Thane Water Cut: થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ રહેવાસીઓને અગાઉથી પૂરતું પાણી સંગ્રહ કરવા અને શટડાઉન સમયગાળા દરમિયાન તેનો સાચવીને ઉપયોગ કરવા વિનંતી કરી. મંગળવાર રાતથી પાણી પુરવઠો ફરી શરૂ થાય તેવી અપેક્ષા છે.
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય મિડ-ડે
કી હાઇલાઇટ્સ
- કટાઈ અને થાણે વચ્ચે 24 કલાક માટે પાણી પુરવઠો બંધ
- મંગળવાર રાતથી પાણી પુરવઠો ફરી શરૂ થાય તેવી અપેક્ષા
- ૨૬૯૬૨ - મુંબઈમાં લીકેજની કુલ આટલી ફરિયાદ મળી
થાણે જિલ્લાના અમુક શહેરોમાં આજે રાતથી 24 કલાક સુધી પાણીપુરવઠો બંધ રહેવાનો છે. આ આંગે થાણે મહાનગર પાલિકા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. TMCના અધિકારીઓએ જણાવ્યું હતું કે MIDCના જાંભુલ જળ શુદ્ધિકરણ કેન્દ્રમાં તાત્કાલિક સમારકામના કારણે કાલવા, મુમ્બ્રા અને દિવા વિસ્તારમાં સોમવાર તારીખ 17 માર્ચ 2025ની રાતથી આગામી 24 કલાક માટે સંપૂર્ણ પાણી પુરવઠો બંધ રહેશે.
મહાનગરપાલિકાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમ શુદ્ધિકરણ કેન્દ્રમાં સોમવાર રાત (17 માર્ચ) થી મંગળવાર રાત (18 માર્ચ) સુધી તાત્કાલિક સમારકામના કારણે પાણી પુરવઠો બંધ રાખવામાં આવવાનો છે. વધુમાં, કટાઈ અને થાણે વચ્ચે 24 કલાક માટે પાણી પુરવઠો બંધ રહેશે.
ADVERTISEMENT
TMCના અધિકારીઓએ જણાવ્યું હતું કે મંગળવાર રાતથી પાણી પુરવઠો શરૂ થશે. આગામી થોડા દિવસો સુધી ઓછા દબાણે પુરવઠો કરવામાં આવશે. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ રહેવાસીઓને અગાઉથી પૂરતું પાણી સંગ્રહ કરવા અને શટડાઉન સમયગાળા દરમિયાન તેનો સાચવીને ઉપયોગ કરવા વિનંતી કરી. મંગળવાર રાતથી પાણી પુરવઠો ફરી શરૂ થાય તેવી અપેક્ષા છે.
મુંબઈ અને આસપાસના ઉપનગરોમાં પાણીપુરવઠા કરવા સામે છે આ સમસ્યા
મુંબઈમાં અપર વૈતરણા, મોડકસાગર, તાનસા, મધ્ય વૈતરણા, ભાતસા, વિહાર અને તુલસી, આ સાત જળાશયમાંથી દરરોજ ૩૮૫૦ મિલ્યન લીટર પાણી રોજ પૂરું પાડવામાં આવે છે. આ પાણીપુરવઠો બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા પાઇપલાઇન દ્વારા જળાશયોમાંથી મુંબઈમાં લાવીને વિતરણ કરવામાં આવે છે. પાણીનું વિતરણ કરતી વખતે ગયા વર્ષે લીકેજ થવાની ૨૬,૯૬૨ ફરિયાદ મળી હતી જે BMC માટે માથાનો દુઃખાવો બની ગઈ છે. મુંબઈના ૨૪ વૉર્ડમાંથી સૌથી વધુ ૩૬૮૫ ફરિયાદ કુર્લાના એલ વૉર્ડમાં મળી હોવાનું જણાઈ આવ્યું છે. બીજી રીતે કહીએ તો દરરોજ મુંબઈમાં જેટલું પાણી પૂરું પાડવામાં આવે છે એમાંથી ૩૪ ટકા પાણી લીકેજમાં વેડફાય છે. આ લીકેજ રોકવા માટેના ભરપૂર પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવા છતાં એનો ઉકેલ BMCને નથી મળી રહ્યો.
BMCના આંકડા પરથી જણાઈ આવ્યું છે કે મુંબઈમાં પાણીપુરવઠા વિભાગ દ્વારા જે પાણી સપ્લાય કરવામાં આવે છે એમાંથી ૬૫ ટકા પાણીનું બિલિંગ થાય છે; બાકીનું પાણી લીકેજ, ચોરી કે ટેક્નિકલ ખામીમાં વેડફાઈ જાય છે. મુંબઈમાં પાણીપુરવઠો કરવા માટે ૩૮૦ કિલોમીટરની પાઇપલાઇનનું માળખું છે. આ પાઇપલાઇનમાં અમુક જગ્યાએ લીકેજ થાય છે.
૨૬૯૬૨ - મુંબઈમાં લીકેજની કુલ આટલી ફરિયાદ મળી
૩૬૮૫ - સૌથી વધારે કુર્લાના એલ વૉર્ડમાં આટલી ફરિયાદ મળી
૨૨૩૯ - મલાડના પી નૉર્થ વૉર્ડમાં આટલી ફરિયાદ મળી
૧૯૪૯ - અંધેરી-ઈસ્ટના કે ઈસ્ટ વૉર્ડમાં આટલી ફરિયાદ મળી
૧૬૬૯ - ઘાટકોપરના એન વૉર્ડમાં આટલી ફરિયાદ મળી
૧૪૪૪ - ભાંડુપના એસ વૉર્ડમાં આટલી ફરિયાદ મળી

