આવું કહીને કોર્ટે ઈજાગ્રસ્ત રેલવેના મુસાફર માટે વળતર મેળવવાનો માર્ગ મોકળો કરી આપ્યો
પ્રતીકાત્મક તસવીર
બૉમ્બે હાઈ કોર્ટે રેલવેના મુસાફરોના અધિકારોનું રક્ષણ કરતો એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતાં ઠેરવ્યું છે કે ચાલતી ટ્રેનના દરવાજા પાસે બેસવું કે ઊભા રહેવું એને ‘પોતે નોતરેલી ઈજા’ તરીકે ગણી શકાય નહીં. ન્યાયાધીશ જિતેન્દ્ર જૈનની સિંગલ બેન્ચે રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલના ૨૦૧૮ની ૩૧ જાન્યુઆરીના એક આદેશને રદબાતલ કર્યો છે જેમાં એક ઈજાગ્રસ્ત મુસાફરને વળતર આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.
આ કેસની વિગત મુજબ નાશિકના રહેવાસી રોહિદાસ બંધુ કુમાવત ગુવાહાટી એક્સપ્રેસમાં મનમાડથી જળગાવ તરફ જઈ રહ્યા હતા ત્યારે કોચના દરવાજા પાસે રહેલી ભારે ભીડને કારણે તેમનો પગ લપસ્યો હતો અને તેઓ ચાલતી ટ્રેનમાંથી નીચે પડી ગયા હતા. આ અકસ્માતમાં તેમને માથા અને પગના ભાગમાં ગંભીર પ્રકારની ઈજાઓ થઈ હતી. રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલે અગાઉ તેમનો દાવો એવા તર્ક સાથે ફગાવી દીધો હતો કે જે-તે ટ્રેન જળગાવ સ્ટેશને ઊભી રહેવાની ન હોવા છતાં મુસાફર દરવાજા પાસે હતો, જેનો અર્થ એ થાય કે તે ચાલતી ટ્રેને ઊતરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ટ્રિબ્યુનલે આ ઘટનાને મુસાફરની પોતાની બેદરકારી અને ‘પોતે નોતરેલી ઈજા’ ગણાવી હતી.
ADVERTISEMENT
જોકે હાઈ કોર્ટે ટ્રિબ્યુનલના આ તર્ક સાથે અસંમતિ દર્શાવતાં જણાવ્યું હતું કે માત્ર દરવાજા પાસે મુસાફરની હાજરીને તેની બેદરકારી કે ઈજા પહોંચાડવાના ઇરાદાપૂર્વકના કૃત્ય તરીકે ખપાવી શકાય નહીં. અદાલતે વધુમાં સ્પષ્ટ કર્યું હતું કે ‘ભારતીય ટ્રેનોમાં ભીડની સ્થિતિ અને અન્ય સંજોગોને જોતાં દરવાજા પાસે હોવું એ કોઈ ગુનો કે આત્મઘાતી પગલું નથી. જ્યારે મુસાફર પાસે માન્ય ટિકિટ હોય અને તે બોનાફાઇડ ટ્રાવેલર એટલે કે અધિકૃત મુસાફર સાબિત થાય ત્યારે રેલવે-તંત્ર પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ શકે નહીં.’
આ ઐતિહાસિક ચુકાદા સાથે અદાલતે ઈજાગ્રસ્ત મુસાફર માટે વળતર મેળવવાનો માર્ગ મોકળો કરી આપ્યો છે.
ટ્રેનની અડફેટે આવેલા માણસનો એન્જિનમાંથી મૃતદેહ બહાર કાઢવામાં પોણાબે કલાક લાગ્યા
વેસ્ટર્ન રેલવેમાં વિરાર અને વૈતરણા સ્ટેશન વચ્ચે ગઈ કાલે બપોરે ટ્રેનની અડફેટે આવી જવાથી એક મુસાફરે જીવ ગુમાવ્યો હતો. ટ્રેન સાથે આ વ્યક્તિની એટલી જોરદાર ટક્કર થઈ હતી કે તેનો મૃતદેહ લોકોમોટિવ એન્જિનમાંથી કાઢવામાં પોણાબે કલાક લાગ્યા હતા. દરમ્યાન આ લાઇનનો ટ્રેનવ્યવહાર અટકી ગયો હતો. ગુરુવારે બપોરે ૩ વાગ્યે સુરત જતી ડાઉન મેઇન લાઇનની ટ્રેન સાથે આ અકસ્માત થયો હતો. પાટા ક્રૉસ કરતી વખતે થયેલો આ અકસ્માત હતો કે આત્મહત્યા એ જાણી શકાયું નથી. આ ઘટનાને કારણે બહારગામની ૭ ટ્રેનો અને બે લોકલ ટ્રેનો મોડી પડી હતી.
