રાબોડી પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોલબાડ રોડ વિસ્તારમાં આવેલી ૩ દુકાનોમાં બનાવટી સ્પોર્ટ્સ જર્સી, ટી-શર્ટ, હાફ પૅન્ટ્સ અને શૂઝનો મોટો સ્ટૉક રાખીને એનું હોલસેલ તેમ જ છૂટક વેચાણ કરવામાં આવી રહ્યું.
પ્રતીકાત્મક તસવીર
થાણેમાં અડિડાસ અને નાઇકી જેવી નામાંકિત બ્રૅન્ડ્સના નામનો અને લોગોનો ગેરકાયદે ઉપયોગ કરીને બનાવટી સ્પોર્ટ્સવેઅર અને ફુટવેઅરનું વેચાણ કરતી ૩ દુકાનો પર પોલીસે દરોડો પાડ્યો છે. લેગિસ્ટ IPR સર્વિસિસ લિમિટેડ કંપનીના પ્રતિનિધિની ફરિયાદના આધારે રાબોડી પોલીસે ૩ દુકાનમાલિકો સામે ફરિયાદ નોંધીને ૧૧,૩૯,૫૦૦ રૂપિયાનો બનાવટી સામાન જપ્ત કર્યો છે. આ સમગ્ર મામલે દુકાનમાલિકો જયેન્દ્ર સાળવી, સફયાન સમાની અને અરમાન શેખ સામે કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક ઍક્ટનું ઉલ્લંઘન કરવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કોઈ પણ પ્રકારના અધિકૃત લાઇસન્સ કે માલિકીહક વગર ગ્રાહકો સાથે છેતરપિંડી કરનારા વેપારીઓ સામે પોલીસે કડક કાર્યવાહી કરતાં સમગ્ર વેપારી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
રાબોડી પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોલબાડ રોડ વિસ્તારમાં આવેલી ૩ દુકાનોમાં બનાવટી સ્પોર્ટ્સ જર્સી, ટી-શર્ટ, હાફ પૅન્ટ્સ અને શૂઝનો મોટો સ્ટૉક રાખીને એનું હોલસેલ તેમ જ છૂટક વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની બાતમી કંપનીના પ્રતિનિધિને મળી હતી. આ માહિતીના આધારે અમારી ટીમે કોલબાડ રોડ પર આવેલી શ્રી સિદ્ધિવિનાયક કલેક્શન, સમાની બ્રધર્સ સ્પોર્ટ્સવેઅર અને એલ. વાય. સ્નીકર્સ નામની ૩ દુકાનો પર એકસાથે છાપો માર્યો હતો. તપાસ દરમ્યાન આ દુકાનોમાંથી મળી આવેલાં અડિડાસ અને નાઇકી બ્રૅન્ડનાં કપડાં અને શૂઝ અત્યંત હલકી કક્ષાનાં તેમ જ મૂળ પ્રોડક્ટ્સની હૂબહૂ નકલ કરીને બનાવેલાં હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત મળેલા મોટા ભાગના સામાન પર પ્રોડક્ટ-ટૅગ, ઉત્પાદનની તારીખ, કિંમત કે મૅન્યુફૅક્ચરિંગનું સરનામું પણ દર્શાવવામાં આવ્યાં નહોતાં. અમે ત્રણેય દુકાનોમાંથી કુલ ૧૨૯૬ નંગ બનાવટી પ્રોડક્ટ્સ કબજે કરી છે, જેની કુલ કિંમત ૧૧,૩૯,૫૦૦ રૂપિયા છે. જપ્ત કરાયેલા માલમાંથી સૅમ્પલ અલગ કરીને સીલ કરવામાં આવ્યો છે તેમ જ આ માલ ક્યાં તૈયાર કરવામાં આવ્યો હતો એની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.’
