ભંગારવાળા પાસેથી બે લાખની ખંડણી માગીને મારઝૂડ કરનાર શિવસેનાની નેતા પૂજા બનસોડેની ધરપકડ
ભંગારવાળા પાસેથી બે લાખની ખંડણી માગનાર પૂજા બનસોડે.
નવી મુંબઈની તુર્ભે પોલીસે શિવસેનાની મહિલા પાંખની ઉપાધ્યક્ષ પૂજા બનસોડેની એક ભંગારવાળા પાસેથી બે લાખ રૂપિયાની ખંડણી માગવાના આરોપસર ધરપકડ કરતાં નવી મુંબઈનાં રાજકીય વર્તુળોમાં આ ચર્ચાનો વિષય બન્યો હતો. મળતી માહિતી મુજબ ભંગારવાળાએ ખંડણી આપવાનો ઇનકાર કરતાં પૂજા બનસોડે અને તેના સાગરીતોએ ભંગારવાળાને ગાળો ભાંડી હતી અને તેની મારઝૂડ કરી હતી.
ફરિયાદ મુજબ નવી મુંબઈના તુર્ભેના ઇન્દિરાનગરમાં ભંગારવાળાની દુકાન આવેલી છે. જો અહીં દુકાન ચલાવવી હોય તો બે લાખ રૂપિયાની ખંડણી આપવી પડશે એવી ધમકી પૂજા બનસોડેએ તેને આપી હતી. જોકે ભંગારવાળાએ ખંડણી આપવાનો ઇનકાર કરી દીધો હતો. એથી ગિન્નાયેલી પૂજા બનસોડે તેના સાગરીતો રમઝાન શેખ, સરિતા સરવદે, નરેન્દ્ર સાકવાર અને હુસેન શેખ સાથે ભંગારવાળાની દુકાને પહોંચી ગઈ હતી. તેમણે બધાએ મળીને તે ભંગારવાળાને અને તેના કર્મચારીઓને મુક્કા અને લાત માર્યાં હતાં તેમ જ ગંદી-ગંદી ગાળો આપી હતી.
ADVERTISEMENT
આ ઘટના બાદ ભંગારવાળાએ પોલીસનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ કરતાં પોલીસે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કર્યો હતો અને ત્યાર બાદ પૂજા બનસોડેની ધરપકડ કરી હતી. તેના ૪ર નાસતા ફરતા સાથીદારોની શોધ ચલાવાઈ રહી છે. શિવસેનાની પદાધિકારીની આવા ખંડણીના અને મારઝૂડની કેસમાં ધરપકડ થતાં લોકોમાં એ ચર્ચાનો વિષય બન્યો હતો.
