સોશ્યલ મીડિયા પર આ ગ્રુપના સ્ટન્ટના વિડિયો વાઇરલ થયા બાદ RPFએ કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી
ભાઈંદરના રેલવે બ્રિજ નીચે લટકી રહેલો યુવક, અન્ય એક યુવકે દીવાલ પર ગ્રૅફિટી કરી હતી.
ભાઈંદરના રેલવે બ્રિજ અને એની આસપાસના વિસ્તારમાં મંજૂરી વિના જોખમી સ્ટન્ટ કરવા અને બ્રિજ પર ગ્રૅફિટી (ચિત્રકામ) કરવાના મામલે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)એ ૧૬ વર્ષના ટીનેજર સહિત કુલ ૬ લોકો સામે ગુનો નોંધ્યો છે. આ કેસમાં વસઈ રોડની રેલવે કોર્ટે ટીનેજર સિવાયના પાંચ આરોપીઓને બે-બે હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે, જ્યારે ટીનેજરને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપ્યો છે.
સોશ્યલ મીડિયા પર આ ગ્રુપના સ્ટન્ટના વિડિયો વાઇરલ થયા બાદ RPFએ કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. આ ગ્રુપે ૯ ઑગસ્ટે ભાઈંદરની ખાડી પાસેના રેલવેના પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કર્યો હતો અને બ્રિજ નીચે હવામાં લટકીને પુલ-અપ્સ કરવા સહિતના જોખમી સ્ટન્ટ કર્યા હતા તથા ગ્રૅફિટી કરી હતી.
ADVERTISEMENT
જૂના ઇન્સ્ટાગ્રામ વિડિયોમાં દેખાતા ટૂ-વ્હીલરના નંબર પરથી આરોપીઓ પકડાયા
RPFની તપાસટીમે સૌપ્રથમ એક જૂના ઇન્સ્ટાગ્રામ વિડિયો અને એમાં દેખાતા ટૂ-વ્હીલરના રજિસ્ટ્રેશન-નંબરના આધારે ૨૯ વર્ષના ગ્રૅફિટી આર્ટિસ્ટની ઓળખ કરી હતી. ૩૧ ઑગસ્ટે તેની પૂછપરછ કર્યા બાદ મળેલા નિવેદનના આધારે અન્ય સભ્યોની ભાળ મેળવવામાં આવી હતી, જેના પગલે પહેલી સપ્ટેમ્બરે જૂથના બાકીના ૪ સભ્યો પણ RPF સમક્ષ હાજર થયા હતા.
