ભૂમાતા બ્રિગેડનાં તૃપ્તિ દેસાઈએ મુખ્ય પ્રધાન પર કર્યો ગંભીર આરોપ
તૃપ્તિ દેસાઈ
બીડ જિલ્લાના મસ્સાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખની હત્યાના મામલામાં કૅબિનેટ પ્રધાન ધનંજય મુંડેના વિશ્વાસુ વાલ્મીક કરાડ પર ગંભીર આરોપ છે ત્યારે આ મામલામાં હવે ભૂમાતા બ્રિગેડનાં તૃપ્તિ દેસાઈએ એન્ટ્રી મારી છે. ગઈ કાલે પુણેમાં આયોજિત પ્રેસ-કૉન્ફરન્સમાં તૃપ્તિ દેસાઈએ આરોપ કર્યો હતો કે ‘કોઈ પણ સંજોગોમાં ધનંજય મુંડેનું રાજીનામું નહીં લેવામાં આવે, કારણ કે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તેના ખાસ મિત્ર છે, જેમણે મૈત્રી ખાતર અનેક વખત ધનંજયની બીજી પત્ની કરુણા શર્માને અનેક વખત ફ્લાઇટમાં પિયર મોકલી હતી. વાલ્મીક કરાડની ધરપકડ કરવામાં આવી હતી એ પહેલાં તે અમારી માહિતી મુજબ નાશિક જિલ્લાના દિંડોરીમાં આવેલા અણ્ણાસાહેબ મોરે એટલે કે ગુરુ માઉલીના આશ્રમમાં ૧૫ અને ૧૬ ડિસેમ્બરે રોકાયો હતો. આ સમયે તેની સાથે બીજો આરોપી વિષ્ણુ ચાટે પણ હતો. સરપંચ સંતોષ દેશમુખની હત્યાના મામલામાં ગુરુ માઉલીને પણ આરોપી બનાવવા જોઈએ. એક મહિલાએ મારી પાસે ફરિયાદ કરી છે કે આશ્રમના માલિક સાથે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના સારા સંબંધ છે. ધનંજય મુંડેની બીજી પત્ની કરુણા શર્માએ મને એક-બે વખત ફરિયાદ કરી હતી ત્યારે કહ્યું હતું કે તે તેના ઇન્દોરમાં આવેલા પિયરે જતી ત્યારે ક્યારેક-ક્યારેક ધનંજય મુંડેના મિત્ર તરીકે દેવેન્દ્ર ફડણવીસ તેમના વિમાનમાં મૂકવા આવ્યા હતા.’