મીરા રોડ સ્ટેશને પાટા ઓળંગીને ટ્રેન પકડવા માટે ગયેલા પાંચેક મિત્રોમાંના એક હરિઓમ ધાંધિયાનું લોકલની અડફેટે આવી જવાને લીધે થયું મૃત્યુ : એક વર્ષ પહેલાં તેના પપ્પાએ જીવ આપી દીધો હતો
મીરા રોડ સ્ટેશન પર પાટા ક્રૉસ કરતાં ટ્રેનની અડફેટે આવી જીવ ગુમાવનાર હરિઓમ ધાંધિયા.
રેલવે તરફથી પાટા ક્રૉસ ન કરવાનું વારંવાર કહેવામાં આવે છે છતાં શૉર્ટકટ મારવા તેમ જ સમય બચાવવા ઘણા લોકો ટ્રૅક ક્રૉસ કરતા હોય છે અને એમાં અમુક લોકોએ પોતાના જીવ પણ ગુમાવવાનો વારો આવતો હોય છે. આવી જ એક ઘટના શનિવારે સાંજે મીરા રોડ સ્ટેશને બની હતી. મીરા રોડથી ભાઈંદર જવા માગતા પાંચેક મિત્રોએ બ્રિજનો ઉપયોગ કરવાને બદલે પાટા ઓળંગીને એક નંબરના પ્લૅટફૉર્મ પર જવાનું નક્કી કર્યું અને એમાં ૧૬ વર્ષના એક ગુજરાતી ટીનેજર હરિઓમ અતુલ ધાંધિયાનું ટ્રેનની અડફેટે આવી જવાને લીધે મૃત્યુ થયું હતું.
અકસ્માતની આ ઘટના શનિવારે સાંજે સાડાપાંચ વાગ્યાની આસપાસ બની હતી. મીરા રોડ સેક્ટર પાંચની એક સોસાયટીમાં રહેતા અને કાંદિવલીની બાલભારતી કૉલેજમાં અગિયારમા ધોરણમાં ભણતો હરિઓમ ઘરેથી મિત્રો સાથે જાઉં છું એમ કહીને નીકળ્યો હતો. એ વખતે ઘરે તેની મમ્મી પ્રીતિબહેન અને બહેન સમૃદ્ધિ હતાં.
ADVERTISEMENT
મીરા રોડમાં બનેલી આ અકસ્માતની નોંધ વસઈ ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP) સ્ટેશનમાં થઈ હતી. વસઈ GRPના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર ભગવાન ડાંગેએ આ બાબતે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનામાં મૃત્યુ પામેલા હરિઓમ સાથે તેના બીજા ૩-૪ મિત્રો હતા. એ બધાને ભાઈંદર જવું હતું. તેઓ મીરા રોડમાં બોરીવલી સાઇડના એન્ડથી પાટા ક્રૉસ કરીને મીરા રોડ રેલવે સ્ટેશનના પ્લૅટફૉર્મ નંબર એક પર જઈ રહ્યા હતા. એ વખતે પ્લૅટફૉર્મ નંબર બે પર ચર્ચગેટ જતી સ્લો લોકલ ઊભી હતી. એની આગળથી બીજા મિત્રો પસાર થઈને પ્લૅટફૉર્મ નંબર એક પર પહોંચી ગયા હતા, જ્યારે હરિઓમ સહેજ માટે ચૂકી ગયો હતો અને ટ્રેન ચાલુ થઈ ગઈ હતી. ટ્રેનનો ફટકો લાગતાં તે પાટા પર પટકાયો હતો. મોટરમૅને પણ તરત જ ટ્રેન રોકી દીધી હતી, પરંતુ ગંભીર ઈજા પામેલા હરિઓમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.’
ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતાં પોલીસે આવીને પંચનામું કર્યું હતું અને હરિઓમના મૃતદેહને ભાઈંદરની સરકારી ટેંબા હૉસ્પિટલમાં મોકલાવવામાં આવ્યો હતો. ગઈ કાલે મૃતદેહ પરિવારને સોંપવામાં આવતાં સાંજે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
હરિઓમના પિતા અતુલ ધાંધિયાએ એકાદ વર્ષ પહેલાં ઘોડબંદર રોડ પરના બ્રિજ પરથી ખાડીમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. તેમનો મૃતદેહ સાત દિવસ પછી મળી આવ્યો હતો. પિતા બાદ પુત્રની પણ અકાળે વિદાયથી પરિવાર પારાવાર દુ:ખમાં ડૂબી ગયો છે.
હરિઓમનાં મમ્મી પ્રીતિ ધાંધિયા અને બહેન સમૃદ્ધિ અત્યારે વાત કરવાની પરિસ્થિતિમાં ન હોવાથી તેમની સાથે આ બાબતે વાત નહોતી થઈ શકી.

