શૅર-અ-રિક્ષાની લાઇનમાં થયેલા વિવાદને પગલે ગુંડાગીરી પર ઊતરી આવ્યા કુરારના મુસ્લિમો, ગંદી ગાળો આપી અને હિન્દુ હૈ એમ કહીને તૂટી પડ્યા: સંજય નિરુપમે ઘટનાસ્થળે જઈને હનુમાનચાલીસાનું પઠન કર્યું
ઘટનાસ્થળે હનુમાનચાલીસાનું પઠન કરવામાં આવ્યું હતું.
મલાડ-ઈસ્ટના કુરાર વિલેજમાં શુક્રવારે સાંજે રિક્ષામાં પહેલાં બેસવાની સામાન્ય બાબતે થયેલો ઝઘડો હિંસક બન્યો હતો અને એમાં બાવીસ વર્ષની કિંજલ ગોહિલ સહિત ચાર ગુજરાતી યુવક-યુવતીની ૨૫ જેટલા લોકોએ જાહેરમાં મારઝૂડ કરી હતી એવી ફરિયાદ કુરાર પોલીસ-સ્ટેશનમાં ગઈ કાલે નોંધાઈ હતી. અમદાવાદથી આવેલાં ભાઈ-બહેન સાથે કિંજલ મલાડ સ્ટેશન પાસે ખરીદી કર્યા બાદ ઘરે જવા માટે શૅર-અ-રિક્ષાની લાઇનમાં ઊભી હતી ત્યારે બુરખા પહેરેલી બે મહિલાઓ સાથે રિક્ષામાં પહેલાં બેસવાની બાબતે બોલાચાલી થઈ હતી. શરૂઆતમાં ધમકી આપ્યા બાદ કુરાર વિલેજમાં મયૂર જ્વેલર્સ નજીક તેમની રિક્ષા અટકાવીને ૨૫ લોકો ભેગા થયા હતા અને ત્રણ ગુજરાતી યુવતી તથા એક યુવકને જાહેરમાં માર માર્યો હતો. મારનો ભોગ બનેલી યુવતીએ એવો પણ દાવો કર્યો હતો કે અમારી ધાર્મિક ઓળખ વિશે અપશબ્દો બોલીને અમને ધમકાવવામાં આવ્યાં હતાં. આ મુદ્દે સ્થાનિક બજરંગ દલના કાર્યકરો કુરાર પોલીસ-સ્ટેશન પહોંચ્યા બાદ પોલીસે ૧૪ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.

ADVERTISEMENT
સંજય નિરુપમ સાથે ફરિયાદી કિંજલ ગોહિલ
કિંજલ ગોહેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શુક્રવારે સાંજે સાડાસાત વાગ્યે મલાડ રેલવે-સ્ટેશન બહારથી હું મારી બહેન પૂજા, કશિશ અને ભાઈ દેવ શાહ સાથે શૅર-અ-રિક્ષાની લાઇનમાં ઊભી હતી. રિક્ષામાં બેસવાનો નંબર આવતાં બુરખામાં આવેલી બે અજાણી મહિલાઓ લાઇન તોડીને રિક્ષામાં બેસી ગઈ હતી. આ બાબતે તેમને સમજાવવાની કોશિશ કરતાં તેમણે અમને ગાળ આપીને આગળ જોઈ લેવાની ધમકી આપી હતી. જોકે અમે વાત વધારવા માગતાં ન હોવાથી પાછળની રિક્ષામાં અમે ચારેચાર ભાઈ-બહેન બેસી ગયાં હતાં. ૮ વાગ્યે જ્યારે રિક્ષા કુરાર વિલેજના લક્ષ્મણનગરમાં મયૂર જ્વેલર્સ નજીક પહોંચી ત્યારે અગાઉ વિવાદ કરનાર બે મહિલાઓએ અન્ય પચીસ લોકો સાથે મળીને અમારી રિક્ષા અટકાવીને અમારા હાથ અને બોચી પકડીને રિક્ષામાંથી બહાર કાઢ્યાં હતાં. તેમણે અમને ખૂબ ગંદી ગાળો આપી હતી અને હિન્દુ છીએ એમ કહીને યે લડકી કો મત છોડના એમ કહીને પુરુષોએ પણ અમારી મારઝૂડ કરી હતી. જોકે નજીકના દુકાનદારો અમારી મદદે આવતાં તેમણે અમને દુકાનની અંદર લઈ લીધાં હતાં જેનાથી અમે વધુ માર ખાતાં બચી ગયાં હતાં. પછીથી અમે પોલીસ-ફરિયાદ કરવા પોલીસ-સ્ટેશન પહોંચ્યાં હતાં. માત્ર અમે હિન્દુ છીએ એવો રોષ રાખીને તેમણે અમારી મારઝૂડ કરી હતી.’
કુરાર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે યુવતી અને તેનાં ભાઈ-બહેનોની મારઝૂડ કરનાર ૧૪ જણ સામે અમે ફરિયાદ નોંધીને ચાર જણની ધરપકડ કરી છે.’
હનુમાનચાલીસાનું પઠન
શિવસેનાના નેતા સંજય નિરુપમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભારતમાં મુંબઈ મહિલાઓ માટે સુરક્ષિત શહેર માનવામાં આવે છે છતાં અમદાવાદથી મુંબઈ આવેલી યુવતી અને એક સ્થાનિક યુવતીને વીસથી પચીસ જણના ટોળાએ ભેગા થઈને માર માર્યો હોવાની ઘટનાની અમે જાહેરમાં નિંદા કરીએ છીએ. જ્યાં ઘટના બની છે એ વિસ્તારમાં મુસ્લિમ લોકોની વધુ વસ્તી હોવાથી એને ઇસ્લામપુર તરીકે ઓળખવામાં આવે છે. હિન્દુ હવે ચૂપ નહીં બેસે. ગઈ કાલે જ્યાં યુવતીને માર મારવામાં આવ્યો હતો ત્યાં જાહેરમાં અમે હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું અને જે યુવતીને માર મારવામાં આવ્યો હતો તે પણ અમારી સાથે જોડાઈ હતી. તેમણે પોલીસ સમક્ષ કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે.’
