નાના વિવાદમાં એક વિદ્યાર્થીના મોઢા પર બીજા વિદ્યાર્થીએ પથ્થર માર્યો
પ્રતીકાત્મક તસવીર
વિદ્યાવિહારની સોમૈયા કૉલેજમાં બૅચલર ઑફ આર્ટ્સ (BA)ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા ૨૧ વર્ષના હર્ષ જૈનના મોઢા પર શુક્રવારે કૉલેજની બહાર એક વિદ્યાર્થીએ પથ્થરથી હુમલો કર્યો હતો. આ મામલામાં તિલકનગર પોલીસે BAના પહેલા વર્ષના વિદ્યાર્થી ઇમરાન ખાન સામે ફરિયાદ નોંધીને તેની અટકાયત કરી હતી. નેરુળમાં રહેતો કૉલેજ કમિટીનો હેડ હર્ષ શુક્રવારે કૉલેજમાં થનારા
ફૅશન-શોની પ્રૅક્ટિસ કરી રહ્યો હતો ત્યારે ઇમરાન સાથે તેનો વિવાદ થયો હતો. એ સમયે કૉલેજની સિક્યૉરિટી દ્વારા બન્નેને સમજાવીને મામલો શાંત પાડવામાં આવ્યો હતો. જોકે પાછળથી કૉલેજ છૂટ્યા બાદ કૉલેજના ગેટની બહાર ઇમરાને ફરી હર્ષ સાથે વિવાદ શરૂ કરીને તેના મોઢા પર પથ્થરથી હુમલો કર્યો હતો. આ ઘટનામાં હર્ષને ગંભીર ઈજા થઈ હતી અને એ માટે સર્જરી કરવી પડશે એવી માહિતી તેના ભાઈએ આપી હતી.
તિલકનગર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કૉલેજમાં ફૅશન-શોનું આયોજન કરવામાં આવ્યું છે જેના માટે હર્ષ તેના મિત્રો સાથે કૉલેજના ગાર્ગી પ્લાઝામાં પ્રૅક્ટિસ કરી રહ્યો હતો. તે કૉલેજની કમિટીનો હેડ હોવાથી ફૅશન-શોનું માર્ગદર્શન પણ કરી રહ્યો હતો. ત્યારે ત્યાં હાજર ઇમરાને કોઈ વિષય પર કમેન્ટ કરતાં હર્ષ સાથે તેનો નાનો ઝઘડો થયો હતો. બન્ને વચ્ચે થતો વિવાદ જોઈને કૉલેજના સિક્યૉરિટી ગાર્ડે ત્યાં આવીને તેમની વચ્ચે સમાધાન કરાવ્યું હતું. ત્યાર બાદ તેમને સિક્યૉરિટી ઑફિસમાં લઈ જઈને સિક્યૉરિટી ઇન્ચાર્જે પણ બન્નેને સમજાવીને સમાધાન કરાવ્યું હતું એટલું જ નહીં, બન્ને પાસેથી લખાવી લેવામાં આવ્યું હતું કે તેઓ ફરી વિવાદ નહીં કરે. બન્નેએ આવી ઈ-મેઇલ કૉલેજના ઈ-મેઇલ ID પર મેઇલ પણ કરી હતી. આશરે એક કલાક બાદ હર્ષ અને તેનો મિત્ર સોમૈયાના ગેટ-નંબર ચારની બહાર જઈ રહ્યા હતા ત્યારે ઇમરાન તેની તરફ દોડીને આવ્યો હતો. પહેલાં તેણે હાથથી હર્ષ પર હુમલો કર્યો હતો જેમાં પોતાને બચાવવાની કોશિશ કરતાં ઇમરાને ત્યાં પડેલો એક પથ્થર ઉપાડીને હર્ષ પર ફેંક્યો હતો જે હર્ષના ડાબા ગાલ પર વાગ્યો હતો. એમાં તેને ગંભીર ઈજા થઈ હતી. આ મામલે ઘટનાની માહિતી અમને મળતાં અમે ઇમરાનની અટકાયત કરી છે.’
ADVERTISEMENT
હર્ષના ભાઈ દર્શિત જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શુક્રવારે થયેલી ઘટનાથી હર્ષ ખૂબ જ ડરી ગયો છે. તેના મોઢા પર લાગેલા પથ્થરથી તેને ખૂબ જ દુખાવો થઈ રહ્યો હતો. તેની ટ્રીટમેન્ટ ચાલુ છે. ડૉક્ટરના કહેવા મુજબ હર્ષની એક નાની સર્જરી પણ કરવી પડશે.’


