ટર્કિશ ઍરલાઇન્સ સાથેના કરારનો અંત લાવો
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ભારત-પાકિસ્તાનના યુદ્ધ બાદ હવે બૉયકૉટ ટર્કીના અભિયાને જોર પકડ્યું છે ત્યારે શિવસેના દ્વારા ઇન્ડિગો ઍરલાઇન્સને ટર્કિશ ઍરલાઇન્સ સાથેના એના કરારનો અંત લાવવાનું કહેવામાં આવ્યું છે એટલું જ નહીં, એ માટે ૧૦ દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. એમાં મહત્ત્વની વાત એ છે કે ઇન્ડિગો અને ટર્કિશ ઍરલાઇન્સ વચ્ચેનો કરાર ૩૧ મે એ પૂરો થવાનો છે ત્યારે હવે આગળ રિન્યુ થાય છે કે નહીં એના પર બધાની નજર મંડાયેલી છે.
પાકિસ્તાન દ્વારા જે ડ્રોન હુમલો થયો એ ડ્રોન ટર્કીની બનાવટનાં હતાં એટલે હવે ભારતમાં ટર્કીનો, ટર્કીનાં ટૂરિસ્ટ ડેસ્ટિનેશનનો, ટર્કીની પ્રોડક્ટ્સનો, સર્વિસનો વગેરેનો બૉયકૉટ ધીરે-ધીરે વેગ પકડી રહ્યો છે. અંધેરી-ઈસ્ટના વિધાનસભ્ય મુરજી પટેલ અને શિવસેનાના લીડર કુણાલ સરમળકર ઍરપોર્ટ એવિએશન એમ્પ્લૉઈઝ યુનિયનના સેક્રેટરી પણ છે. તેઓ ટર્મિનલ-૧ પર ઇન્ડિગો ઍરલાઇન્સના સ્ટેશન મૅનેજરને મળ્યા હતા અને આ સંદર્ભનું નિવેદન સોંપ્યું હતું. તેમણે ઇન્ડિગો ઍરલાઇનને એમનું લીઝ ઍગ્રીમેન્ટ પૂરું કરી દેવા જણાવ્યું છે.
ADVERTISEMENT
શું છે ઇન્ડિગો અને ટર્કિશ ઍરલાઇન્સ વચ્ચેની સમજૂતી?
ઇન્ડિગો ઍરલાઇન્સે ટર્કિશ ઍરલાઇન્સે સાથે ૨૦૨૩માં લીઝ ઍગ્રીમેન્ટ કર્યું હતું. એ અંતર્ગત ટર્કિશ ઍરલાઇન્સે ઇન્ડિગો ઍરલાઇન્સને બે વિમાન પાઇલટ અને ક્રૂ-મેમ્બર સાથે આપ્યાં હતાં. એ ફ્લાઇટ ન્યુ દિલ્હી-મુંબઈ–ઇસ્તાંબુલ ફ્લાય કરતી હતી. વળી બન્ને ઍરલાઇન્સ એકબીજાની ફ્લાઇટને ટિકિટો પણ વેચી શકે એવી ગોઠવણ કરવામાં આવી હતી.

