પોલીસે હવે તપાસ શરૂ કરી છે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
થાણેમાં રહેતા એક પ્રાઇવેટ કંપનીના સિનિયર મૅનેજર શૅરબજારમાં કમાવાની લાલચમાં સાઇબર ફ્રૉડનો શિકાર બન્યા હતા. આ ઘટના મે મહિનાથી લઈને ઑક્ટોબર દરમ્યાન બની હતી.
મૅનેજરે ફરિયાદમાં કહ્યું હતું કે ‘મારો સંપર્ક વૉટ્સઍપ-ગ્રુપ ચલાવતા શંકર રામરખિયાણીએ કર્યો હતો. તેણે કહ્યું હતું કે તે એક સિક્યૉરિટી કંપની સાથે સંકળાયેલો છે. એ પછી અન્ય એક મહિલાએ મારો સંપર્ક કર્યો હતો જે એ વૉટ્સઍપ-ગ્રુપમાં હતી તેણે મને ઑનલાઇન ઇન્વેસ્ટ કરવા જણાવ્યું અને કહ્યું હતું કે તમને ઊંચું વળતર મળશે. તેમના પર ભરોસો રાખીને મેં તેમના કહ્યા પ્રમાણે અલગ-અલગ અકાઉન્ટ્સમાં ૩.૯૬ કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હતા. સાઇબર ગઠિયાઓએ મને એ માટેની પ્રૉપર સ્ટ્રક્ચર્ડ સ્કીમ થ્રૂ એ ઇન્વેસ્ટમેન્ટ કરાય છે એમ જણાવતાં મને શંકા નહોતી ગઈ. જોકે આટલી મોટી રકમ ટ્રાન્સફર થયા બાદ ગઠિયાઓએ રિસ્પૉન્ડ કરવાનું બંધ કરી દીધું એથી મારી સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં મેં પોલીસ-ફરિયાદ નોંધાવી હતી.’
ADVERTISEMENT
પોલીસે હવે એ પૈસા કયા અકાઉન્ટમાં જમા થયા, ત્યાંથી કયા અકાઉન્ટમાં ડાયવર્ટ થયા, કૅશ ક્યાંથી કઢાવાઈ વગેરે વિગતો અલગ-અલગ બૅન્કો પાસેથી એકઠી કરીને એ પૈસા છેલ્લે કોની પાસે પહોંચ્યા એ જાણવા તપાસ શરૂ કરી છે.
કંપનીના મૅનેજરે કંપનીના ૬૩.૮ લાખ ગુપચાવ્યા
ઑક્સિજન સિલિન્ડરમાં ડીલ કરતી થાણેની એક કંપનીના મૅનેજરે કંપનીને ૬૩.૮ લાખ રૂપિયાનો ચૂનો ચોપડી દેતાં કંપનીએ તેની સામે પોલીસ-ફરિયાદ નોંધાવી છે. શિલ-ડાયઘર પોલીસ-સ્ટેશનમાં કંપનીના માલિકે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે કહ્યું હતું કે ‘હાલમાં કરાયેલા ઑડિટમાં મૅનેજર પૂર્ણચંદ્ર પાણિગ્રહીએ કરેલી છેતરપિંડી ઝડપાઈ ગઈ હતી. પૂર્ણચંદ્ર પાણિગ્રહી મારી સાથે જુલાઈ ૨૦૨૧માં જોડાયો હતો. તેણે એ પછી સિલિન્ડરના સેલના ૩૫ લાખ રૂપિયા સેરવી લીધા હતા એટલું જ નહીં, તેણે કંપનીનાં ૫૦૦ ઑક્સિજન સિલિન્ડર જેની કિંમત ૨૨.૫ લાખ રૂપિયા થાય છે એ અને અન્ય કેટલીક ઍસેટ્સ પણ પોતાના નામે કરી લીધી હતી.’ શિળ-ડાયઘર પોલીસે આ કેસમાં હવે મૅનેજર પૂર્ણચંદ્ર પાણિગ્રહી સામે છેતરપિંડીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


