આંધ્ર પ્રદેશ અને વડોદરાથી બે આરોપીની ધરપકડ કરી
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
દિવા ઈસ્ટમાં રહેતા ૭૧ વર્ષના નિવૃત્ત સિનિયર સિટિઝન નાગરિક સાથે ડિજિટલ અરેસ્ટના નામે થયેલી લાખો રૂપિયાની છેતરપિંડીના કેસમાં પોલીસે ૩૫.૫૦ લાખ રૂપિયા રિકવર કરી સરાહનીય કામગીરી કરી છે.
સપ્ટેમ્બર મહિનામાં સિનિયર સિટિઝનને કેટલાક સાઇબર ગઠિયાઓએ વૉટ્સઍપ કૉલ કરીને તેમના આધાર કાર્ડનો દુરુપયોગ કરી મની લૉન્ડરિંગ અને આતંકવાદી ગતિવિધિઓમાં સંડોવણી હોવાની ખોટી ધમકી આપી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED), સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને હાઈ કોર્ટના અધિકારીઓ બનીને આરોપીઓએ ૬ કલાક સુધી વિડિયો કૉલ પર નજરકેદ રાખ્યા હતા અને ડરના માહોલે ફરિયાદી પાસેથી કુલ ૩૫,૫૦,૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ મામલે મુંબ્રા પોલીસ-સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ તરત જ સંબંધિત ખાતાં ફ્રીઝ કરી દીધાં હતાં.
ADVERTISEMENT
મુંબ્રા પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રાથમિક તપાસમાં માત્ર વૉટ્સઍપ-નંબર અને બૅન્ક-ખાતાની વિગતો જ ઉપલબ્ધ હોવાથી તપાસમાં મોટા ટેક્નિકલ પડકારો સામે આવ્યા હતા, કારણ કે વૉટ્સઍપ-નંબર માટે વાપરવામાં આવેલા સિમકાર્ડ ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ અને તામિલનાડુ જેવાં રાજ્યોમાંથી લેવામાં આવ્યા હતા. તપાસને આગળ વધારવા માટે આંધ્ર પ્રદેશ, તામિલનાડુ અને ગુજરાતમાં વિશેષ ટીમો મોકલવામાં આવી હતી. ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આંધ્ર પ્રદેશ અને તામિલનાડુના કનેક્શન ધરાવતા ૩૩ વર્ષના સાક્ષાવલી શેખ નામના મુખ્ય આરોપીની આંધ્ર પ્રદેશમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમ્યાન તેણે ગુનો કબૂલ્યો હતો ત્યાર બાદ આ કૌભાંડમાં સંડોવાયેલા બીજા આરોપી ૨૧ વર્ષના સમીર ડબુરીવાલાની વડોદરાથી ધરપકડ કરવામાં આવી હતી. સમયસૂચકતા વાપરીને ફરિયાદીના પૂરેપૂરા ૩૫,૫૦,૦૦૦ રૂપિયા અમે બચાવી લીધા છે જે તેમને પરત કરવામાં આવ્યા છે.’
