ઝવેરીબજારમાં આવેલી દાગીનાની જાણીતી દુકાનમાં ગયા મહિને થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : ચેમ્બુર, ઘાટકોપર, દાદર, બોરીવલીની જ્વેલરીની દુકાનોમાં થયેલી હાથસફાઈમાં પણ આ જ મહિલા સામેલ
પ્રતીકાત્મક તસવીર
ઝવેરીબજારની શેખ મેમન સ્ટ્રીટ પર આવેલી જ્વેલરીની એક જાણીતી દુકાનમાં દાગીના ખરીદવાના બહાને બુરખામાં આવીને બીજી ફેબ્રુઆરીએ આશરે ૧૦.૫૦ લાખ રૂપિયાના દાગીના સેરવી ગયેલી ૪૩ વર્ષની શાયમા ખાનની એલ. ટી. માર્ગ પોલીસે ધરપકડ કરી છે. ધારાવીમાં રહેતી આરોપી મહિલા બુરખો પહેરીને જ્વેલરીની દુકાનોમાં જતી હતી અને જ્વેલરનું ધ્યાન ભટકાવીને ચોરી કરતી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેની સામે ચેમ્બુર, ઘાટકોપર, દાદર, બોરીવલી સહિતનાં વિવિધ પોલીસ-સ્ટેશનોમાં આ જ પ્રકારની ચોરીની ફરિયાદો નોંધાઈ છે.
એલ. ટી. માર્ગ પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર પ્રશાંત કાંબળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બીજી ફેબ્રુઆરીએ સાંજે ૪ વાગ્યાની આસપાસ આરોપી મહિલા બુરખો પહેરીને શેખ મેમન સ્ટ્રીટ પર આવેલી એક જાણીતી જ્વેલરીની દુકાનમાં દાગીના ખરીદવાના બહાને ગઈ હતી. ત્યાં તેણે સેલ્સમૅનનું ધ્યાન ભટકાવીને ૮ તોલાની સોનાની એક બંગડી સેરવી લીધી હતી. ત્યાર બાદ સાંજે દુકાન બંધ કરતી વખતે સ્ટૉક ચેક કરતાં એક બંગડી ઓછી જણાતાં દુકાનમાં લાગેલા CCTV કૅમેરાના ફુટેજમાં તપાસ કરવામાં આવી હતી. એમાં સાંજે ૪ વાગ્યાની આસપાસ ખરીદી કરવા આવેલી મહિલા બંગડી સેરવી ગઈ હોવાની ખાતરી થતાં આ ઘટનાની ફરિયાદ અમારી પાસે નોંધાવવામાં આવી હતી. આરોપી મહિલાને શોધવી ખૂબ મુશ્કેલ હતી, કારણ કે તે બુરખામાં આવી હતી. જોકે દુકાનની અંદરના અને બહારના CCTV કૅમેરાનાં ફુટેજમાંથી મહિલાની ચાલ ઓળખીને તે આગળ કયા વિસ્તારોમાં ગઈ એની તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત ટેક્નિકલ માધ્યમથી તપાસ કરતાં અમે આરોપી સુધી પહોંચ્યા હતા. આરોપી મહિલા સામે વિવિધ પોલીસ-સ્ટેશનોમાં દસથી વધુ ચોરીના ગુનાઓ નોંધાયેલા છે. તમામ ગુનાઓમાં સમાન પૅટર્નથી ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.’
