પેટ્રોલ ડીલર્સ અસોસિએશનની ‘વોટ કર પુણેકર’ ઝુંબેશ
પ્રતીકાત્મક તસવીર
લોકસભાની ચૂંટણીમાં વધુ ને વધુ લોકો મતદાન કરવા માટે ઘરોની બહાર નીકળે એ માટે પુણેના પેટ્રોલ ડીલર્સ અસોસિએશને વિવિધ સંસ્થાઓના સહયોગથી ‘વોટ કર પુણેકર’ ઝુંબેશ શરૂ કરી છે. એમાં મતદાન કર્યું હોવાની નિશાની બતાવનારને એક લીટર ઑઇલ ખરીદવા સામે ૫૦ રૂપિયાનું પેટ્રોલ ફ્રી આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય સખત ગરમીને લીધે સિનિયર સિટિઝનોને ઘરની બહાર નીકળવામાં મુશ્કેલી થાય છે એટલે તેમને મતદાન-કેન્દ્ર સુધી લાવવા-લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવશે એટલું જ નહીં, અસોસિએશન વિવિધ સામાજિક સંસ્થાઓના સહયોગથી ઘરે-ઘરે જઈને મતદાન વિશે જનજાગૃતિનો કાર્યક્રમ પણ યોજશે. પુણે લોકસભા બેઠકમાં ૧૩ મેએ થનારા મતદાન થયા પછી આ ઝુંબેશ ૨૦ મે સુધી ચાલુ રાખવામાં આવશે. મતદાનના દિવસે ડ્યુટી પરની પોલીસ માટે પાણીની ૨૦ હજાર બૉટલનું વિતરણ કરવામાં આવશે.