આ સાતમો આરોપી સપ્લાયની સિન્ડિકેટ સાથે જોડાયેલો હોવાની તપાસ
ફાઇલ તસવીર
નેસ્કો ડ્રગ્સકેસમાં ડ્રગ્સ વેચવાના આરોપસર બાવીસ વર્ષના વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે. સાઉથ મુંબઈની એક પ્રખ્યાત MBA કૉલેજના વિદ્યાર્થીની ધરપકડ સાથે આ કેસમાં ધરપકડ કરાયેલા લોકોની સંખ્યા ૭ થઈ છે. બોરીવલી કોર્ટે આ કેસમાં ધરપકડ કરાયેલા ૭ આરોપીઓને ૧૮ એપ્રિલ સુધી પોલીસ-કસ્ટડીમાં મોકલી આપ્યા છે.
૧૧ એપ્રિલે ગોરેગામના નેસ્કો સેન્ટરમાં આયોજિત મ્યુઝિક કૉન્સર્ટ દરમ્યાન ડ્રગ્સના ઓવરડોઝથી બે સ્ટુડન્ટ્સનાં મૃત્યુ થયા બાદ આ કેસની તપાસ શરૂ થઈ છે.
ADVERTISEMENT
પોલીસે જણાવ્યું હતું કે સાતમો આરોપી ડ્રગ્સ-સપ્લાયમાં સામેલ એક મોટી સિન્ડિકેટ સાથે જોડાયેલો છે. તેને બુધવાર મોડી રાતે કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. કૉન્સર્ટ અને પાર્ટીઓ જેવા મોટા પાયાના કાર્યક્રમોમાં ડ્રગ્સની સપ્લાય-ચેઇનના મુખ્ય આરોપીને પોલીસ શોધી રહી છે.
સાકીનાકામાં ૨૦૦ એક્સ્ટસી ગોળીઓ જપ્ત
આ ઘટના બાદ પોલીસ ઍક્શનમાં આવી ગઈ છે. આવી ઘટનાઓને રોકવા માટે કડક નિયમ બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ઘટના બાદ બુધવારે વહેલી સવારે સાકીનાકામાં પાડેલા દરોડામાં ૨૦૦ એક્સ્ટસી ગોળીઓ જપ્ત કરવામાં આવી હતી અને એક યુવકની ધરપકડ કરવામાં આવી હતી. જપ્ત કરાયેલી ગોળીની કિંમત ૨૬ લાખ રૂપિયા હોવાનો અંદાજ છે.
