સવાલનો જવાબ શોધવા નિમાયેલી સમિતિએ મુખ્ય પ્રધાનને રિપોર્ટ સોંપ્યો
પ્રતીકાત્મક તસવીર
રાજ્યની સ્કૂલોમાં થ્રી લૅન્ગ્વેજ પૉલિસી લાગુ કરવાના મુદ્દા પર ડૉ. નરેન્દ્ર જાધવના નેતૃત્વ હેઠળની સમિતિએ સોમવારે પોતાનો વિગતવાર અહેવાલ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને સુપરત કર્યો હતો. એની સાથે જ ઇન્ફર્મેશન ટેક્નૉલૉજીમાં મોટા ફેરફારો થયા છે અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) સહિત આધુનિક ટેક્નૉલૉજીનું જ્ઞાન મહત્ત્વપૂર્ણ બની રહ્યું છે એને કારણે પહેલા ધોરણથી AI વિષયની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ સંદર્ભમાં એક પૂરક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. આ અહેવાલ કૅબિનેટને સુપરત કરવામાં આવશે અને સરકાર દ્વારા જૂન મહિનાથી એનો સ્વીકારવામાં આવે એવી ભલામણ સમિતિએ કરી છે.
રાષ્ટ્રીય શિક્ષણનીતિ મુજબ પહેલા ધોરણથી હિન્દી ભાષા શરૂ કરવાના સ્કૂલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના નિર્ણયનો રાજ્યમાં સખત વિરોધ થયા પછી રાજ્ય સરકારે ડૉ. નરેન્દ્ર જાધવની અધ્યક્ષતામાં એક નિષ્ણાત સમિતિની નિમણૂક કરી હતી. આ સમિતિએ રાજ્યનો પ્રવાસ કર્યો હતો તથા રાજકીય નેતાઓ, વિવિધ સંસ્થાઓ અને સંગઠનોના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરીને જાહેર સુનાવણી યોજી હતી. આ પ્રક્રિયામાં મળેલાં સૂચનો અને મંતવ્યો પર વિચાર કર્યા પછી સમિતિએ એક અહેવાલ તૈયાર કર્યો છે જે હવે સરકારને સુપરત કરવામાં આવ્યો છે. આ અહેવાલ ટૂંક સમયમાં કૅબિનેટમાં રજૂ કરવામાં આવશે.
ADVERTISEMENT
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નરેન્દ્ર જાધવે અહેવાલ રજૂ કર્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રમાં થ્રી લૅન્ગ્વેજ પૉલિસી નવી નથી, પરંતુ એના સ્વરૂપમાં ફેરફારો સૂચવવામાં આવ્યા બાદ હોબાળો મચી ગયો હતો એટલે એનો વિરોધ થયો હતો. આ વિરોધને ધ્યાનમાં લઈને સરકારે એક સમિતિની સ્થાપના કરી હતી. સદાનંદ મોરે સહિત ઘણા સભ્યોએ સમિતિમાં ભાગ લીધો હતો. સમિતિએ ૮ સ્થળોએ જનસંપર્ક કાર્યક્રમો હાથ ધર્યા હતા અને વિવિધ સૂચનોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા પછી એક અહેવાલ તૈયાર કર્યો છે.
અંતિમ નિર્ણય પ્રધાનમંડળની બેઠકમાં
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘રાજ્યમાં પાંચમા ધોરણથી વિદ્યાર્થીઓને હિન્દી ભાષા શીખવવાની પદ્ધતિ પહેલેથી જ છે. પહેલા ધોરણથી વિદ્યાર્થીઓને ભાષા શીખવવાનો વિરોધ થયો હતો. આ વિરોધ વિદ્યાર્થીઓને હિન્દી ભાષા શીખવવા માટે નહોતો. એ સિવાય કમ્પ્યુટર વિજ્ઞાન અને AI જેવી ટેક્નૉલૉજી આગળ આવી રહી છે એટલે એનો પણ પહેલા ધોરણથી સમાવેશ કરવાની જરૂર છે. હવે જ્યારે સમિતિ દ્વારા AI પર પૂરક અહેવાલ આપવામાં આવ્યો છે ત્યારે રાજ્ય સરકાર આ અંગે શું નિર્ણય લે છે એ જોવું મહત્ત્વપૂર્ણ રહેશે. આ રિપોર્ટ કૅબિનેટની બેઠકમાં રજૂ કરવામાં આવશે. એ પછી સમિતિની ભલામણ સ્વીકારવી કે કોઈ ફેરફાર કરવો એનો અંતિમ નિર્ણય કૅબિનેટની બેઠકમાં લેવામાં આવશે.’


