Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નશો કરીને ગાડીમાં જ ઢળી પડેલા બે યુવકોને લોકોએ કાચ તોડીને બહાર કાઢવા પડ્યા

નશો કરીને ગાડીમાં જ ઢળી પડેલા બે યુવકોને લોકોએ કાચ તોડીને બહાર કાઢવા પડ્યા

Published : 29 May, 2026 08:26 AM | Modified : 29 May, 2026 08:28 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૩૦ મિનિટ સુધી ઍક્સેલરેટર પર પગ દબાવી રાખ્યો હતો, આગ લાગવાની બીકે પોલીસની મદદ લેવી પડી

નશામાં ગાડીમાં બેઠેલા યુવકોને ગાડીનો કાચ તોડીને લોકોએ બહાર કાઢ્યા હતા.

નશામાં ગાડીમાં બેઠેલા યુવકોને ગાડીનો કાચ તોડીને લોકોએ બહાર કાઢ્યા હતા.


મીરા રોડના ઇન્દ્રલોક ફેઝ 3માં વિચિત્ર ઘટના બની હતી, જેનો વિડિયો ઇન્ટરનેટ પર ખૂબ ફરી રહ્યો છે. વિડિયોમાં કથિતપણે દારૂના નશામાં ધુત બે યુવકો ગાડીમાં જ ઢળી પડેલા દેખાય છે અને એમાં પણ ડ્રાઇવરની સીટ પર બેઠેલા યુવકનો પગ લગભગ ૩૦ મિનિટ સુધી ઍક્સેલરેટર પર હતો, જેને કારણે ગાડીમાં આગ ન લાગી જાય એવી બીક સ્થાનિકોને હતી.
સૌપ્રથમ એક જ જગ્યાએ ઊભેલી ગાડીમાંથી ઘણી વારથી એન્જિનનો અવાજ આવતાં લોકોનું ધ્યાન ખેંચાયું હતું. તપાસ કરતાં ગાડીમાં બન્ને યુવક માથું આગળની તરફ ઢાળીને પડેલા દેખાયા હતા. લોકોએ તેમને ઉઠાડવા ઘણા પ્રયાસો કર્યા છતાં તેઓ હોશમાં આવ્યા નહોતા. 

કોઈ દુર્ઘટના ન ઘટે એ માટે લોકોએ પોલીસને જાણ કરી હતી. ત્યાર પછી ગાડીનો કાચ તોડીને બન્ને યુવકોને બહાર કાઢવામાં આવ્યા હતા. બન્ને યુવકો એટલા નશામાં હતા કે પોલીસ તેમને મોં પર થપાટ મારીને ઉઠાડવાનો પ્રયાસ કરે છે અને અંતે ગાડીમાંથી ઉતારે છે ત્યાં સુધી તેઓ ભાનમાં આવતા નથી. 



બન્ને યુવક વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ થઈ હોવાની કે ગુનો નોંધાયો હોવાની માહિતી પોલીસે આપી નથી. જોકે આવી ઘટનાને કારણે સ્થાનિકોને ભવિષ્યમાં કોઈ દુર્ઘટના બની શકે એવો ડર છે. સોશ્યલ મીડિયા પર લોકોએ બન્ને યુવકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગણી કરી હતી.


દારૂડિયો આગે-આગે, લોકલ ટ્રેન પીછે-પીછે


મોટરમૅને વારંવાર હૉર્ન વગાડવા છતાં નશેડી ટ્રૅક પરથી દૂર ન ખસ્યો

મુંબઈ લોકલનો મોટરમૅન વારંવાર હૉર્ન વગાડતો હોય અને દારૂના નશામાં ધુત વ્યક્તિ રેલવે-ટ્રૅક પરથી ખસતી ન હોય એવો વિડિયો ઇન્ટરનેટ પર વાઇરલ થયો છે. વિડિયોમાં નશાની હાલતમાં ટ્રેનની આગળ ચાલતા માણસને બૂમો પાડીને પ્રવાસીઓ ટ્રૅક પરથી હટી જવાનું કહેતા પણ દેખાય છે. મુંબઈની લોકલનો આ વિડિયો ક્યારનો છે અને ક્યાંનો છે એ સ્પષ્ટ નથી. જોકે આ વિડિયોને કારણે નેટિઝન્સમાં ભારે નારાજગી જોવા મળી હતી અને રેલવે પ્રશાસન તે વ્યક્તિ વિરુદ્ધ પગલાં લે એવી માગણી તેમણે કરી હતી. આવી ઘટનાઓને કારણે લોકલ ટ્રેનો મોડી પડે છે અને પ્રવાસીઓની સુરક્ષા સામે પણ પ્રશ્ન ઊભો થાય છે એવો અભિપ્રાય નેટિઝન્સે વ્યક્ત કર્યો હતો. હજી સુધી રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) કે ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP) દ્વારા વિડિયોમાં દેખાતા માણસ વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ છે કે નહીં એ વિશે સમાચાર નથી. 

પાટા ક્રૉસ કરવાનું ભારે પડ્યું, LTT પર પ્લૅટફૉર્મ અને ટ્રેનની વચ્ચે ફસાયો યુવક

લોકમાન્ય તિલક ટર્મિનસ (LTT) પર ૨૦ વર્ષનો યુવક ટ્રેન અને પ્લૅટફૉર્મ વચ્ચે ફસાઈ જવાની ઘટના બુધવારે સવારે બની હતી. ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ ૩૦ મિનિટ સુધી રેસ્ક્યુ ઑપરેશન કરીને તેને હેમખેમ ઉગાર્યો હતો.  GRPએ આપેલી માહિતી મુજબ બુધવારે સવારે ૧૧.૩૫ વાગ્યે અમિત કુમાર પ્લૅટફૉર્મ-નંબર ૬થી પ્લૅટફૉર્મ-નંબર પાંચ પર જવા માટે રેલવે-ટ્રૅક ક્રૉસ કરી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. અમિત કુમાર પ્લૅટફૉર્મ-નંબર પાંચ પર ચડવા ગયો ત્યારે જ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી પનવેલ જતી લોકલ ટ્રેન આવી પહોંચતાં તેના શરીરનો નીચલો ભાગ પ્લૅટફૉર્મ અને ટ્રેન વચ્ચે ફસાઈ ગયો હતો. ત્યાર બાદ પ્લૅટફૉર્મ પરનો સિમેન્ટનો થોડો ભાગ તોડીને તેને બહાર કાઢવામાં આવ્યો હતો, જેને કારણે આ ટ્રૅક પર ચાલતી ટ્રેનો મોડી પડી હતી.આ ઘટનામાં અમિત કુમાર જખમી થતાં તેને ઘાટકોપર-ઈસ્ટની રાજાવાડી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. હજી સુધી તેની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો ન હોવાનું GRPના અધિકારીએ જણાવ્યું હતું. 

Whatsapp-channel Whatsapp-channel

29 May, 2026 08:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK