આવું કહીને અભિનેત્રી કૃતિકા દેસાઈને લૂંટવાનો પ્રયાસ કરનારા બે બનાવટી પોલીસ પકડાયા
અભિનેત્રી કૃતિકા દેસાઈ (ડાબે), આરોપીઓ પવન વિશ્વકર્મા (વચ્ચે) અને શંકર મુરગન
ગુજરાતી નાટકો, સિરિયલો અને ફિલ્મોમાં કામ કરનાર જાણીતી અભિનેત્રી કૃતિકા દેસાઈને લૂંટવાનો પ્રયાસ કરનારા બે બનાવટી પોલીસને દિંડોશી પોલીસે ઝડપી લીધા છે.
આ ઘટના જૂનમાં ફિલ્મસિટી રોડ પર સાંજના સવાસાત વાગ્યે બની હતી. કૃતિકા દેસાઈ તેની કારમાં ડ્રાઇવર રામલાલ સાથે તેમના પાલી હિલના ઘરે જઈ રહી હજી ત્યારે સંતોષનગર નાળા પાસે ત્રણ જણે તેની કાર અટકાવી હતી. તેમણે કહ્યું હતું કે ‘અમે પોલીસવાળા છીએ. તમે શું કારમાં ડ્રગ્સ લઈ રહ્યા છો? અમારે તમારા હાથ સૂંઘવા છે. કાચ નીચે કરો. અમારે તમારી ગાડીની તલાશી લેવી છે.’ એમ કહીને તેમણે પીળા રંગનું એક આઇડી કાર્ડ સહેજ જ બતાવ્યું હતું.
જોકે એ વખતે કૃતિકાને શંકા ગઈ હતી. તેણે એ લોકોને જાણ ન થાય એ રીતે તેમનો વિડિયો ઉતારી લીધો હતો અને કહ્યું હતું કે તમે લેડીઝ પોલીસ કૉન્સ્ટેબલને બોલાવો તો હું વાત કરીશ. એથી એ લોકો ડ્રાઇવરની સાઇડ ગયા હતા અને તેને ધમકાવવા લાગ્યા હતા. કૃતિકાને ફરી શંકા જતાં તેણે ડ્રાઇવરને તેના કાચ ચડાવી દેવા કહ્યું અને તેમની નજર ચૂકવીને ડ્રાઇવરને ગાડી ભગાવવાનું કહેતાં ડ્રાઇવર એમ કર્યું હતું. જોકે એ પછી કૃતિકાએ આ સંદર્ભે દિંડોશી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કૃતિકાએ તેણે ઉતારેલો વિડિયો પણ પોલીસ સાથે શૅર કર્યો હતો.
ADVERTISEMENT
દિંડોશી પોલીસે ત્યાર બાદ એ વિડિયોના આધારે તપાસ શરૂ કરી હતી અને આજુબાજુના ૨૫ સીસીટીવી કૅમેરાનાં ફુટેજ ચકાસ્યાં હતાં. એ સિવાય એ માહિતી ખબરી નેટવર્કમાં પણ સર્ક્યુલેટ કરી હતી. આખરે તેઓ પવન વિશ્વકર્મા, શંકર મુરગન અને અતુલ ભોસલે હોવાનું જણાઈ આવ્યું હતું. ત્યાર બાદ પોલીસે પવન વિશ્વકર્મા અને શંકર મુરગનને મીરા રોડ અને મલાડમાંથી ઝડપી લીધા હતા, જ્યારે તેમનો ત્રીજો સાગરીત અતુલ ભોસલે હાલ નાસતો ફરી રહ્યો છે.

