મામાના ઘરે જવા નીકળેલી ૧૪ વર્ષની ટીનેજરને આમ કહી કલ્યાણ સ્ટેશનના રેલવે યાર્ડમાં લઈ જઈને જાતીય હુમલો કરનાર ઝડપાયો
પ્રતીકાત્મક તસવીર
કલ્યાણ રેલવે-સ્ટેશનના યાર્ડમાં ૧૪ વર્ષની ટીનેજર પર શનિવારે સાંજે ૫.૩૦ વાગ્યે બળાત્કાર કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ ટીનેજર કલ્યાણથી ખોપોલી તેના મામાના ઘરે જવા માગતી હતી. આ માટે ટીનેજર કલ્યાણ સ્ટેશન પર લોકલ ટ્રેનની રાહ જોઈ રહી હતી. ત્યારે આરોપીઓએ તેનો મોબાઇલ ફોન છીનવી લઈને તેને પોતાની સાથે આવવા દબાણ કર્યું હતું અને તેના પર બળાત્કાર કર્યો હતો.
ટીનેજર અહિલ્યાનગરથી તેના મામાના ઘરે જવા માટે કલ્યાણ સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈ રહી હતી. એ સમયે ૨૩ વર્ષનો આરોપી તેને મળ્યો હતો. તેણે ટીનેજરના હાથમાંથી મોબાઇલ છીનવી લીધો અને કહ્યું કે ‘મોબાઇલ જોઈતો હોય તો મારી સાથે પોલીસ-સ્ટેશન આવ.’ આ પછી ટીનેજરને કલ્યાણ રેલવે યાર્ડ લઈ જઈને આરોપીએ તેના પર બળાત્કાર કર્યો હતો. જોકે ટીનેજર કોઈક રીતે તેની ચુંગાલમાંથી છટકી ગઈ હતી અને ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP) પાસે પહોંચી હતી. રેલવે પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરીને કલ્યાણ રેલવે-સ્ટેશન પરના CCTV કૅમેરાનાં ફુટેજના આધારે આરોપી મળી આવતાં તેને ઝડપી લીધો હતો અને તેની સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી શરૂ કરી હતી.
