શિંદેએ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને ગૃહપ્રધાન દિલીપ વળસે-પાટીલ પર દોષનો ટોપલો ઢોળ્યો : જોકે ગૃહપ્રધાને આવો કોઈ પણ નિર્ણય લીધો હોવાની સાફ ના પાડી દીધી

ફાઇલ તસવીર
બળવો કરનારા શિવસેનાના ૪૦ જેટલા વિધાનસભ્યોની સિક્યૉરિટી પાછી ખેંચવા બાબતે એકનાથ શિંદેએ ગઈ કાલે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને ગૃહપ્રધાન દિલીપ વળસે-પાટીલે રાજકીય ભેદભાવથી નિર્ણય લીધો હોવાનો આરોપ કર્યો હતો. પોલીસને હટાવી લેવામાં આવી હોવાથી આ વિધાનસભ્યોના પરિવારજનોને કંઈ થશે તો એના માટે આ બંને નેતાઓ જવાબદાર રહેશે એવી એકનાથ શિંદેએ ટ્વીટ કરી હતી. જોકે ગૃહપ્રધાન દિલીપ વળસે-પાટીલે કહ્યું હતું કે કોઈ વિધાનસભ્યની સિક્યૉરિટી પાછી ખેંચવામાં નથી આવી.
શિવસેનામાં બળવો કરીને ગુવાહાટીની હોટેલમાં પહોંચેલા ૪૬ જેટલા વિધાનસભ્યોની પોલીસ સિક્યૉરિટી પાછી ખેંચી લેવામાં આવી હોવાની માહિતી મળ્યા બાદ એકનાથ શિંદેએ ગઈ કાલે ટ્વીટ કરી હતી કે ‘રાજકીય ભેદભાવની ભાવનાથી મહાવિકાસ આઘાડી સરકારે આ નિર્ણય લીધો છે. અમારા પરિવારજનોની સલામતીની જવાબદારી રાજ્ય સરકારની છે. અમારા પરિવારજનોને ધમકાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. તેમને કંઈ થશે તો એના માટે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર, આદિત્ય ઠાકરે અને સંજય રાઉત જવાબ રહેશે.’
વિધાનસભ્યોના પરિવારજનોની સુરક્ષા બાબતે એકનાથ શિંદેએ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, ગૃહપ્રધાન દિલીપ વળસે-પાટીલ અને રાજ્યના પોલીસ વડા રજનીશ સેઠને પત્ર લખ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
ગૃહપ્રધાન દિલીપ વળસે-પાટીલે ટ્વીટ કરીને કહ્યું હતું કે ‘રાજ્યના કોઈ પણ વિધાનસભ્યનું સંરક્ષણ પાછું ખેંચવાનો આદેશ મુખ્ય પ્રધાને કે ગૃહવિભાગે નથી આપ્યો. આ બાબતે ટ્વિટર પર કરવામાં આવતો આરોપ ખોટો અને દિશાભૂલ કરનારો છે. રાજ્યમાં શિવસૈનિકોની વધી રહેલી નારાજગી અને બળવો કરનારા વિધાનસભ્યોની ઑફિસની થઈ રહેલી તોડફોડને ધ્યાનમાં રાખીને તેમના પરિવારજનોની સલામતી પર ધ્યાન આપવાનો આદેશ પોલીસને આપવામાં આવ્યો છે.