અંગત ક્ષણોના ફોટો વાઇરલ કરવાની ધમકી આપનારા બૉયફ્રેન્ડની પોલીસે ધરપકડ કરી
પ્રતીકાત્મક તસવીર
થાણેના કોલશેત વિસ્તારમાં રહેતી ૧૮ વર્ષની ટીનેજરને પ્રેમજાળમાં ફસાવીને, અંગત પળોના ફોટો વાઇરલ કરી દેવાની ધમકી આપીને દાગીના અને રોકડ રકમ મળીને ૮ લાખ રૂપિયાની મતા પડાવી લેવાના આરોપમાં કાપુરબાવડી પોલીસે આદિ પાટીલ નામના યુવકની ધરપકડ કરી છે. તાજેતરમાં ટીનેજરની મમ્મીને કબાટમાંથી દાગીના કાઢતી વખતે એ ગાયબ હોવાનું માલૂમ પડ્યું હતું અને ઘરમાં શોધખોળ કરવા છતાં ન મળતાં આખરે પોલીસમાં ફરિયાદ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યાર બાદ ટીનેજરે પોતે દાગીના લીધા હોવાની કબૂલાત કરીને સમગ્ર ઘટનાની જાણ મમ્મી-પપ્પાને કરી હતી એટલે ટીનેજરના પિતાની ફરિયાદના આધારે કાપુરબાવડી પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી કરતાં આરોપીએ તમામ દાગીના વેચી માર્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
કેવી રીતે કબૂલાત કરી ટીનેજરે?
કાપુરબાવડી પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જુલાઈ મહિનામાં ફરિયાદીનો પરિવાર એક પ્રોગ્રામ માટે મુંબઈની બહાર જવાનો હતો ત્યારે બેડરૂમના વૉર્ડરોબમાં રાખેલા દાગીના કાઢવા જતાં મળ્યા નહોતા. દાગીના કોઈ જગ્યાએ મુકાઈ ગયા હશે એવું વિચારીને ફરિયાદી અને તેની પત્નીએ ચારથી પાંચ દિવસ સુધી દાગીનાની અલગ-અલગ જગ્યાએ શોધ કરી હતી, પણ મળ્યા નહોતા. અંતે દાગીના ચોરી થયા હોવાની ખાતરી થતાં ફરિયાદીએ પોલીસમાં ફરિયાદ નોંધાવવાનો નિર્ણય લીધો હતો. ત્યારે ફરિયાદીની ૧૮ વર્ષની પુત્રીએ દાગીના લીધા હોવાની માહિતી આપી હતી. તેં દાગીના કેમ લીધા એ પૂછતાં ફરિયાદીની પુત્રીએ કહ્યું હતું કે ફેબ્રુઆરીમાં તે તેના મિત્ર આદિ પાટીલ સાથે યેઉરના એક બંગલામાં ફરવા ગઈ હતી જ્યાં આદિએ તેની સાથેના કેટલાક અંગત ફોટોગ્રાફ્સ લીધા હતા. ત્યાર બાદ આરોપીએ એ ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ કરી દેવાની અને બદનામ કરવાની ધમકી આપીને ટીનેજર પાસેથી સતત પૈસાની માગણી શરૂ કરી હતી. ડરના માર્યા ટીનેજરે ફેબ્રુઆરીથી જૂન દરમ્યાન ઘરમાં રાખેલા તમામ દાગીના અને રોકડ રકમ તબક્કાવાર આરોપીને સોંપી દીધાં હતાં. આ બ્લૅકમેઇલિંગમાં આરોપીએ યુવતી પાસેથી આશરે ૨૦ ગ્રામનો સોનાનો હાર, ૧૦ ગ્રામ સોનાની ૩ ચેઇન, બ્રેસલેટ, ૨૦ ગ્રામ સોનાનાં બિસ્કિટ સહિત કુલ ૭ લાખ રૂપિયાના સોનાના દાગીના અને એક લાખ રૂપિયાની રોકડ રકમ મળીને કુલ ૮ લાખ રૂપિયાની મતા પડાવી લીધી હતી. આ કેસમાં આરોપીની ધરપકડ કરીને તેની પાસેથી રિકવરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.’
