ઘટનાની માહિતી સંબંધિત બૅન્ક અને ટેક્નિકલ વિભાગને આપવામાં આવી છે અને ટેક્નિકલ ટીમ મશીનનું નિરીક્ષણ કરી રહી છે
પ્રતીકાત્મક તસવીર
વસઈના ગોલાની નાકા વિસ્તારમાં આવેલા હિટાચી ATMમાં શનિવારે રાતે ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. એક ગ્રાહકે ૧૦૦ રૂપિયા ઉપાડવાની વિગતો એન્ટર કર્યા બાદ ATMમાંથી ૫૦૦ રૂપિયા નીકળ્યા. જોકે બૅન્કના ખાતામાંથી માત્ર ૧૦૦ રૂપિયા જ ડેબિટ થયા હોવાનો બૅન્કનો મેસેજ આવ્યો હતો. ૪૦૦ રૂપિયા ઉપાડવાની વિનંતી બાદ મશીનમાંથી ૨૦૦૦ રૂપિયા નીકળ્યા હોવાનું પણ જોવા મળ્યું હતું. એ સંદર્ભની માહિતી વિસ્તારમાં ઝડપથી ફેલાતાં ATMની બહાર પૈસા કઢાવવા લોકો ભેગા થઈ ગયા હતા. અચાનક ટેક્નિકલ ખામી સર્જાતાં નાણાકીય છેતરપિંડીની શક્યતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસે તાત્કાલિક હસ્તક્ષેપ કર્યો હતો અને ATMના વ્યવહાર બંધ કરી દીધા અને લોકોને વિખેરી નાખ્યા હતા.
દરમ્યાન ઘટનાની માહિતી સંબંધિત બૅન્ક અને ટેક્નિકલ વિભાગને આપવામાં આવી છે અને ટેક્નિકલ ટીમ મશીનનું નિરીક્ષણ કરી રહી છે. એવી માહિતી આપવામાં આવી છે કે મશીન સંપૂર્ણપણે રિપેર થયા પછી જ ATM ફરી શરૂ થશે.
