગરમાયો છે. ગુરુવારે સાહિલના પરિવારને ન્યાય અપાવવા અને એકતા દર્શાવવા માટે પવઈસ્થિત IIT કૅમ્પસની બહાર પહોંચેલાં કૉન્ગ્રેસનાં સંસદસભ્ય અને મુંબઈ કૉન્ગ્રેસનાં અધ્યક્ષ વર્ષા ગાયકવાડ, ડઝનબંધ પક્ષના કાર્યકરો તેમ જ નૅશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઑફ ઇન્ડિયા (NSUI)ના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.
કૉન્ગ્રેસ અને એની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા પવઈ કૅમ્પસના મુખ્ય દરવાજાની બહાર મોરચો માંડવામાં આવ્યો હતો, પરંતુ વિરોધ-પ્રદર્શન શરૂ થાય એ પહેલાં જ તકેદારીના ભાગરૂપે પોલીસે કાર્યકરોને કસ્ટડીમાં લેવાનું શરૂ કરી દીધું હતું. ત્યાર બાદ ઘટનાસ્થળે પહોંચેલાં સંસદસભ્ય વર્ષા ગાયકવાડની પણ પોલીસે અટકાયત કરી લીધી હતી.
વિરોધ-પ્રદર્શન દરમ્યાન મીડિયા સાથે વાતચીત કરતાં વર્ષા ગાયકવાડે આક્ષેપ કર્યો હતો કે ‘ઉચ્ચ શિક્ષણસંસ્થાઓમાં ચોક્કસ જાતિ કે ધર્મના વિદ્યાર્થીઓ સતત અપમાન અને માનસિક ત્રાસનો ભોગ બની રહ્યા છે. IITમાં આવી ઘટના પહેલી વાર નથી બની એટલે સંસ્થા પ્રશાસનની જવાબદારી નક્કી થવી અનિવાર્ય છે. વારંવાર બનતી આવી ઘટનાઓ રોકવા માટે જવાબદારો સામે કડક પગલાં લેવાવાં જોઈએ.’
