ગભરાશો નહીં, જીવથી પણ સારી રીતે સાચવીને રખાતા ફોનને જ્યારે નુકસાન થાય તો અમુક સ્માર્ટ ટ્રિક્સથી એને ઠીક પણ કરી શકાય
પ્રતીકાત્મક તસવીર
સ્માર્ટફોનથી એક મિનિટ પણ દૂર રહેવાનું મુશ્કેલ બને છે, પણ ઘણી વાર જાણતાં-અજાણતાં ફોન પાણીમાં પડી જાય તો તરત લોકો પૅનિક થઈ જાય છે. તરત ચાલુ કરવાની કોશિશ કરે છે અને એ ચાલુ છે કે નહીં એ ચેક કરવા સ્વિચ ઑન કરે છે. આવું કરવું જોખમી સાબિત થઈ શકે છે. જો ફોનની અંદર પાણી ગયું હોય અને એને ચાલુ કરવામાં આવે તો શૉર્ટ સર્કિટ થવાનું જોખમ વધી જાય છે. આ ઉપરાંત ફોનને પાણીમાંથી કાઢીને જોરથી ઝટકવો ન જોઈએ. આવું કરવાથી એના ઇન્ટરનલ પાર્ટ્સ ડૅમેજ થવાની શક્યતાઓ વધી જાય છે. ઘણી વાર તો પાણીમાં પડેલા ફોનને ફરીથી નૉર્મલ કરવા માટે લોકો હૅક્સ કરતા હોય છે. કોઈ એને ચોખાના ડબ્બામાં રાખે છે તો કોઈ તડકે સૂકવે છે, પણ દરેક સમયે આ હૅક્સ કામ કરતા નથી. ઊલટાનો ફોન વધુ બગડી જતો હોય છે અને વાપરવાની કન્ડિશનમાં પણ રહેતો નથી.
નહીં કરતા આ ભૂલો
ADVERTISEMENT
જોકે ઍપલ કંપનીએ એક ઍડ્વાઇઝરી જાહેર કરી છે એમાં આઇફોન પાણીમાં પડી જાય ત્યારે એને સૂકવવા માટેની ટિપ્સ આપવામાં આવી છે. આ ટિપ્સ ઍન્ડ્રૉઇડ ફોનને પણ લાગુ પડે છે. ઍડ્વાઇઝરી મુજબ આઇફોનને સૂકવવા માટે ચોખાના ડબ્બામાં ન રાખવો જોઈએ. આનાથી ચોખાના નાના દાણા ફોનના ચાર્જિંગ પોર્ટ અથવા સ્પીકર ગ્રિલમાં ફસાઈ શકે છે અને ફોનને અંદરથી વધુ નુકસાન પહોંચી શકે છે. આ ઉપરાંત હેરડ્રાયરથી પણ એને સૂકવવો ન જોઈએ. ફોન પાણીમાં પડી જાય તો એને ઓછામાં ઓછા ૨૪થી ૪૮ કલાક સુધી ચાર્જ ન કરવો જોઈએ. ફોનમાં પાણી જવાથી ચાર્જિંગ પોર્ટ અને હેડફોન જૅકમાં પાણી જમા થઈ શકે છે અને ઘાઈ કરીને જો એને ચાર્જિંગ પર મુકાય તો ફોન બ્લાસ્ટ થવાની અથવા શૉર્ટ સર્કિટ થવાની સંભાવના વધી જાય છે. ઘણી વાર ફોન ઑન કર્યા બાદ સ્ક્રીન બ્લિન્કિંગ, ઓવરહીટિંગ અથવા વિચિત્ર અવાજો જેવી સમસ્યા જણાય તો તાત્કાલિક સર્વિસ સેન્ટરનો સંપર્ક કરવો જોઈએ. ફોન પાણીમાં પડી જાય તો એને બહાર કાઢ્યા બાદ કોરા કપડા અથવા ટિશ્યુ પેપરથી સરખો લૂછી લેવો. સિમ-કાર્ડ અને મેમરી કાર્ડને તરત જ બહાર કાઢી લેવાં.
ફોન તરત જ ખરાબ થાય છે?
ઘણા લોકોને સંશય હોય છે કે ફોન પાણીમાં પડ્યો એટલે ગયો કામથી. એ યાદ રાખવું જોઈએ કે દરેક ફોનમાં આવું થતું નથી. હકીકતમાં એ ફોનના વૉટરપ્રૂફિંગ રેટિંગ પર આધાર રાખે છે. જો ફોન IP67 કે IP68 વૉટર રેઝિસ્ટન્ટ રેટિંગ ધરાવે છે તો એ ૩૦ મિનિટ સુધી બે મીટરની ઊંડાઈ સુધી પાણીમાં સુરક્ષિત રહે છે, પણ જો પહેલેથી જ ફોન બહારથી ડૅમેજ હોય તો એ ખરાબ થવાના ચાન્સ વધુ હોય છે. IP જાણવી હોય તો યુઝર મૅન્યુઅલમાં આ વિશેની માહિતી મળી જાય છે અથવા ફોન બનાવતી કંપનીની સત્તાવાર વેબસાઇટ પર પણ મૉડલ્સની ડીટેલ્સ ચેક કરી શકાય છે. જો ફોન વૉટરપ્રૂફ છે અને એ પાણીમાં પડી ગયો હોય તો ગભરાવાની જરૂર નથી, એને તાત્કાલિક બહાર કાઢીને કોરા કપડાથી લૂછીને એને થોડા સમય પૂરતો સ્વિચ ઑફ કરી દેવો.

