દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદેએ પણ હુમલાની વિરુદ્ધમાં નિવેદનો આપ્યાં : જોકે સિનિયર સિટિઝને ફરિયાદ નથી નોંધાવી એટલે આરોપીની ધરપકડ અશક્ય
જ્યુપિટર હૉસ્પિટલ નજીક સિનિયર સિટિઝનની મારઝૂડ કરવામાં આવી હતી.
થાણેના કૅડબરી જંક્શન વિસ્તારમાં જ્યુપિટર હૉસ્પિટલ નજીક રસ્તા પર થૂંકવા બાબતે એક સિનિયર સિટિઝનને કૅબ-ડ્રાઇવર નિશાંત શુક્લા દ્વારા બેરહમીથી ફટકારવામાં આવ્યો હોવાની ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં ગઈ કાલે થાણેના રાજકારણમાં જબરદસ્ત ગરમાવો લાવી દીધો હતો. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ દિલ્હીથી સીધો થાણે પોલીસ કમિશનરને ફોન કરીને આરોપી સામે હત્યાના પ્રયાસનો ગંભીર ગુનો નોંધવાનો આદેશ આપ્યો અને શિવસેના (UBT)ના કાર્યકરોએ આરોપીને પકડીને પોલીસને સોંપ્યો પણ ખરો, પરંતુ આ બધી રાજકીય સક્રિયતા વચ્ચે કાયદાકીય ટેક્નિકલ સમસ્યાના કારણે પોલીસના હાથ બંધાઈ ગયા છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી પીડિત ફરિયાદી પોતે પોલીસ-સ્ટેશને આવીને ગુનો દાખલ નહીં કરાવે ત્યાં સુધી ડ્રાઇવરની સત્તાવાર ધરપકડ કરી શકાશે નહીં.
વર્તકનગર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર પ્રવીણ માનેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવારે મોડી રાતે સ્થાનિક કાર્યકરો આરોપી નિશાંત શુક્લાને પકડીને પોલીસ સ્ટેશને લાવ્યા હતા. અમે તેની અટકાયત પણ કરી લીધી હતી અને તેની તમામ વિગતો નોંધી રાખી છે. જોકે કાયદાની જોગવાઈ મુજબ ચોક્કસ વ્યક્તિગત હુમલાના કેસમાં જ્યાં સુધી ભોગ બનનાર વ્યક્તિ સામે આવીને સત્તાવાર ફરિયાદ ન નોંધાવે ત્યાં સુધી પોલીસ કાયદેસર રીતે કોઈ વ્યક્તિને જેલ પાછળ ધકેલી શકતી નથી. પીડિત વડીલ હજી સુધી અમારી સામે ન આવ્યા હોવાથી કાયદાના દાયરામાં રહીને પોલીસે તે ડ્રાઇવરને હાલપૂરતો છોડવો પડ્યો છે. બીજી તરફ સિનિયર સિટિઝન વડીલ જેમની મારઝૂડ થઈ હતી તેને શોધવા માટે અમે બે ટીમ બનાવી છે જે ઘટનાસ્થળ નજીકની વિવિધ સોસાયટીમાં શોધ લઈ રહી છે.’
ADVERTISEMENT
આ કેસમાં હાઈ-પ્રોફાઇલ રાજકીય દબાણ હોવાને કારણે પોલીસતંત્ર ભારે દબાણ હેઠળ છે. સોશ્યલ મીડિયા પર વાઇરલ વિડિયોમાં વડીલના પગમાં ફ્રૅક્ચર થયું હોવાનું અને તેમના પર પથ્થર વડે હુમલો થતો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે જે ગુનાની ગંભીરતા દર્શાવે છે. આથી પોલીસે હવે આરોપીને સાઇડમાં રાખીને આખો દિવસ વરિષ્ઠ નાગરિકને શોધવા પર જ પૂરું ફોકસ કર્યું છે. વર્તકનગર પોલીસની બે ખાસ ટીમો કૅડબરી જંક્શન અને જ્યુપિટર હૉસ્પિટલની આસપાસના વિસ્તારોમાં વડીલની શોધખોળ કરી રહી છે જેથી તેમની ફરિયાદ લઈને તરત જ ડ્રાઇવર સામે સકંજો કસી શકાય.
શું કહ્યું મુખ્ય પ્રધાને?
આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા બાદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે પત્રકારોને પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે આ ખૂબ જ ગંભીર ઘટના છે અને મારઝૂડ કરનાર વ્યક્તિ સામે ચોક્કસ કડક કાર્યવાહી કરવામાં આવશે.
MNSના કાર્યકરો મેદાનમાં ઊતર્યા : કૅબવાળાઓને ફટકાર્યા
આ ઘટનાને પગલે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) પણ અત્યંત આક્રમક મૂડમાં જોવા મળી હતી. MNSના નેતા અવિનાશ જાધવ પોતાના કાર્યકર્તાઓ સાથે થાણેના વિવિયાના મૉલ પરિસરમાં પહોંચ્યા હતા જ્યાં અનેક ઓલા-ઉબરચાલકોએ ગેરકાયદે ગાડીઓ પાર્ક કરી હતી. પૂછપરછ દરમ્યાન ડ્રાઇવરોએ ઊંધા જવાબો આપતાં MNS કાર્યકર્તાઓએ તેમને મેથીપાક આપ્યો હતો. અવિનાશ જાધવે પરપ્રાંતીયોને કડક શબ્દોમાં ચેતવણી આપતાં જણાવ્યું હતું કે ‘તેઓ અહીં માત્ર પોતાનું પેટ ભરવા આવે છે તો શાંતિથી ધંધો કરે, અહીં આવીને મગજમારી ન કરે. જો મહારાષ્ટ્રમાં આવી ઘટનાઓ બનશે તો મહારાષ્ટ્રને બિહાર બનતાં વાર નહીં લાગે.’
