Thane Murder: ૩૦ વર્ષની સુનિતા નામની મહિલાએ તેના પતિને મોતને ઘાટ ઉતારી દીધો હોવાના અહેવાલ મળી રહ્યા છે. કહેવાય છે કે આ મહિલાએ તેના પતિ પાસે નવી સાડીની માગ કરી હતી
પ્રતીકાત્મક તસવીર
તાજતેરમાં જ બનેલા કેતન અગ્રવાલ મર્ડર કેસે આખા દેશમાં ચકચાર જગવી હતી. જે ક્રૂરતા સાથે તેની મંગેતર સિયા ગોયલે તેના આશિક જોડે મળીને કેતનને પહાડ પરથી ધક્કો મારી દીધો હતો. હવે ફરી એકવાર મહારાષ્ટ્રના થાણેમાંથી આવો જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક નજીવી બાબતને લઇને પત્નીએ પોતાના પતિનું કાસળ કાઢી (Thane Murder) નાખ્યું છે.
પ્રેશર કુકરના ઢાંકણ વડે ધોલાઇ કરી પત્નીએ
ADVERTISEMENT
આ મર્ડર કેસની વાત કરીએ તો આશરે ૩૦ વર્ષની સુનિતા નામની મહિલાએ તેના પતિને મોતને ઘાટ ઉતારી દીધો હોવાના અહેવાલ મળી રહ્યા છે. કહેવાય છે કે આ મહિલાએ તેના પતિ પાસે નવી સાડીની માગ કરી હતી. પણ તેનો પતિ નવી સાડી લાવ્યો નહોતો. આટલી નજીવી બાબત પર બંને વચ્ચે ઝગડો થયો હતો. આ ઝગડાએ જોતજોતામાં એવું વિકરાળ રૂપ લઇ લીધું કે આ મહિલાએ પ્રેશર કુકરના ઢાંકણ વડે તેના પતિ પર વાર કર્યો હતો. એટલું જ નહીં પણ તેણે કૂકરનું ઢાંકણું માર્યા પછી ગળું દબાવીને પતિનો શ્વાસ રૂંધવી (Thane Murder) નાખ્યો હતો.
એક્સિડેન્ટલ ડેથ ગણાવીને પોલીસને ગેરમાર્ગે પણ દોરી
પોલીસે જણાવ્યું હતું કે આ કેસમાં આરોપી સુનિતા હરિરામ સિંહજે મૂળ બિહારના રોહતાસ જિલ્લાની રહેવાસી છે. પતિનું મર્ડર કરવાના ગુનામાં મંગળવારે તેની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે જ પોલીસે એમ પણ જણાવ્યું હતું કે શરૂઆતમાં મહિલાએ આ મૃત્યુને એક્સિડેન્ટલ ગણાવીને પોલીસને ગેરમાર્ગે દોરી હતી. પણ પાછળથી આ આખી વાતમાં ટ્વીસ્ટ એ આવ્યો હતો કે આ મહિલાએ જ તેના પતિને મારી નાખ્યો હતો.
તેનો પતિ હરિરામ કિશનજી સિંહ જે ૧૯ જુલાઈના રોજ બદલાપુર ઇસ્ટમાં આવેલ તેના ઘરે જ હતો. ત્યારે નવી સાડીઓ ન લાવવા અંગે પત્ની સાથે બોલાચાલી થઈ હતી. બંને બચ્ચેની બોલાચાલી બંધ થવાનું નામ જ નહોતી લેતી એટલે તેમનો સાત વર્ષનો દીકરો મકાનમાલિકને બોલાવવા દોડ્યો હતો. પણ કોઈ આવીને આ બંનેનો ઝગડો સ્ટોપ કરે એ પહેલા જ હરિરામના રામ રમી ગયા હતા. કારણ કે ગુસ્સામાં આવીને મહિલાએ પ્રેશર કુકરના ઢાંકણ વડે તેમના પર વાર કર્યો હતો અને ત્યારબાદ ગળું દબાવીને તેની હત્યા (Thane Murder) કરી દીધી હતી.
અને આમ ફૂટ્યો ભાંડો
પત્નીના નિવેદનના આધારે પોલીસે શરૂઆતમાં એક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધ્યો હતો, પરંતુ સરકારી હોસ્પિટલના મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર મામલે વિસ્તારથી તપાસ શરૂ થઈ હતી. બદલાપુર ઇસ્ટ પોલીસ સ્ટેશનના સીનિયર ઇન્સ્પેક્ટર નિતિન પાટીલે જણાવ્યું કે, "રિપોર્ટમાં સામે આવ્યું હતું કે હરિરામ કિશનજી સિંહનું મૃત્યુ નેચરલી નથી થયું, પરંતુ તેનું ગળું દબાવી દેવાને કારણે ગૂંગળામણ થવાથી તેનું મોત થયું છે. આ પછી મૃતકના પરિવારજનો અને મકાનમાલિકની પૂછપરછ કરવામાં આવતાં પત્નીનો ભાંડો ફૂટી ગયો હતો.
