દિવંગત સેલિબ્રિટી મૅનેજર દિશા સાલિયનના શંકાસ્પદ મોતના મામલે નવો વળાંક આવ્યો છે.
સતીશ સાલિયન
દિવંગત સેલિબ્રિટી મૅનેજર દિશા સાલિયનના શંકાસ્પદ મોતના મામલે નવો વળાંક આવ્યો છે. દિશાના પિતા સતીશ સાલિયન ગુરુવારે પોતાના વકીલ નીલેશ ઓઝા સાથે મુંબઈસ્થિત સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની ઑફિસે પહોંચીને એક પેન-ડ્રાઇવ સુપરત કરી હતી, જેમાં મહત્ત્વપૂર્ણ પુરાવા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ફરિયાદી પરિવારે CBI સમક્ષ આ કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે વિલંબ કર્યા વિના તાત્કાલિક કાયદેસરનાં પગલાં ભરવાની માગણી કરી છે.
પરિવારના વકીલ નીલેશ ઓઝાએ દાવો કર્યો છે કે તેમની પાસે એવા અનેક સાક્ષીઓ છે જેઓ દિશાના મૃત્યુ સમયના ઘટનાક્રમની મહત્ત્વપૂર્ણ કડીઓ આપી શકે એમ છે. આમાંના કેટલાક સાક્ષીઓનો ઉલ્લેખ અગાઉ CBIને લખેલા પત્રમાં પણ કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પેન-ડ્રાઇવમાં એક પ્રત્યક્ષદર્શીનો વિડિયો સામેલ છે જેમાં સમગ્ર ઘટના, દિશાનું બિલ્ડિંગ પરથી નીચે પડવું અને ત્યાર બાદ મૃતદેહને રાખવા સંદર્ભે મહત્ત્વની માહિતી છે. આ સાથે સાક્ષીઓનાં નિવેદનો અને ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજના રેકૉર્ડ વચ્ચે વિરોધાભાસ હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. જોકે આ તમામ દાવાઓ પરિવાર અને વકીલ તરફથી કરવામાં આવ્યા છે, જેની સત્તાવાર તપાસમાં પુષ્ટિ થવી બાકી છે.
ડિજિટલ પુરાવાઓ વિશે વકીલ નીલેશ ઓઝાએ સ્પષ્ટ કર્યું હતું કે હત્યા જેવા ગંભીર ગુનાઓમાં પ્રત્યક્ષદર્શી ન હોય તો મોબાઇલ ટાવરનું લોકેશન, વિડિયો, ફોટોગ્રાફ્સ, ચૅટ્સ અને કૉલ-રેકૉર્ડ્સ જેવા ડિજિટલ પુરાવા અત્યંત નિર્ણાયક સાબિત થાય છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે CBIએ પેન-ડ્રાઇવ સ્વીકારવાની ઔપચારિકતા પૂરી કર્યા બાદ આ તમામ તથ્યોના આધારે તરત ધરપકડ સહિતની કાર્યવાહી કરવી જોઈએ.
જો આદિત્ય ઠાકરે દિશાને ઓળખતા ન હોય તો અદાલતને જવાબ કેમ આપે છે? ઃ સતીશ સાલિયન
સતીશ સાલિયને આક્ષેપ કર્યો છે કે તેમની પાસે શિવસેના (UBT)ના નેતા આદિત્ય ઠાકરે, અભિનેતા ડિનો મોરિયા, સૂરજ પંચોલી અને રિયા ચક્રવર્તી સાથે સંકળાયેલા પુરાવા છે. અગાઉ સતીશ સાલિયને પાઠવેલી ૫૦૦ કરોડ રૂપિયાની માનહાનિની નોટિસને પણ આદિત્ય ઠાકરેએ ફગાવીને માફી માગવાનો કે વળતર ચૂકવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. આદિત્ય ઠાકરેએ દિશાને ઓળખતા ન હોવાનાં નિવેદનો અનેક વાર આપ્યાં છે. એના જવાબમાં સતીશ સાલિયને કહ્યું હતું કે ‘આદિત્ય ઠાકરે જૂઠું બોલી રહ્યા છે. જો એવું હોય તો પછી તે કોર્ટમાં જવાબ કેમ દાખલ કરી રહ્યા છે? ઘટના બાદ પોલીસે દબાણ હેઠળ ઘણાં ખોટાં કામ કર્યાં હતાં. અમે તમામ પુરાવા CBIને સોંપ્યા છે.’
