આ મામલે રાબોડી પોલીસે પિક-અપ વાહન જપ્ત કરીને અજ્ઞાત આરોપી સામે ફરિયાદ નોંધી છે.
પ્રતીકાત્મક તસવીર
થાણેના સાકેત ગ્રાઉન્ડ પાસે ગોદાવલી બસ-સ્ટૉપ નજીક બુધવારે સવારે એક મહિન્દ્ર બોલેરો પિક-અપ વાહનમાંથી આશરે બે ટન ગૌમાંસનો જથ્થો પોલીસે જપ્ત કર્યો છે. આ મામલે રાબોડી પોલીસે પિક-અપ વાહન જપ્ત કરીને અજ્ઞાત આરોપી સામે ફરિયાદ નોંધી છે. વહેલી સવારે સાકેત ગ્રાઉન્ડ પાસે ગોદાવરી બસ-સ્ટૉપની નજીક એક બોલેરો પાસે લોહી જોવા મળતાં સ્થાનિક નાગરિકોએ પોલીસને એની જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે આવીને પિક-અપ વાહનની અંદર તપાસ કરતાં બે ટન જેટલું ગૌમાંસ અને ૧૪ પશુઓનાં માથાં મળી આવ્યાં હતાં. પોલીસ-અધિકારીઓની પ્રાથમિક તપાસ મુજબ વાહનનો ડ્રાઇવર ગાડી ત્યાં જ મૂકીને નાસી છૂટ્યો હતો, જેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે.
રાબોડી પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બુધવારે સવારે ૬.૪૦ વાગ્યે ઇમર્જન્સી હેલ્પલાઇન પર સ્થાનિક લોકો દ્વારા માહિતી આપવામાં આવી હતી કે સાકેત ગ્રાઉન્ડ પાસે એક વાહન નીચે મોટા પ્રમાણમાં લોહી પ્રસરેલું છે. આ માહિતી મળતાં જ પોલીસો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. વાહનમાંથી લોહી જેવો પ્રવાહી પદાર્થ ટપકતો હોવાથી ક્રેનની મદદથી એને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ TMCનાં વેટરિનરી ઑફિસર ડૉ. ક્ષમા શિરોડકરની હાજરીમાં વાહનનું પાછળનું પાટિયું ખોલીને તપાસ કરતાં અંદાજે ૧૫ લાખ રૂપિયાની કિંમતનું આશરે બે ટન માંસ મળી આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં આ વાહન મોહમ્મદ યુસુફ બરકત અલી શાહના નામે નોંધાયેલું છે અને આ વાહન ડ્રાઇવર પપ્પુ ખાન ચલાવતો હોવાનું બહાર આવ્યું છે. હાલમાં આરોપી ડ્રાઇવર અને માલિકની શોધ શરૂ કરવામાં આવી છે.’
