વિચાર કરજો કે આપણા જીવનમાં આપણે અધિકારની વાત વધારે કરીએ છીએ કે ફરજની વાત વધારે કરીએ છીએ.
જીવન દર્શન
પ્રતીકાત્મક તસવીર
વૈષ્ણવ પોતાને જીતે છે, સાધુ-પુરુષ પોતાના પર વિજય પામે છે. જીવનમાં વૈષ્ણવતા સહન કરવામાં આવે છે. લડી લેવું બહુ સહેલું છે. કેમ કે જ્યારથી અને જ્યાં સુધી તમે હકની જ વાત કર્યા કરશો ત્યાં સુધી તમને સિક્કાની બીજી બાજુ નથી સમજાવાની.
આમાં મારો હક, આના પર મારો અધિકાર એ રીતે જે સમાજમાં, જે પરિવારમાં લોકો હકની વાત કરતા હોય ત્યાં સંપ વધારે વાર ન રહે. જે સમાજમાં, પરિવારમાં, કુટુંબમાં લોકો જ્યાં ફરજની વાત વધારે કરતા હોયને ત્યાં સંપ વધારે હોય. કર્તવ્યની વાત કરતા હોય ત્યાં સંપ વધારે હોય. વિચાર કરજો કે આપણા જીવનમાં આપણે અધિકારની વાત વધારે કરીએ છીએ કે ફરજની વાત વધારે કરીએ છીએ. આપણા વિચારોમાં આપણે મહત્ત્વ હકને જ આપીએ છીએ. આપણી ફરજ વિશે ઓછું વિચારીએ છીએ. આના પર મારો અધિકાર, આ મારો હક્ક છે અને એ મને મળવો જ જોઈએ એવું બોલવાનો અધિકાર તેને જ છે જેણે પોતાના વ્યક્તિત્વની ફરજો નિભાવી હોય.
કેટલાક સવાલ દરેકે પોતાની જાતને પૂછવા જોઈએ.
શું મેં દીકરા તરીકેની, શું મેં પતિ તરીકેની, શું મેં પત્ની તરીકેની, શું મેં પિતા તરીકેની ફરજ નિભાવી? ફરજો બધાને લાગુ પડે છે. ફરજ નિભાવ્યા પછી જ હકની વાત કરાય. પાશ્ચાત્ય સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિના મૂળ પાયાનો ભેદ એ છે કે પાશ્ચાત્ય સંસ્કૃતિમાં રાઇટ્સની વાત થાય. તમારો અધિકાર શું છે એ નાના બાળકને પણ શીખવાડે. મા-બાપ સામે તારો કયો અધિકાર છે એ સૌથી પહેલાં શીખવે. જ્યારે ભારતીય સંસ્કૃતિ-દર્શન ફરજની વાત ગળથૂથીમાં આપવાનું કામ કરે છે. ભારતીય સંસ્કૃતિ શીખવે છે કે તેં તારી ફરજ નિભાવી? એ પછી અધિકારની વાત કરજે.
ગાંધીજીને જ્યારે કોઈ વ્યક્તિએ પ્રશ્ન કર્યો કે ‘અધિકાર પર વધારે ચર્ચા થવી જોઈએ કે ફરજ પર?’ ત્યારે ગાંધીજીએ બહુ સુંદર જવાબ આપતાં કહેલું, ‘જો દરેક વ્યક્તિ પોતાની ફરજ નિભાવેને તો આપમેળે બધાના અધિકાર સચવાઈ જાય. આપણે અધિકારનું ચિંતન કરીએ છીએ. ફરજનું ચિંતન નથી કરતા.’
પહેલાં વિચાર કરજો, મેં મારાં કર્તવ્ય નિભાવ્યાં? કારણ કે ઘરમાં દરેકને એમ જ લાગે છે કે હું જ ઘસાઉં છું અને બાકી બધા મજા કરે છે. દરેકને એમ જ લાગે. તો ઘસાય છે કોણ? હા, પણ ઘરમાં કોઈ એક વ્યક્તિ અગરબત્તી જેવો હોવો જોઈએ, જે પોતે બળીને પણ ઘરને સુગંધિત કરતો રહે.